કોહલીથી વધુ રન બનાવશે ખ્વાજા, ઓસ્ટ્રેલિયા 2-1થી જીતશે સિરીઝઃ પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું કહેવું છે કે, આ સિરીઝમાં કોહલી કરતા ઉસ્માન ખ્વાજા વધુ રન બનાવશે. 

કોહલીથી વધુ રન બનાવશે ખ્વાજા, ઓસ્ટ્રેલિયા 2-1થી જીતશે સિરીઝઃ પોન્ટિંગ

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને યજમાન ઓપનર ઉસ્માન ખ્વાજાની તુલના કરી છે. તેણે કહ્યું કે, ટેસ્ટ સિરીઝમાં કોહલીના મુકાબલામાં ખ્વાજા વધુ રન બનાવશે. આ સાથે તેણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની ટીમ 2-1થી સિરીઝ પોતાના નામે કરશે. પોન્ટિંગનું આ નિવેદન તે સમયે આવ્યું કે, જ્યારે યજમાન ટીમને ભારતના મુકાબલે નબળી માનવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયાની નજર ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવા પર છે. 

ઓસ્ટ્રેલિયન વેબસાઇટ ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂ સાથે વાતચીતમાં પોન્ટિંગે કર્યું, મને લાગે છે કે, ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન અમારા ઉસ્માન ખ્વાજા બનાવશે. મેન ઓફ ધ સિરીઝ પણ તે બનશે. તે આ સમયે તેના સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ખ્વાજાનું પ્રદર્શન શાનદાર છે. પાકિસ્તાન વિરુદ્ધ પસંદગીકારોએ તેને તક આપી અને ખ્વાજાએ તેને સાબિત કર્યો હતો. 

સ્મિથ-વોર્નરની ગેરહાજરીમાં ખ્વાજા સારૂ રમશે
પોન્ટિંગે કર્યું, યજમાન ટીમ આ સિરીઝ જીતશે. ટીમની જીતમાં ખ્વાજા અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કોહલી ચાર વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા આવ્યો હતો ત્યારે તેણે 86.50ની એવરેજથી 692 રન બનાવ્યા હતા. પરંતુ આ વખતે અલગ છે. ખ્વાજાએ હાલમાં પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી હતી. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં તે સારૂ રમશે. 

એડિલેડ અને પર્થમાં કોહલીને સમસ્યા થઈ શકે છેઃ પોન્ટિંગ
કોહલી વિશે પોન્ટિંગે કહ્યું, મને લાગે છે કે કોહલી જરૂર શાનદાર પ્રદર્શન કરશે. તે જ્યાં પણ જાય છે, તેની રમતથી લોકોનું દિલ જીતી લે છે. ગત સિરીઝમાં તે અહીં આવ્યો હતો ત્યારે તેણે પોતાને સાબિત પણ કર્યો હતો. જો એડિલેડ અને પર્થની પિચો પર બોલરોને મદદ મળે છે તો કોહલીને રન બનાવવામાં સમસ્યા થઈ શકે છે. બંન્ને ટીમો વચ્ચે ચાર ટેસ્ટ સિરીઝનો પ્રથમ મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. 

આ વખતે નહીં જીતે તો ક્યારેય નહીં જીતી શકે ભારતઃ ડીન જોન્સ
પૂર્વ બેટ્સમેન ડીન જોન્સે કહ્યું કે, જો ભારત આ વખતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ન જીતે તો ક્યારેય નહીં જીતી શકે. તેણે કહ્યું, તે ઓસ્ટ્રેલિયાથી ઘણી સારી ટીમ છે, પરંતુ સવાલ થાય કે, તેને પોતા પર વિશ્વાસ છે? શું તેના બોલર સારૂ પ્રદર્શન કરી શકશે? મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા વિરાટ કોહલી પર વધુ આક્રમક ન થાય તો પણ સિરીઝ જીતી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news