વિનેશ ફોગાટ જેવું અમન સેહરાવત સાથે પણ થતા બધાના શ્વાસ થયા હતા અદ્ધર, પડકારો ઝીલી જીત્યો બ્રોન્ઝ

Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પહેલવાનો સામે વેઈટ મેન્ટેઈન કરવું એ લાગે છે કે સૌથી મોટી સમસ્યા બનીને ઊભરી. વિનેશ ફોગાટ બાદ બીજો મામલો અમન સહરાવતનો પણ સામે આવ્યો છે. અમને શુક્રવારે 57 kg વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું માન વધાર્યું છે.

વિનેશ ફોગાટ જેવું અમન સેહરાવત સાથે પણ થતા બધાના શ્વાસ થયા હતા અદ્ધર, પડકારો ઝીલી જીત્યો બ્રોન્ઝ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પહેલવાનો સામે વેઈટ મેન્ટેઈન કરવું એ લાગે છે કે સૌથી મોટી સમસ્યા બનીને ઊભરી. વિનેશ ફોગાટ બાદ બીજો મામલો અમન સેહરાવતનો પણ સામે આવ્યો છે. અમને શુક્રવારે 57 kg વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું માન વધાર્યું છે. પરંતુ આ મેડલની જીતતા પહેલા તેણે રાતભર પોતાનું વજન ઓછું કરવા માટે  કવાયત કરવી પડી હતી. એવું કહેવાય છે કે સેમીફાઈનલ મેચ હાર્યા બાદ અમન સહરાવતનું વજન 4.6 કિલોગ્રામ વધી ગયું હતું. જેે તેણે પોતાના કોચ સાથે મળીને ફક્ત 10 કલાકમાં ઘટાડ્યું. બ્રોન્ઝ મેડલ મેચ પહેલા અમન આખી રાત સૂઈ શક્યો નહતો અને સતત વજન ઘટાડવાની કોશિશ કરતો રહ્યો. 

અમન સેહરાવતે શુક્રવારે 9 ઓગ્સટના રોજ ડેરિયન ટોઈ ક્રૂઝને 13-5 થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. અમન આ સાથે જ ઈન્ડિવિજ્યુઅલ ઈવેન્ટમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનાર સૌથી યુવા એથલિટ પણ બન્યો છે.  

આટલું વધી ગયું વજન?
પીટીઆઈના જણાવ્યાં મુજબ ગુરુવારે સેમીફાઈનલમાં હાર્યા બાદ અમન સેહરાવતનું વનજ 61.5 કિલોગ્રામ થઈ ગયું હતું. જે પુરુષોના 57 કિલોગ્રામની કેટેગરીમાં સ્વીકૃત વજન કરતા 4.5 કિલોગ્રામ વધારે હતું. બે ભારતીય સીનિયર કોચ જગમંદર સિંહ અને વીરેન્દ્ર દહિયા સામે જ્યારે આ મોટો પડકાર હતો કે બ્રોન્ઝ મેડલ મેચ પહેલા અમનનું વજન ઓછું કરવું કેવી રીતે. 

વિનેશ ફોગાટ સાથે જે થયું ત્યારબાદ વધુ એક ઝટકો સહન કરી શકાય તેવી સ્થિતિ નહતી. વિનેશ માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના કારણએ મહિલાઓના 50 કિલોગ્રામની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેચમાં ડિસ્ક્વોલિફાય થઈ ગઈ હતી. ત્યારબાદ હવે તે આ નિર્ણય વિરુદ્ધ કાનૂની લડાઈ પણ લડી રહી છે. 

વજન ઉતારવાની કવાયત
સાંજે 6.30 વાગે જાપાનના રેઈ હિગુચી વિરુદ્ધ સેમીફાઈનલ હાર્યા બાદ અમન પાસે વધુ સમય નહતો. વજન ઓછું કરવાના આ મિશનની શરૂઆત દોઢ કલાકના મેટ સેશનથી થઈ. જે દરમિયાન વરિષ્ઠ કોચોએ તેમને ઊભા થઈને કુશ્તી  કરવા માટે પ્રેરિત કર્યો અને ત્યારબાદ એક  કલાક સુધી ગરમ પાણીથી સ્નાન કરાવ્યું. 

12.30 વાગે તે જીમ ગયો જ્યાં અમને ટ્રેડ મિલ પર એક કલાક થોભ્યા વગર દોડ લગાવી. પરસેવો વહાવાથી વજન ઉતારવામાં મદદ મળે છે જેના માટે તેણે 30 મિનિટના બ્રેક બાદ 5 મિનિટના સોના બાથના પાંચ સેશન લીધા. છેલ્લા સત્રના અંત સુધી અમનનું વજન 900 ગ્રામ વધુ હતું. તેને માલિશ કરવામાં આવી અને પછી કોચોએ અમનને હળવું જોગીંગ કરવાનું કહ્યું. 

ત્યારબાદ 15 મિનિટની દોડનું સેશન થયું. સવારે 4.30 વાગ્યા સુધીમાં અમનનું વજન 56.9 કિલોગ્રામ હતું. જે તેની વેઈટ કેટેગરી કરતા 100 ગ્રામ ઓછું હતું. તેનું આ વજન જોઈને કોચ અને પહેલવાને રાહતના શ્વાસ લીધા. આ સેશન્સ વચ્ચે અમનને લીંબુ અને મધનું હુંફાળું પાણી અને થોડી કોફી પીવા માટે અપાઈ. ત્યારબાદ અમન સૂઈ શક્યો નહીં. અમને જણાવ્યું હતું કે તે આખી રાત કુશ્તીના મુકાબલાના વીડિયો જોતો હતો. 

કોચ દહિયાએ કહ્યું કે અમે દર કલાકે તેનું વજન ચેક કરતા રહ્યા. અમે આખી રાત સૂઈ શક્યા નહીં. દિવસે પણ નહીં. વજન ઓછું કરવું અમારા માટે સામાન્ય વાત છે. પરુંત હાલમાં (વિનેશ ફોગાટ સાથે) જે થયું તેના કારણે તણાવ હતો. ખુબ તણાવ હતો. અમે વધુ એક મેડલ હાથમાંથી જવા દઈ શકીએ તેમ નહતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news