KKR vs MI: કોલકત્તાનો 7 વિકેટે ધમાકેદાર વિજય, મુંબઈને હરાવી પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી

IPL 2021: યૂએઈમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ નવા તેવર સાથે આવી છે. કોલકત્તાએ સતત બીજી મેચમાં એકતરફી જીત મેળવતા મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. 

KKR vs MI: કોલકત્તાનો 7 વિકેટે ધમાકેદાર વિજય, મુંબઈને હરાવી પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી

અબુધાબીઃ કોલકત્તા નાઇટ રાઇડર્સે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે પરાજય આપી સતત બીજી જીત મેળવી છે. કોલકત્તાની આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ઉલટફેર થઈ છે. કોલકત્તા ચોથી જીત સાથે ટોપ-4માં પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈની ટીમ નીચે આવી ગઈ છે. કોલકત્તાએ નવ મેચમાં ચોથી જીત મેળવી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાએ 15.1 ઓવરમાં 3 વિકેટે 159 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

કોલકત્તા માટે નવી ઓપનિંગ જોડી લક્કી
કોલકત્તા નાઇટ રાઇડર્સે યુવા બેટ્સમેન વેંકટેશ અય્યર અને શુભમન ગિલ સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. શુભમન ગિલ 13 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. કોલકત્તાએ સારી શરૂઆત કરતા પાવરપ્લેમાં 1 વિકેટે 63 રન બનાવ્યા હતા. 

વેંકટેશ અય્યરની આકર્ષક અડધી સદી
પાછલી મેચમાં આઈપીએલમાં પર્દાપણ કરી પોતાની બેટિંગથી પ્રભાવિત કરનાર યુવા બેટ્સમેન વેંકટેશ અય્યરે મુંબઈ સામે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. વેંકટેશે પહેલા ગિલ સાથે 40 રનની ભાગીદારી કરી હતી. આ યુવા બેટ્સમેને આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારતા 53 રન બનાવ્યા હતા. અય્યરે 30 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. વેંકટેશ અને રાહુલ ત્રિપાઠી વચ્ચે બીજી વિકેટ માટે 88 રનની ભાગીદારી થઈ હતી. 

રાહુલ ત્રિપાઠીએ પણ દમદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્રિપાઠી 42 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 74 રન બનાવી અણનમ રહ્યો હતો. નીતિશ રાણા 5 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. ઇયોન મોર્ગને સાત રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ત્રણેય વિકેટ બુમરાહે ઝડપી હતી. 

મુંબઈ ઈન્ડિયન્સને ઓપનરોએ અપાવી હતી શાનદાર શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને ક્વિન્ટન ડિ કોક અને રોહિત શર્માએ મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં 56 રન જોડી દીધા હતા. ટીમનો સ્કોર 78 રન હતો ત્યારે રોહિત શર્મા (33) રન બનાવી નારાયણનો શિકાર બન્યો હતો. રોહિતે 30 બોલમાં 4 બાઉન્ડ્રી ફટકારી હતી. 

ડિ કોકની અડધી સદી
વિકેટકીપર બેટ્સમેન ડિ કોકે પોતાના આઈપીએલ કરિયરની 16મી અડધી સદી ફટકારી હતી. ડિ કોક 42 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 55 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ માત્ર 5 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. ઈશાન કિશન માત્ર 14 રન બનાવી આઉટ થયો હતો. 

અંતિમ ઓવરોમાં મુંબઈનો ધબડકો
ઓપનરોએ અપાવેલી સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં મુંબઈની ટીમ નિષ્ફળ રહી હતી. કાયરન પોલાર્ડ 15 બોલમાં 21 રન બનાવી રનઆઉટ થયો હતો. કૃણાલ પંડ્યા માત્ર 12 રન બનાવી આઉટ થયો હતો. સૌરભ તિવારી 5 અને મિલ્ને 1 રન બનાવી અણનમ રહ્યા હતા. 

કોલકત્તા તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ 43 રન આપીને બે વિકેટ ઝડપી હતી. લોકી ફર્ગ્યૂસને 27 રન આપીને બે તથા નારાયણે 20 રન આપીને એક વિકેટ લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news