SRHvsRR: સનરાઇઝર્સ વિરુદ્ધ બેન સ્ટોક્સ કરશે વાપસી, રોયલ્સને માત્ર જીતની જરૂર


બેન સ્ટોક્સની ગેરહાજરીમાં રાજસ્થાન રોયલ્સનું સંતુલન બગડી ગયું છે અને તેના વગર ટીમને યોગ્ય કોમ્બિનેશન મળી શક્યું નથી. સ્ટોક્સ રવિવારે ટીમમાં વાપસી કરશે અને રોયલ્સને આશા છે કે તે ટીમની ગાડી જીતના પાટા પર લાવશે.

SRHvsRR: સનરાઇઝર્સ વિરુદ્ધ બેન સ્ટોક્સ કરશે વાપસી, રોયલ્સને માત્ર જીતની જરૂર

દુબઈઃ સતત હારથી પરેશાન આવી ચુકેલી રાજસ્થાન રોયલ્સ (RR)ને આશા છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ રવિવારે રમાનારી મેચમાં બેન સ્ટોક્સની ટીમમાં વાપસીથી તે જીતના પાટા પર પરત ફરશે. રોયલ્સ પોઈન્ટ ટેબલમાં નીચેથી બીજા સ્થાન પર છે, જેણે બે જીત બાદ સતત ચાર મેચમાં હારનો સામનો કર્યો છે. આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. 

સનરાઇઝર્સે છ મેચમાંથી ત્રણ મેચ જીતી છે અને તે ચોથા સ્થાન પર છે. સ્ટોક્સનો ક્વોરેન્ટાઇન પીરિયડ સમાપ્ત થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં ટીમનું સંતુલન બગડ્યું છે અને હજુ સુધી યોગ્ય સંયોજન મળી શક્યું નથી. ઓગસ્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ ઘરેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન સ્ટોક્સ ન્યૂઝીલેન્ડ ચાલ્યો હતો હતો, જ્યાં તેમના પિતાના કેન્સરની સારવાર ચાલી રહી છે. તેમના પિતાએ તેને બીજીવાર રમવા જવા માટે કહ્યું. હવે તે જોવાનું રહેશે કે આટલા મહિના ક્રિકેટથી દૂર રહ્યાં બાદ તે લય હાસિલ કરી શકે છે કે નહીં.

કેપ્ટન સ્ટીવ સ્મિથે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચ બાદ કહ્યુ હતુ, સ્ટોક્સે વધુ પ્રેક્ટિસ કરી નથી. તેનો ક્વોરેન્ટીન શનિવારે પૂરો થશે. જોઈએ તે રવિવારે રમી શકે છે કે નહીં. દિલ્હી સામે કારમા પરાજયનો સામનો કરનાર રોયલ્સ માટે યશસ્વી જાયસવાલ (34) અને રાહુલ તેવતિયા (38)ને છોડીને કોઈ બેટ્સમેન ચાલી શક્યો નહીં.

જોસ બટલર, સ્ટીવ સ્મિથ અને સંજૂ સેમસન અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી. સેમસન અને સ્મિથે પ્રથમ બે મેચો બાદ મોટી ઈનિંગ રમી નથી. બોલિંગમાં જોફ્રા આર્ચર, તેવતિયા અને ગોપાલે સારૂ પ્રદર્શન કર્યું છે. બીજીતરફ સનરાઇઝર્સે સતત પરાજય બાદ ઓપનિંગ બેટ્સમેન જોની બેયરસ્ટો અને સ્પિનર રાશિદ ખાને શાનદાર પ્રદર્શન કરતા પંજાબ વિરુદ્ધ ત્રણ વિકેટ ઝડપી હતી. 

સનરાઇઝર્સ માટે પંજાબ વિરુદ્ધ બેયરસ્ટોએ 55 બોલમાં 97 રન બનાવ્યા હતા. તેણે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ વિરુદ્ધ પણ સારી બેટિંગ કરી હતી. અત્યાર સુધી 227 રન બનાવી ચુકેલ કેપ્ટન ડેવિડ વોર્નરે પોતાનું સારૂ ફોર્મ જાળવી રાખવુ પડશે જેણે પાછલી ેચમાં 40 બોલમાં 52 રન બનાવ્યા હતા. મનીષ પાંડે અને કેન વિલિયસન ઈનિંગના સૂત્રાધારની ભૂમિકા ભજવી શકે છે. 

યુવા પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ અને અભિષેક શર્માએ પણ પ્રભાવિત કર્યાં છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને ઓલરાઉન્ડર મિશેલ માર્શ ઈજાને કારણે બહાર થયા બાદ સનરાઇઝર્સના બોલરો ખાસ કરીને રાશિદ અને યોર્કર નિષ્ણાંત ટી નટરાજને દમદાર પ્રદર્શન કર્યું છે. 

રાજસ્થાન રોયલ્સઃ સ્ટીવ સ્મિથ, જોસ બટલર, મનન વોહરા, રિયાન પરાગ, સંજુ સેમસન, શશાંક સિંઘ, બેન સ્ટોક્સ, મહિપાલ લોરમોર, અંકિત રાજપૂત, જોફ્રા આર્ચર, મયંક માર્કંડેય, રાહુલ તેવાટીયા, શ્રેયસ ગોપાલ, વરૂણ આરોન, જયદેવ ઉનડકટ, યશસ્વી જયસ્વાલ, રોબિન ઉથપ્પા, કાર્તિક ત્યાગી, આકાશ સિંઘ, અનુજ રાવત, અનિરુધ જોશી, ડેવિડ મિલર, ઓશાને થોમસ, એન્ડ્રુ ટાઇ અને ટોમ કરન.

સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, રિદ્ધિમાન સાહા, અભિષેક શર્મા, મોહમ્મદ નબી, વિજય શંકર, બેસિલ થંમ્પી, ભુવનેશ્વર કુમાર, બિલી સ્ટેનલેક, ખલીલ અહેમદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, સિદ્ધાર્થ કૌલ , ટી નટરાજન, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ,  બી સંદીપ, ફેબિયન એલન, સંજય યાદવ અને અબ્દુલ સમાદ, જેસન હોલ્ડર. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news