RRvsRCB: દુબઈમાં ડિવિલિયર્સનું તોફાન, બેંગલોરે રાજસ્થાનને 7 વિકેટે આપ્યો પરાજય

ફરી એકવખત એબી ડિવિલિયર્સની દમદાર બેટિંગની મદદથી બેંગલોરને દમદાર વિજય અપાવ્યો છે. એબીની ઈનિંગની મદદથી બેંગલોરે ટૂર્નામેન્ટમાં છઠ્ઠી જીત મેળવી છે. 

RRvsRCB: દુબઈમાં ડિવિલિયર્સનું તોફાન, બેંગલોરે રાજસ્થાનને 7 વિકેટે આપ્યો પરાજય

દુબઈઃ દુબઈના મેદાનમાં એબી ડિવિલિયર્સના તોફાનમાં રાજસ્થાન રોયલ્સની ટીમના હાથમાં ફરી પરાજય આવ્યો છે. એબી ડિવિલિયર્સ (55*)ની દમદાર બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રાજસ્થઆન રોયલ્સને 7 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં છઠ્ઠી જીત મેળવી છે. આ જીત સાથે આરસીબીના 12 પોઈન્ટ થઈ ગયા છે. તો પરાજય સાથે રાજસ્થાન રોયલ્સનો માર્ગ વધુ મુશ્કેલ  બન્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 177 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરે 19.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

ફિન્ચ ફરી નિષ્ફળ
રાજસ્થાન રોયલ્સે આપેલા 178 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીને 23 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ફિન્ચ માત્ર 14 રન બનાવી શ્રેયસ ગોપાલનો શિકાર બન્યો હતો. ટીમને બીજો ઝટકો દેવદત્ત પડીક્કલ (35)ના રૂપમાં લાગ્યો હતો. પડીક્કલે 37 બોલનો સામનો કરતા બે ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી 32 બોલમાં 1 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 43 રન બનાવી કાર્તિક ત્યાગીનો શિકાર બન્યો હતો. 

એબીની દમદાર બેટિંગ
આરસીબી માટે એબી ડિવિલિયર્સ ફરી સંકટમોચક બનીને આવ્યો હતો. એક સમયે મેચ આરસીબીના હાથમાં નીકળી રહી હતી. ત્યારે એબી ડિવિલિયર્સે 22 બોલમાં 6 છગ્ગા અને એક ચોગ્ગા સાથે અણનમ 55 રનની ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. ગુરકીરત માન સિંહે તેનો સાથ આપ્યો હતો. ગુરકીરતે 17 બોલમાં એક ચોગ્ગા સાથે અણનમ 19 રન બનાવ્યા હતા. 

ફરી રાજસ્થાને બદલી ઓપનિંગ જોડી
રાજસ્થાન રોયલ્સ આ સીઝનમાં સતત પોતાની ટીમમાં ફેરફાર કરી રહી છે. આજે પણ રાજસ્થાનની ઈનિંગની શરૂઆત નવી ઓપનિંગ જોડીએ કરી હતી. બેન સ્ટોક્સ સાથે રોબિન ઉથપ્પા ઈનિંગની શરૂઆત કરવા માટે આવ્યો હતો. બંન્ને ખેલાડીઓએ મળીને પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. ટીમને પ્રથમ ઝટકો બેન સ્ટોક્સ (15)ના રૂપમાં લાગ્યો હતો. સ્ટોક્સને ક્રિસ મોરિસે આઉટ કર્યો હતો. 

ચહલે એક ઓવરમાં ઝડપી બે વિકેટ
રાજસ્થાનને રોબિન ઉથપ્પાએ દમદાર શરૂઆત અપાવી હતી. ટીમે પાવરપ્લેમાં 52 રન જોડ્યા હતા. ટીમનો સ્કોર 69 રન હતો ત્યારે પ્રથમ ઓવર ફેંકવા આવેલા યુજવેન્દ્ર ચહલે બેંગલોરને એક ઓવરમાં બે સફળતા અપાવી રાજસ્થાનને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ચહલે પહેલા ઉથપ્પાને ફિન્ચના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ઉથપ્પાએ 22 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 41 રન ફટકાર્યા હતા. તો સંજૂ સેમસન 9 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. 

સ્ટીવ સ્મિથની સીઝનમાં ત્રીજી અડધી સદી
સ્ટીવ સ્મિથે મિડલ ઓવરમાં ટીમને સંભાળી હતી. સ્મિથ આજે ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પહેલા જોસ બટલર (24) સાથે 58 રનની ભાગીદારી કરી હતી. જોસ બટલર ટીમનો સ્કોર 127 રન હતો ત્યારે આઉટ થયો હતો. સ્મિથે સીઝનની ત્રીજી અડધી સદી ફટકારતા 57 રન બનાવ્યા હતા. તેને ક્રિસ મોરિસે આઉટ કર્યો હતો. સ્મિથે 36 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. રાહુલ તેવતિયા 11 બોલમાં 19 રન બનાવી અણનમ રહ્યો હતો. 

બેંગલોર તરફથી ક્રિસ મોરિસ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 26 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય ચહલે 4 ઓવરમાં 34 રન આપી બે વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news