ગો એરની ફ્લાઈટમાં ઘૂસી ગયા બે કબૂતરો, ને પછી તો પેસેન્જર્સમાં જોવા જેવી થઈ પડી...
તમે હવાઈ મુસાફરી કરતા હોઉ તો ફ્લાઈટને બર્ડહિટ અંગે તમે સાંભળ્યું જ હશે. પરંતુ શુક્રવારે અમદાવાદથી જયપુર જતી એક ફ્લાઈટમાં વિચિત્ર ઘટના જોવા મળી. વાસ્તવમાં ગોએરની ફ્લાઈટ જી8-702 અમદાવાદથી જયપુર જતી હતી. ફ્લાઈટ સાંજે 4.30 વાગ્યે એપ્રન પર લાવવામાં આવી. પ્રત્યેક પેસેન્જર વિમાનમાં બેસી ગયા હતા અને ફ્લાઈટનો ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. એ પછી ફ્લાઈટ સાંજે 4.50 વાગ્યે ટેક ઓફ માટે રન વે પર આવવાની તૈયારીમાં હતી ત્યાં જ એક પેસેન્જરે હેન્ડ બેગ મૂકવા માટે લગેજ શેલ્ફ ખોલી. સૌના આશ્ચર્ય વચ્ચે શેલ્ફમાંથી બે કબૂતર નીકળ્યાં હતાં. કબૂતરે એરલાઈન્સની વ્યવસ્થાની પોલ ખોલી નાંખી હતી. ફ્લાઈટમાં કબૂતરને જોઈ બધા પેસેન્જર આશ્ચર્યમાં મુકાઈ ગયા. કબૂતર આખી ફ્લાઈટમાં એક છેડેથી બીજા છેડે ઊડવા લાગ્યું અને પેસેન્જર તેને પકડવાના પ્રયાસોમાં લાગી ગયા હતા. આખરે ક્રૂ મેમ્બર્સે પેસેન્જરોને શાંતિ રાખવા અપીલ કરી. એરલાઈન્સના સ્ટાફે ગ્રાઉન્ડ સ્ટાફને સમગ્ર ઘટનાની જાણ કરી. અંતે ફ્લાઈટનો ગેટ ખોલવામાં આવ્યો અને ભારે પ્રયત્નો પછી બંને કબૂતર બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનાએ એરલાઈન્સની વ્યવસ્થાની પોલ ખોલી નાખી. ફ્લાઈટ આખરે સાંજે 6.45ના તેના નિર્ધારિત સમયને બદલે સાંજે 7.15 વાગ્યે જયપુર એરપોર્ટ પહોંચી.