USએ કહ્યું- ધમકી આપવી નહીં... જવાબ મળ્યો ઘણા આક્રમણકારો આવ્યા-ગયા, ઈરાન વર્ષોથી ત્યાં જ ઉભુ છે

અમેરીકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ઈરાની ખતરાને જોઇને ખાડીમાં એક યુદ્ધ વિમાનોને લઇ જતુ જહાજ અને બી-52 બોમ્બવર્ષક તૈનાત કરવામાં આવ્યા છે.

USએ કહ્યું- ધમકી આપવી નહીં... જવાબ મળ્યો ઘણા આક્રમણકારો આવ્યા-ગયા, ઈરાન વર્ષોથી ત્યાં જ ઉભુ છે

વોશિંગટન: અમેરીકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ઈરાની ખતરાને જોઇને ખાડીમાં એક યુદ્ધ વિમાનોને લઇ જતુ જહાજ અને બી-52 બોમ્બવર્ષક તૈનાત કરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, અમેરિકાની સાથે સૈન્ય સંઘર્ષ ‘ઈરાનનો સત્તાવાર અંત હશે.’

ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ટ્વિટ કરી કહ્યું હતું કે, ‘જો ઈરાન યુદ્ધ ઇચ્છે છે, તો તે ઈરાનનો સત્તાવાર અંત હશે. ફરી ક્યારેય અમેરીકાને ધમકી આપવી નહીં.’

બંને દેશોની વચ્ચે સંભવિત સૈન્ય સંઘર્ષની આશંકાની વચ્ચે ટ્રમ્પની આ ટ્વિટ આવી હતી. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ હાલમાં તેમની ગુપ્ત માહિતીઓ પર ચર્ચા કરી રહ્યાં છે કે, શું ઈરાન અથવા તેના સમર્થિત આતંકવાદી સંગઠન ખાડીમાં અમેરીકાની સંપત્તિઓ પર સંભવિત હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં છે. અથવા તો અમેરીકા કાર્યવાહીનો મુકાબલો કરવા માટે રક્ષાત્મક કાર્યવાહી કરી રહ્યું છે.

ફોક્સ ન્યૂઝના પ્રસારણકર્તાને રવિવારે આપેલી મુલાકાતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ ઈરાનને પરમાણું હથિયાર વિકસિત કરવા નહીં દે. પરંતુ એવું પણ કહ્યું હતું કે, તેઓ સંઘર્ષ ઇચ્છતા નથી. અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, હું એવો વ્યક્તિ નથી જે યુદ્ધ ઇચ્છતો હોય, કારણ કે તેનાથી અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન પહોંચે છે અને યુદ્ધમાં લોકો મૃત્યુ પામે છે.

ઈરાનનો જવાબ
આ બધા વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ ઝવાદ ઝરીફે સોમવારે કહ્યું હતું કે, અમેરીકાના રાષ્ટ્રપતિના નરસંહારના મહેણાંથી ઈરાનનો અંત થશે નહીં. ઝરીફે ટ્વિટ કરી કહ્યું હતું કે, ઘણા આક્રમણકારો આવ્યા અને ગયા. પરંતુ ઈરાન વર્ષોથી હજુ ત્યાંને ત્યાં જ ઉભુ છે. આર્થિક આતંકવાદ અને નરસંહારના મહેણાંથી ઈરાન નષ્ટ થઇ જવાનું નથી.

તેમણે કહ્યું હતું કે, કોઇ ઈરાનીને ક્યારે ધમકી આપવી નહીં. સન્માન આપવાનો પ્રયત્ન કરો તે સારૂ છે. ઈરાન અને અમેરીકા વચ્ચે સંબંધ ગત વર્ષે તે સમયે વધુ ખરાબ થયા હતા, જ્યારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન 2015 ના પરમાણું કરારથી પાછુ ફર્યું હતું અને ઈરાન પર ફરીથી પ્રતિબંધ લગાવી દીધો હતો.
(ઇનપુટ: એજન્સી AFP)

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news