SRHvsRR: તેવતિયા-રિયાન પરાગ બન્યા હીરો, રાજસ્થાને હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું
રાહુલ તેવતિયાએ ફરી એક વખત દમદાર બેટિંગ કરીને ટીમને હારેલી મેચમાં જીત અપાવી છે. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે સતત ચાર મેચમાં મળેલા પરાજય બાદ વાપસી કરી છે.
Trending Photos
દુબઈઃ રાહુલ તેવતિયા (45*) અને રિયાન પરાગ (42*) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે અણનમ 85 રનની ભાગીદારીની મદદથી રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવી ટૂર્નામેન્ટમાં શાનદાર વાપસી કરી છે. એક સમયે રાજસ્થાન માટે મુશ્કેલ પરિસ્થિતિ બની ગઈ હતી. પરંતુ બંન્ને યુવા બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરી ટીમને ટૂર્નામેન્ટમાં ત્રીજો વિજય અપાવ્યો છે. આ પહેલા રાજસ્થાન સતત ચાર મેચ હારી ચુક્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19.5 ઓવરમાં 163 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
રાહુલ તેવતિયા અને રિયાન પરાગ બન્યા હીરો
રાજસ્થાન રોયલ્સે એક સમયે 78 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રાહુલ તેવતિયા અને રિયાન પરાગે અવિશ્વસનીય ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. બંન્નેએ છઠ્ઠી વિકેટ માટે 47 બોલમાં 85 રનની ભાગીદારી કરી હતી. રિયાન પરાગ 26 બોલમાં 2 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 42 રન બનાવી અને રાહુલ તેવતિયા 28 બોલમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 45 રન બનાવી અણનમ રહ્યો હતો.
રાજસ્થાનની રણનીતિ ફ્લોપ
રાજસ્થાન રોયલ્સે આ મેચમાં બધાને ચોંકાવતા જોસ બટલર સાથે બેન સ્ટોક્સને ઓપનિંગ કરવા મોકલ્યો હતો. પરંતુ તેની આ રણનીતિ ફેલ રહી હતી. ઈનિંગની બીજી ઓવરમાં જ બેન સ્ટોક્સ માત્ર 5 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ સ્ટીવ સ્મિથ ચોથી ઓવરમાં માત્ર 5 રન બનાવી રનઆઉટ થયો હતો. જોસ બટલર (16)ને ખલીલ અહમદે આઉટ કરીને હૈદરાબાદને ત્રીજી સફળતા અપાવી હતી. આમ રાજસ્થાને માત્ર 26 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
રાજસ્થાનની ટીમ પાવરપ્લેમાં 36 રન બનાવી શકી હતી. ટીમને ચોથો ઝટકો રોબિન ઉથપ્પાના રૂપમાં લાગ્યો હતો. ઉથપ્પા 18 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. સંજૂ સેમસન (26)ને રાશિદ ખાને બેયરસ્ટોના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.
વોર્નર અડધી સદી ચુક્યો, બેયરસ્ટો ફેલ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પાંચમી ઓવરમાં જોની બેયરસ્ટો (16)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. બેયરસ્ટોએ 19 બોલનો સામનો કરતા એક છગ્ગો ફટકાર્યો હતો. તેને કાર્તિક ત્યાગીએ આઉટ કર્યો હતો. પાવરપ્લેમાં હૈદરાબાદ 1 વિકેટ ગુમાવી માત્ર 26 રન બનાવી શકી હતી. ત્યારબાદ મનીષ પાંડે અને ડેવિડ વોર્નરે બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. ટીમને બીજો ઝટકો વોર્નરના રૂપમાં લાગ્યો હતો. કેપ્ટન વોર્નર 38 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 48 રન બનાવી જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો.
મનીષ પાંડેની શાનદાર અડધી સદી
મનીષ પાંડેએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે પહેલા વોર્નર અને ત્યારબાદ વિલિયમસન સાથે ભાગીદારી કરી હતી. મનીષ પાંડે 44 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 54 રન બનાવી આઉટ થયો હતો. તેને જયદેવ ઉનડકટે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. અંતમાં કેન વિલિયમસન (22*) અને પ્રિયમ ગર્ગ (15)એ છેલ્લી બે ઓવરમાં દમદાર બેટિંગ કરીને ટીમનો સ્કોર 155ને પાર પહોંચાડ્યો હતો. વિલિયમસને 12 બોલમાં બે છગ્ગા ફટકાર્યા હતા. ગર્ગે 8 બોલનો સામનો કરતા એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો.
રાજસ્થાન રોયલ્સ તરફથી જોફ્રા આર્ચર, કાર્તિક ત્યાગી અને જયદેવ ઉનડકટે એક-એક વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે