World Cup Final: કપિલ દેવ અને એમએસ ધોની બાદ ટ્રોફી ઉઠાવશે રોહિત શર્મા! બન્યો સૌથી અનોખો સંયોગ
World Cup 2023, IND vs AUS: અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તૈયાર છે. રવિવારે 1 લાખથી વધુ દર્શકોની હાજરીમાં અમદાવાદમાં ઈતિહાસ રચાવાનો છે. આઈસીસી વિશ્વકપ 2023ની ફાઈનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થવાનો છે. આ વચ્ચે તમને એક અનોખા સંયોગ વિશે જણાવી રહ્યાં છીએ.
Trending Photos
અમદાવાદઃ આઈસીસી વિશ્વકપ-2023ની ફાઈનલ શરૂ થવામાં હવે ગણતરીની કલાકો બાકી છે. ભારતીય ટીમનો સામનો ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય ટીમ સતત 10 મેચ જીતી ફાઈનલમાં પહોંચી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પાંચ વખતની ચેમ્પિયન છે અને ભારતને ટક્કર આપવા મેદાનમાં ઉતરશે. આ મેચ માટે પીએમ મોદી પણ હાજરી આપવાના છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનેક મોટી હસ્તિઓ આ મેચ જોવા માટે હાજર રહેવાની છે. ભારતીય ટીમ 12 વર્ષ બાદ ઘરઆંગણે વિશ્વ કપની ટ્રોફી ઉઠાવશે તેવી તમામ ક્રિકેટપ્રેમીઓને આશા છે. આ વચ્ચે સૌથી અનોખો સંયોગ સામે આવ્યો છે.
20 વર્ષ બાદ ભારત-ઓસ્ટ્રેલિયા આમને-સામને
ભારત અને ઓસ્ટ્રેલિયા બીજીવાર વિશ્વકપની ફાઈનલમાં ટકરાવાના છે. આ પહેલા વર્ષ 2003માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી વિશ્વકપની ફાઈનલ રમાઈ હતી. આ મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. રિકી પોન્ટિંગની ટીમે ભારતને ફાઈનલમાં 125 રને હરાવી ટ્રોફી કબજે કરી હતી. હવે આવતીકાલે જોવાનું રહેશે કે કઈ ટીમ વિશ્વ વિજેતા બને છે.
ભારત બે વાર વિશ્વ ચેમ્પિયન
ભારતીય ક્રિકેટ ટીમ બે વખત આઈસીસી વિશ્વકપ જીતી ચૂકી છે. ભારતે 1983માં કપિલ દેવની આગેવાનીમાં પ્રથમવાર વિશ્વ વિજેતા બનવાનું ગૌરવ હાસિલ કર્યું હતું. ત્યારબાદ ભારતે વર્ષ 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વિશ્વ કપની ટ્રોફી ઉઠાવી હતી. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હતો. હવે ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાનીમાં ત્રીજીવાર વિશ્વકપ જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે.
સામે આવ્યો અનોખો સંયોગ
ભારતીય ટીમ બે વખત આઈસીસી વિશ્વ કપ જીતી ચૂકી છે. આ બંને વખત ભારતીય ટીમનો વિજય થયો ત્યારનો એક અનોખો સંયોગ સામે આવ્યો છે. ભારતીય ટીમે પ્રથમવાર 1983માં વિશ્વ કપ જીત્યો હતો. જ્યારે બીજીવાર 2011માં ટ્રોફી જીતી હતી. પરંતુ આ સંયોગ ફાઈનલનો નહીં પરંતુ સેમીફાઈનલનો છે. આ વખતે પણ સેમીફાઈનલમાં આ સંયોગ જોવા મળ્યો છે.
બુધવારનો સંયોગ
ભારતીય ટીમે 1983માં 22 જૂને ઈંગ્લેન્ડને સેમીફાઈનલમાં હરાવ્યું હતું. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતે વિશ્વકપ 2011ની સેમીફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતે 30 માર્ચ, 2011ના પાકિસ્તાન સામે આ સેમીફાઈનલ મેચ રમી હતી. હવે સંયોગ એવો છે કે જ્યારે ભારતે 1983 અને 2011માં સેમીફાઈનલ મેચ જીતી ત્યારે બુધવાર હતો. જ્યારે વિશ્વકપ 2023ના પ્રથમ સેમીફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. આ સેમીફાઈનલ મેચ 15 નવેમ્બર 2023ના રમાઈ હતી. આ દિવસે પણ બુધવાર હતો. એટલે કે આ પહેલા 1983 અને 2011ના વિશ્વકપમાં ભારતીય ટીમે સેમીફાઈનલ મેચ બુધવારે જીતી હતી. ત્યારબાદ ભારતીય ટીમ વિશ્વ વિજેતા બની હતી. હવે 2023માં પણ ભારતે સેમીફાઈનલ મેચ બુધવારે જીતી છે એટલે કે ટીમ હવે રોહિત શર્માની આગેવાનીમાં વિશ્વ વિજેતા બનશે? સંયોગ પ્રમાણે લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા ત્રીજીવાર વિશ્વ વિજેતા બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે