ગાયોના સંવર્ધન માટે ખૂલ્યા નવા દ્વાર, ટેસ્ટ ટ્યુબ વડે 1 વર્ષમાં 20 થી 25 વાછરડાંને જન્મ આપશે
Trending Photos
આણંદ: એક ગીર ઓલાદનુ અને બીજુ શાહિવાલ ઓલાદનુ એમ બે વાછરડાંને ઈન વીટ્રો ફર્ટીલાઈઝેશન વડે જન્મ આપવામાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે (એનડીડીબી) આણંદ ખાતે સ્થાપેલા અદ્યતન એકમને સફળતા હાંસલ થઈ છે. ગર્ભને ફલિત કરવાની આ પ્રણાલીને માનવ જાત સામાન્ય રીતે ટેસ્ટ ટયુબ બેબી તરીકે ઓળખે છે.
આ ટેકનિકમાં ઉચ્ચ ઓલાદની ખૂબ વધારે જથ્થામાં દૂધ આપતી હોય તેવી ગાયોને પસંદ કરવામાં આવે છે. આવી પસંદ કરાયેલી ગાયોને ડોનર કાઉ તરીકે ઓળખવામાં આવે છે. આવી પસંદગીની ડોનર ગાયોના ગર્ભાશયમાંથી રજઃપિંડ (ગર્ભ બીજ) લેવામાં આવે છે જેને ઓવમ પિકઅપ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે એકત્ર કરાયેલા રજઃપિંડને ઉચ્ચ ઓલાદના આખલાના વિર્ય સાથે ફલિત કરવામાં આવે છે. પ્રયોગ શાળામાં આ પ્રક્રિયા 7 દિવસ સુધી વિકસવા દીધા પછી આવા ગર્ભને ઓછુ દૂધ આપતી ગાય (સરોગેટ માતા) ના ગર્ભાશયમાં તબદીલ કરવામાં આવે છે. નવ માસના ગર્ભધારણ પછી વાછરડાને જન્મ આપે છે. બે-ત્રણ સપ્તાહ પછી ગર્ભબીજ એકત્ર કરવામાં આવે છે અને ગર્ભને લોબોરેટરીઓમાં વિકસિત થવા દેવા માટે એક વર્ષમાં ઘણીવાર મોકલવામાં આવે છે.
સામાન્ય રીતે એક ગાય વર્ષમાં એક વાછરડાને જન્મ આપતી હોય છે. પરંતુ આ ટેકનિક વડે આ પ્રક્રિયાનુ ઘણી વાર પુનરાવર્તન કરવામાં આવે છે. સામાન્ય રીતે ગાય એક વર્ષમાં એક વાછરડાને જન્મ આપે છે પણ આ પ્રક્રિયા વડે ઉચ્ચ ઓલાદની ગાય વડે 20 થી 25 વાછરડાં મેળવી શકાય છે. આ ટેકનોલોજી વડે ઉચ્ચ ઓલાદની ગીર, શાહિવાલ, રેડ સીંધી, અને થરપારકર જેની ગાયોની સંખ્યામાં અનેક ગણો વધારો કરી શકાય તેમ છે.
એનડીડીબીના ચેરમેન શ્રી દિલીપ રથ જણાવે છે કે ઈન વીટ્રો ફર્ટિલાઈઝેશન ટેકનિક તથા તેની સાથે સાથે ડોનરની યોગ્ય પસંદગી તથા જીનોમિક બ્રીડીગ વડે આપણી પશુઓ પસંદ કરવાની અને આપણી દેશી ઓલાદનાં પશુઓમાં અનેક ગણો જીનેટીક પ્રગતિ શક્ય બનશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એનડીડીબીની આ સુવિધાનો ઉપયોગ વેટર્નરી ક્ષેત્રના પ્રોફેશનલ્સને ઈન વીટ્રો ફર્ટીલાઈઝેશન તાલિમ માટે કરવામાં આવશે. જે આ ટેકનિકને ખેડૂતના ઘરઆંગણે પહોંચાડશે એવી આશા રાખવામાં આવે છે કે આ સુવિધા ટૂંક સમયાં સેન્ટર ઓફ એક્સેલન્સ બની જશે.
તેમણે કહ્યું કે આ સુવિધા વિકસાવવા માટે અમે ભારતીય મૂળની ગાયોના આઈવીએફ ગાયોના સંવર્ધનમાં નિપુણતા ધરાવતી બ્રાઝીલ સરકારની EMBRAPA નામની સંશોધન સંસ્થાની સહાય લીધી છે. અમારો EMBRAPA સાથેનો સહયોગ અમને બ્રાઝીલમાંથી સારા ગીર જીનેટિક્સ મેળવવામાં પણ સહાય કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે