IND vs SA: જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ લખી જીતની કહાની, જાણો છેલ્લી 4 ઓવરનો રોમાંચ

ભારતીય ટીમે 11 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી તો 17 વર્ષ બાદ ટી20 વિશ્વકપ જીત્યો છે. આ જીતમાં ભારતના બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લી ચાર ઓવરમાં હાર્દિક, બુમરાહ અને અર્શદીપે મેચનું પાસું પલટી નાખ્યું હતું. 

IND vs SA: જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ લખી જીતની કહાની, જાણો છેલ્લી 4 ઓવરનો રોમાંચ

બાર્બાડોસઃ ભારતીય ક્રિકેટ ટીમે આશરે 17 વર્ષ બાદ આઈસીસી ટી20 વિશ્વકપ કબજે કર્યો છે. રોમાંચક મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને પરાજય આપ્યો છે. આ સાથે ભારતે રોહિત શર્માની આગેવાનીમાં પ્રથમવાર આઈસીસી ટ્રોફી જીતી છે. ભારતની આ જીતની કહાની છેલ્લી ચાર ઓવરમાં લખવામાં આવી હતી. એક સમયે લાગી રહ્યું હતું કે આફ્રિકા મેચ જીતી જશે પરંતુ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે જે રીતે વાપસી કરી તે પ્રશંસાપાત્ર છે. જ્યારે મહત્વના સમયે આફ્રિકા ચોકર્સ સાબિત થયું છે. 

આ છે છેલ્લી 4 ઓવરની કહાની
આફ્રિકાની ટીમે 16 ઓવરમાં 4 વિકેટે 151 રન બનાવી લીધા હતા. આફ્રિકાને જીત માટે 4 ઓવરમાં 26 રનની જરૂર હતી. ક્લાસેન 52 અને મિલર 15 રન બનાવી રમી રહ્યાં હતા. ત્યારબાદ 17મી ઓવરમાં પ્રથમ બોલે હાર્દિક પંડ્યાએ હેનરિક ક્લાસેનને આઉટ કર્યો હતો. આ ઓવરમાં હાર્દિક પંડ્યાએ માત્ર 4 રન આપ્યા હતા. 

ત્યારબાદ અઢારમી ઓવરમાં જસપ્રીત બુમરાહે કમાન સંભાળી હતી. બુમરાહે આ ઓવરમાં માત્ર 2 રન આપી માર્કો યાન્સેનને આઉટ કર્યો હતો. બુમરાહે 16મી ઓવરમાં પણ 4 રન આપ્યા હતા. એટલે કે જ્યારે ટીમને જરૂર હતી ત્યારે બુમરાહે શાનદાર વાપસી કરી હતી. ત્યારબાદ 19મી ઓવરમાં બોલિંગમાં અર્શદીપ સિંહ આવ્યો હતો. અર્શદીપે પણ આ ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. એટલે કે આફ્રિકાને છેલ્લી ઓવરમાં જીત માટે 16 રનની જરૂર હતી. 

હાર્દિક પંડ્યા પાસે છેલ્લી ઓવરમાં 16 રન ડિફેન્ડ કરવાની જવાબદારી હતી. હાર્દિક પંડ્યાએ પ્રથમ બોલ પર મિલરને આઉટ કરી આફ્રિકાની જીતના દરવાજા બંધ કરી દીધા હતા. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ રબાડાને પણ આઉટ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 20 રન આપી ત્રણ વિકેટ લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news