એક ભૂલને કારણે ઓસ્ટ્રેલિયા મેચ અને શ્રેણી બંને હાર્યું, જૂઓ વીડિયો

ઓસ્ટ્રેલિયાની ટીમે ધોનીનો એક કેચ તો ઝડપી લીધો પણ તેમના દ્વારા કોઈ અપીલ ન કરવાને કારણે તેને આઉટ જાહેર કરાવી શક્યા નહીં, આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ ધોનીને બે જીવતદાન આપ્યા હતા, જેના કારણે તેમને વન ડે શ્રેણી અને મેચ બંનેમાંથી હાથ દોવા પડ્યા છે

એક ભૂલને કારણે ઓસ્ટ્રેલિયા મેચ અને શ્રેણી બંને હાર્યું, જૂઓ વીડિયો

મેલબોર્નઃ 1999ના વર્લ્ડ કપમાં જ્યારે સુપરસ્કિસના 'કરો યા મરો'ના મુકાબલામાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી હર્શલ ગિબ્સે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ વોનો કેચ છોડ્યો હતો તો સ્ટીવ વોએ કહ્યું હું કે, તેં કેચ નહીં વર્લ્ડ કપ ટપકાવી દીધો છે. સ્ટીવ વોની આ વાત સો ટકા સાચી સાબિત થઈ હતી. કંઈક આવી જ ઘટના શુક્રવારે મેલબોર્નની વન ડે મેચમાં પણ જોવા મળી. યજમાન ઓસ્ટ્રેલિયાએ ફિલ્ડિંગમાં એવી અનેક તક ગુમાવી દીધી હતી. જો તેમાં તેણે સફળતા મેળવી હોત તો કદાચ મેચનું પરિણામ બદલાઈ શકે એમ હતું. 

ઓસ્ટ્રેલિયાએ ધોનીના બે કેચ છોડ્યા અને એક કેચ પકડ્યો પરંતુ પોતાની જ ભુલને કારણે તેને આઉટ કરાવી શક્યા નહીં. ઓસ્ટ્રેલિયાની ટીમે ધોનીની બેટિંગ દરમિયાન એક એવી ગંભીર અને મોટી ભૂલ કરી હતી, જેના પર કોઈનું ધ્યાન ગયું નહીં. જો ધ્યાન ગયું હોત તો કદાચ મેચનો નકશો બદલાઈ ગયો હોત. 

ક્રીઝ પર ઉતરતા જ ધોનીને મળ્યું જીવતદાન
ઓસ્ટ્રેલિયાએ ધવનના આઉટ થયા બાદ જ્યારે ધોની ક્રિઝ પર આવ્યો ત્યારે પ્રથમ તક ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાના સૌથી ચુસ્ત ફિલ્ડર ગ્લેન મેક્સવેલે સ્ટોઈનિસના બોલ પર ધોનીનો કેચ છોડી દીધો હતો. ધોનીએ ત્યારે ખાતું પણ ખોલાવ્યું ન હતું. 

તો ધોની નોટઆઉટ પાછો ન આવતો
ધોનીએ પ્રથમ બોલ પર મળેલા જીવતદાનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ટીમને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢી અને ઓસ્ટ્રેલિયાને એક પણ તક આપી નહીં. ધોનીએ પોતાના અનુભવનો પરિચય આપતાં ટીમને વિજયની અણી સુધી પહોંચાડી દીધી હતી. જોકે 47.1 ઓવરમાં ધોનીને ફરીથી જીવતદાન મળ્યું. આ વખતે ફિંચે તેનો કેચ ડ્રોપ કરી દીધો. આ જ બોલ પર બે રન લેવાની ઉતાવળમાં કેદાર જાધવ પણ રનઆઉટ થતાં માંડ બચ્યો હતો. 

— cricket.com.au (@cricketcomau) January 18, 2019

ઓસ્ટ્રેલિયાને ઘણી મોંઘી પડી આ ભૂલ
ધોનીને આઉટ કરવાની બીજી એક મોટી તક ઓસ્ટ્રેલિયા પાસે હતી, પરંતુ તેમાં તે ચૂકી ગઈ. 28.5મી ઓવરની વાત છે. ધોની એ સમયે 34 રને રમતો હતો. પીટર સિડલનો બોલ ધોનીને બેટને સ્પર્શીને વિકેટકીપરના હાથમાં પહોંચી ગયો. હોટસ્પોટમાં સ્પષ્ટ દેખાયું કે બોલ બેટને સ્પર્શ થયો છે, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી કોઈ અપીલ કરવામાં આવી ન હતી. જેના કારણે ધોની બચી ગયો.

આ એક મોટી ભૂલને કારણે ઓસ્ટ્રેલિયાને મેચ અને શ્રેણી બંનેમાંથી હાથ ધોવો પડ્યો. ત્યાર બાદ ધોનીએ અણનમ 87 રન 114 બોલ પર બનાવ્યાઅને તેને સાથ આપ્યો કેદાર જાધવે, જેણે 7 ચોગ્ગાની મદદથી 57 બોલમાં 61 રન બનાવ્યા હતા. બંને અણનમ રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news