IPL 2022: પંજાબની જીતમાં રબાડા, ધવન અને લિવિંગસ્ટોન છવાયા, ગુજરાતનો 8 વિકેટે પરાજય

ગુજરાત ટાઈટન્સે પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરવા હજુ રાહ જોવી પડશે. આઈપીએલની 48મી લીગ મેચમાં પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા ગુજરાતને 8 વિકેટે પરાજય આપ્યો હતો.

IPL 2022: પંજાબની જીતમાં રબાડા, ધવન અને લિવિંગસ્ટોન છવાયા, ગુજરાતનો 8 વિકેટે પરાજય

મુંબઈઃ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ શિખર ધવન (53 બોલમાં 62 રન*) ની અણનમ અડધી સદીની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ-2022ના 48માં મુકાબલામાં ગુજરાત ટાઈટન્સને આઠ વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે પંજાબના 10 પોઈન્ટ થઈ ગયા છે. તો 10 મેચમાં ગુજરાત ટાઈટન્સનો આ બીજો પરાજય છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબ કિંગ્સે 16 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

શિખર ધવનની અણનમ અડધી સદી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને ત્રીજી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. જોની બેયરસ્ટો માત્ર 1 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. પરંતુ ત્યારબાદ ભાનુકા રાજપક્ષે  અને શિખર ધવને બીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. રાજપક્ષે 28 બોલમાં 5 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 40 રન બનાવી આઉટ થયો હતો. તો શિખર ધવન 53 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 62 રન બનાવી અણનમ રહ્યો હતો. લિયામ લિવિંગસ્ટોન 10 બોલમાં ત્રણ સિક્સ અને બે ફોર સાથે 30 રન બનાવી અણનમ રહ્યો હતો. 

ગુજરાતની ખરાબ શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ગુજરાતને ભારે પડ્યો હતો. શુભમન ગિલ 9 રન બનાવી રનઆઉટ થયો હતો. ત્યારબાદ રિદ્ધિમાન સાહા 21 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા માત્ર 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ સફળતા રિષિ ધવનને મળી હતી. ડેવિડ મિલર અને રાહુલ તેવતિયા 11-11 રન બનાવી આઉટ થયા હતા. રાશિદ ખાન ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. 

ગુજરાત તરફથી સાંઈ સુદર્શને અડધી સદી ફટકારી હતી. સુદર્શન 50 બોલમાં 5 ફોર અને એક સિક્સ સાથે 65 રન બનાવી આઉટ થયો હતો. પ્રદીપ સાંગવાન 2 અને લોકી ફર્ગ્યૂસન 5 રન બનાવી આઉટ થયો હતો. પંજાબ તરફથી કગિસો રબાડાએ 4 ઓવરમાં 33 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. તો અર્શદીપ સિંહ, રિષિ ધવન, અને લિવિંગસ્ટોનને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news