MI vs DC: મુંબઈએ પોઈન્ટ ટેબલમાં ખોલાવ્યું ખાતું, દિલ્હી કેપિટલ્સને 29 રને હરાવ્યું

IPL 2024: આખરે હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-2024માં પ્રથમ જીત મેળવી લીધી છે. મુંબઈએ શાનદાર પ્રદર્શન કરતા પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હીને પરાજય આપ્યો છે. 

MI vs DC: મુંબઈએ પોઈન્ટ ટેબલમાં ખોલાવ્યું ખાતું, દિલ્હી કેપિટલ્સને 29 રને હરાવ્યું

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં શરૂઆતી ત્રણ મેચમાં હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર વાપસી કરી છે. આજે વાનખેડેમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 29 રને પરાજય આપી પોતાની પ્રથમ જીત મેળવી પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવી લીધુ છે. ચાર મેચમાં આ મુંબઈની પ્રથમ જીત છે તો દિલ્હીએ ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 234 રન ફટકારી દીધા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 8 વિકેટે 205 રન બનાવી શકી હતી. 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી તરફથી પૃથ્વી શોએ 40 બોલમાં 66 રન ફટકાર્યા હતા. તો અભિષેક પોરેલ અને ટ્રિસ્ટન સ્ટબ્સે મહત્વની ઈનિંગ રમી પણ ટીમને જીત અપાવી શક્યા નહીં. મુંબઈ તરફથી રોહિત શર્માએ 49, ઈશાન કિશને 43 અને અંતિમ ઓવરોમાં ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે છગ્ગાનો વરસાદ કર્યો હતો. 

15 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 3 વિકેટે 144 રન હતો અને તેણે આગામી પાંચ ઓવકમાં જીત માટે 91 રન બનાવવાના હતા. 16મી ઓવરમાં માત્ર 9 રન અને પંતની વિકેટથી દિલ્હીની ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી. પરંતુ ટ્રિસ્ટન સ્ટબ્સ ક્રીઝ પર રહ્યો અને દિલ્હીને છેલ્લી ત્રણ ઓવરમાં 63 રનની જરૂર હતી. 17મી ઓવરમાં બુમરાહે માત્ર 8 રન આપી મુંબઈની જીત પાક્કી કરી દીધી હતી. અંતિમ ઓવરમાં કોએત્ઝીએ ત્રણ વિકેટ ઝડપી હતી.

મેચમાં રહ્યો બેટરોનો દબદબો
MI vs DC મેચમાં બેટરોનો દબદબો જોવા મળ્યો હતો. પહેલા રોહિત શર્માએ 27 બોલમાં 49 રન ફટકાર્યા હતા. તો ઈશાન કિશને 23 બોલમાં 42 રન બનાવ્યા હતા. મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ 39 રનનું યોગદાન આપ્યું હતું. ટિમ ડેવિડે 45 રન બનાવ્યા હતા. જ્યારે શેફર્ડે અંતિમ ઓવરમાં 32 રન ફટકારી દીધા હતા. શેફર્ડ 10 બોલમાં 39 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news