ઓસ્ટ્રેલિયાના PM વડાપ્રધાન મોદીથી પ્રભાવિત, તસવીર ટ્વીટ કરીને લખ્યું-'મોદી કેટલા સારા'
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ જ એવું છે કે કોઈ પણ વ્યક્તિ તેમનાથી પ્રભાવિત થયા વગર રહી શકે નહીં. આવું જ કઈક જાપાનની જી-20 સમિટમાં જોવા મળ્યું. જાપાનના ઓસાકામાં G20 સમિટ ચાલી રહી છે. આ દરમિયાન પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન વચ્ચે મુલાકાત થઈ. આ મુલાકાત અંગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને એક ટ્વીટ કરીને જણાવ્યું. જેમાં તેમણે પીએમ મોદીના વખાણ કરતા લખ્યું કે 'મોદી કેટલા સારા છે'.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલથી એક તસવીર પોસ્ટ કરીને લખ્યું કે મોદી કેટલા સારા છે! આ તસવીરમાં તેઓ અને પીએમ મોદી એકસાથે હસતાં જોવા મળી રહ્યાં છે. તેમણે આ ટ્વીટ #G20OsakaSummit સાથે શેર કરી. અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જી20 સમિટમાં ભાગ લેવા માટે જાપાનના ઓસાકામાં છે.
G-20 સમિટનો આજે બીજો દિવસ છે. આજે આ સમિટમાં પર્યાવરણના મુદ્દા પર ફોકસ હશે. જેમાં જી-20 નેતાઓ 2050 સુધી દુનિયાના મહાનગરોમાં પ્લાસ્ટિકના કચરાના ડમ્પિંગને બંધ કરવા માટે સહમત થાય તેવી આશા છે. આજે સવારે જળવાયુ પરિવર્તન પર બેઠક થવાની છે જેમાં વડાપ્રધાન મોદી સહિત દુનિયાના અન્ય મોટા નેતાઓ ભાગ લેશે.
Kithana acha he Modi! #G20OsakaSummit pic.twitter.com/BC6DyuX4lf
— Scott Morrison (@ScottMorrisonMP) June 28, 2019
આ અગાઉ શુક્રવારે પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડાપ્રધાન શિંજો આબે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જેવા વૈશ્વિક નેતાઓને મળ્યાં, તેમની સાથે દ્વિપક્ષીય અને ત્રિપક્ષીય બેઠકો યોજી જેમાં વેપાર, વિકાસ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર વાત કરી.
પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર તેના પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે આતંકવાદ દુનિયા માટે જોખમ છે, તેને પહોંચી વળવા માટે બધાએ સાથે મળીને સંઘર્ષ કરવાની જરૂર છે. તેમણે આતંકવાદ મુદ્દે એક ગ્લોબલ કોન્ફરન્સ કરવાની પણ માગણી કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે