પ્રો કબડ્ડીઃ ગુજરાતને રોમાંચક મેચમાં 1 પોઈન્ટે હરાવી હરિયાણા પ્લેઓફમાં પહોંચ્યું
વીવો પ્રો કબડ્ડી-2019ની 114મી મેચમાં હોમ ટીમ હરિયાણા સ્ટીલર્સે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સને 1 પોઈન્ટે પરાજય આપી પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે. હરિયાણા પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે.
Trending Photos
પંચકુલાઃ પ્રો કબડ્ડી 2019ની 114મી મેચમાં હરિયાણા સ્ટીલર્સે રોમાંચક મેચમાં ગુજરાતને 38-37થી પરાજય આપતા પોતાના હોમ લેગની પ્રથમ જીત મેળવી હતી. હરિયાણાની ટીમે આ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે. બીજીતરફ ગુજરાતે અંતિમ સમયે આવીને આ મેચ ગુમાવી અને હવે તેની પ્લેઓફમાં પહોંચવાની આશાને ઝટકો લાગ્યો છે. વિકાસ કંડોલાના સુપર 10ને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
પહેલા હાફ બાદ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે 19-14થી લીડ મેળવી હતી. ગુજરાતે મેચની શરૂઆત સારી કરી અને સાતમી મિનિટમાં તેણે યજમાન ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. ગુજરાતની ટીમે પ્રથમ હાફમાં વિકાસ કંડોલાને રોકીને રાખ્યો હતો. હરિયાણાની ટીમે વાપસીનો પ્રયાસ કર્યો પરંતુ તેના ડિફેન્સે ફરી નિરાશ કર્યાં હતા. ગુજરાત માટે રોહિત ગુલિયા અને સોનૂએ પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું.
બીજા હાફની શરૂઆત હરિયાણાએ સારી રીતે કરી અને બંન્ને ટીમો વચ્ચેના અંતરને ઓછુ કર્યું હતું. હરિયાણાની ટીમ એક સમયે ગુજરાતને 3 ખેલાડીઓ પર લાવી હતી પરંતુ ગુજરાતે વિકાસ કંડોલાને સુપર ટેકલ કરીને પોતાની ટીમની લીડમાં વધારો કર્યો હતો. હરિયાણાએ પણ રોહિત ગુલિયાને સુપર ટેકલ કરીને પોતાની વાપસીનો પ્રયાસ કર્યો હતો. વિકાસ કંડોલાએ મેચની 33મી મિનિટમાં એક શાનદાર સુપર રેડ કરી અને મુકાબલાને રોમાંચક બનાવ્યો હતો.
ગુજરાતની ટીમે ફરી એકવાર વિકાસને સુપર ટેકલ કર્યો અને પોતાને ઓલઆઉટથી બચાવી રાખ્યું હતું. હરિયાણાને ગુજરાતને ઓલઆઉટ કરવાની ઘણી તક મળી, પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. આખરે મેચની 38મી મિનિટમાં વિકાસ કંડોલાની રેડની મદદથી ગુજરાત ઓલઆઉટ થયું અને હરિયાણાએ લીડ મેળવી હતી. અંતિમ સમયમાં બંન્ને ટીમનો સ્કોર 37-37ની બરોબરી પર હતો પરંતુ છેલ્લી રેડમાં રોહિત ગુલિયા આઉટ થઈ જતાં ગુજરાતની ટીમે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે