NZvsSL: બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે લંકાને રેકોર્ડ 423 રનથી હરાવ્યું, 1-0થી જીતી શ્રેણી
ચોથા દિવસના સ્કોર 231/6થી આગળ રમતા શ્રીલંકાની ટીમ માત્ર 5 રન જોડીને 106.2 ઓવરમાં 236 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
Trending Photos
ક્રાઇસ્ટચર્ચઃ ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને રેકોર્ડ 423 રનથી હરાવીને બે મેચની સિરીઝ 1-0થી કબજે કરી લીધી છે. ન્યૂજીલેન્ડે શ્રીલંકાની સામે જીત માટે 660 રનનો અસંભવ લક્ષ્ય રાખ્યો હતો, જેના જવાબમાં લંકાની ટીમ માત્ર 236 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં રન પ્રમાણે ન્યૂઝીલેન્ડની આ સૌથી મોટી જીત છે.
ચોથા દિવસના સ્કોર 231/6થી આગળ રમતા શ્રીલંકાની ટીમ માત્ર 5 રન જોડીને 106.2 ઓવરમાં 236 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. એન્જેલો મેથ્યુઝ ઈજાને કારણે બીજીવાર બેટિંગ કરવા ન આવ્યો. ચોથા દિવસે અણનમ રહેલા સુરંગા લકમલ 18 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ નીલ વૈગનરે દિલરૂવાન પરેરાને 22 અને બોલ્ટે દુશ્માંથા ચમીરાને 3 રનના સ્કોર પર આઉટ કરીને ટીમને જીત અપાવી દીધી હતી. લહિરૂ કુમારા (0) અણનમ રહ્યો હતો. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડ તરફતી નીલ વૈગનરે ચાર, ટ્રેન્ટ બોલ્ડે ત્રણ અને ટીમ સાઉદીએ એક વિકેટ ઝડપી હતી.
ટીમ સાઉદી (68 રન 5 વિકેટ)ને તેના ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે 2018નું વર્ષ શાનદાર રહ્યું અને તેણે ચાર ટેસ્ટ સિરીઝ જીતી છે.
ટોમ લૈથમે સિરીઝમાં સૌથી વધુ 450 રન બનાવ્યા અને ટિમ સાઉદીએ સૌથી વધુ 13 વિકેટ ઝડપી હતી.
બંન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની એકદિવસીય સિરીઝ 3 જાન્યુઆરીથી રમાશે. 3 જાન્યુઆરીએ પ્રથમ અને 5 જાન્યુઆરીએ બીજી મેચ માઉન્ટ મૌંગાનુઈ તથા સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 8 જાન્યુઆરીએ નેલ્સનમાં રમાશે. વનડે સિરીઝ બાદ બંન્ને ટીમો 11 જાન્યુઆરીએ ઓકલેન્ડમાં એકમાત્ર ટી20 મેચ રમશે.
સંક્ષિપ્ત સ્કોરબોર્ડ
ન્યૂઝીલેન્ડ 178 તથા 585/4
શ્રીલંકાઃ 104 તથા 236
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે