INDvsWI, 1st Test Day 2: એન્ટીગા ટેસ્ટમાં ઈશાંતનો ધમાકો, ભારતની સ્થિતિ મજબૂત

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી એન્ટીગા ટેસ્ટના બીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝે પોતાની પ્રથમ ઈનિંગમાં 8 વિકેટ ગુમાવીને 189 રન બનાવી લીધા છે. 
 

INDvsWI, 1st Test Day 2: એન્ટીગા ટેસ્ટમાં ઈશાંતનો ધમાકો, ભારતની સ્થિતિ મજબૂત

એન્ટીગાઃ યજમાન વેસ્ટ ઈન્ડિઝે અહીં સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે પોતાની પ્રથમ ઈનિંગમાં 8 વિકેટ પર 189 રન બનાવી લીધા છે. વેસ્ટ ઈન્ડિઝ હજુ ભારતના સ્કોરથી 108 રન પાછળ છે જ્યારે તેની બે વિકેટ બાકી છે. દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે કેપ્ટન જેસન હોલ્ડર (10) અને મિગુલ કમિન્સ શૂન્ય પર ક્રીઝ પર હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાની ઈનિંગ દિવસના પ્રથમ સત્રમાં 297 રન પર આઉટ થઈ ગઈ હતી. 

શરૂઆતથી લાગ્યા ઝટકા
ટીમ ઈન્ડિયાને પ્રથમ ઈનિંગમાં 297 રન પર ઓલઆઉટ કર્યા બાદ પોતાની પ્રથમ ઈનિંગની શરૂઆત કરવા ઉતરેલી વિન્ડીઝને ટીમને પ્રથમ ઝટકો જોન કૈમ્પવેલના રૂપમાં લાગ્યો હતો. જ્યારે ટીમનો સ્કોર માત્ર 36 રન હતો. તે 30 બોલમાં 23 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ક્રૈગ બ્રેથવેટ (14) અને પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલ શામરા બ્રૂક્સ (11) 50ના સ્કોર પર આઉટ થઈ ગયા હતા. બ્રાવો અને ચેઝે ટી સુધી ટીમની અન્ય વિકેટ પડતા બચાવી હતી. 

ટી બ્રેક બાદ બ્રાવોને બુમરાહે LBW આઉટ કર્યો ત્યારબાદ ટીમનો સ્કોર 100 પર પહોંચે તે પહેલા વધુ એક વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ શાઈ હોપ અને શિમરન હેટમાયરે ટીમનો સ્કોર 150ને પાર પહોંચાડ્યો હતો. પરંતુ હોપ (24) અને હેટમાયર (35) ઈશાંત શર્માનો શિકાર બન્યા હતા. ઈશાંતે પછી કેમાર રોચને પણ શૂન્ય રને આઉટ કરીને વિન્ડીઝને સંકટમાં મુકી દીધું હતું. 

નિચલા ક્રમની શાનદાર બેટિંગ
ભારત તરફથી ઈશાંત શર્માએ પાંચ વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહ, શમી અને જાડેજાને એક-એક વિકેટ મળી હતી. આ પહેલા ભારતે પોતાના ગઈકાલના સ્કોર 6 વિકેટ પર 203 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. રિષભ પંત (20) અને જાડેજા (3)એ ઈનિંગની શરૂઆત કરી હતી. પંત પોતાના પ્રથમ દિવસના સ્કોરમાં 1 રન જોડીને આઉટ થઈ ગયો હતો. 

પંત આઉટ થયા બાદ જાડેજા અને ઈશાંત શર્મા (19)એ આઠમી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. ઈશાંતે જાડેજાનો સાથ આપતા 62 બોલનો સામનો કર્યો હતો. ત્યારબાદ જાડેજાએ બુમરાહ (અણનમ 4)ની સાથે છેલ્લી વિકેટ માટે 29 રનની ભાગીદારી કરીને ભારતને 297 સુધી પહોંચાડ્યું હતું. જાડેજાએ 112 બોલમાં 59 રન બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news