IPL2020, RCBvsSRH: ચહલની દમદાર બોલિંગ, રોમાંચક મેચમાં બેંગલોરનો 10 રને વિજય

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની ત્રીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 10 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. 

IPL2020, RCBvsSRH: ચહલની દમદાર બોલિંગ, રોમાંચક મેચમાં બેંગલોરનો 10 રને વિજય

દુબઈઃ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની ત્રીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 10 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. વિરાટ સેનાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં એબી ડિવિલિયર્સ (51) અને દેવદત્ત પડિક્કલ (56)ની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 19.4 ઓવરમાં 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બેંગલોર તરફથી ચહલે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. 

બેયરસ્ટોની અડધી સદી, વોર્નર રનઆઉટ
આરસીબીએ આપેલા 164 રનનો પીછો કરવા માટે ઉતરેલી હૈદરાબાદની ટીમને પ્રથમ ઝટકો કેપ્ટન ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. તે દુર્ભાગ્યપૂર્ણ રીતે માત્ર 6 રન બનાવી રનઆઉટ થયો હતો. આમ ટીમે 18 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ મનીષ પાંડે અનેજોની બેયરસ્ટોએ બીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 89 રન હતો ત્યારે મનીષ પાંડે (34) રન બનાવી આઉટ થયો હતો. તેણે 33 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જોની બેયરસ્ટોએ શાનદાર ફોર્મ જારી રાખતા 43 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે આ દરમિયાન 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. યુવા બેટ્સમેન પ્રિયમ ગર્ગ (12)ને શિવમ દુબેએ બોલ્ડ કર્યો હતો. 

અભિષેક શર્મા (7) રન બનાવી રનઆઉટ થયો હતો. ત્યારબાદ 18મી ઓવરમાં નવદીપ સૈનીએ ભુવનેશ્વર કુમાર (0) અને રાશિદ ખાન (6)ને બોલ્ડ કર્યાં હતા. બેંગલોર તરફથી ચહલે 18 રન આપીને ત્રણ, નવદીપ સૈની તથા શિવમ દુબેએ બે-બે વિકેટ ઝડપી હતી. તથા ડેલ સ્ટેનને એક સફળતા મળી હતી. 

ચહલે કરાવી બેંગલોરની વાપસી
એક સમયે લાગી રહ્યું હતું કે હૈદરાબાદની ટીમ આસાનીથી મેચ જીતી જશે. ત્યારે ઈનિંગની 16મી ઓવર ફેંકવા આવેલ યુજવેન્દ્ર ચહલે બેંગલોરની વાપસી કરાવી હતી. તેણે પહેલા જોની બેયરસ્ટો (61)ને બોલ્ડ કર્યો અને ત્યારબાદ ક્રિઝ પર આવેલા વિજય શંકર (0)ને બોલ્ડ કર્યો હતો. 

IPL 2020: દેવદત્ત પડિક્કલે પર્દાપણ મેચમાં ફટકારી તોફાની અડધી સદી,  RCB માટે બનાવ્યો રેકોર્ડ   

નવી ઓપનિંગ જોડીએ બેંગલોરને અપાવી દમદાર શરૂઆત
આરસીબીએ નવી સીઝનની શરૂઆત નવી ઓપનિંગ જોડી એરોન ફિન્ચ અને યુવા બેટ્સમેન દેવદત્ત પડિક્કલ સાથે કરી હતી. યુવા ખેલાડી પડિક્કલે પોતાના આઈપીએલ કરિયરની ધમાકેદાર શરૂઆત કરતા અડધી સદી ફટકારી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી. બેંગલોરને પ્રથમ ઝટકો પડિક્કલ (56)ના રૂપમાં લાગ્યો હતો. તેણે 42 બોલમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા. એરોન ફિન્ચ (29) રન બનાવી અભિષેક શર્માનો શિકાર બન્યો હતો. તેણે 27 બોલમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 

વિરાટ ફ્લોપ, એબીની અડધી સદી
આઈપીએલની પ્રથમ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી ફ્લોપ રહ્યો હતો. કોહલી 14 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ એબી ડિવિલિયર્સે અડધી સદી ફટકારતા 51 રન બનાવ્યા હતા. તેની શાનદાર ઈનિંગની મદદથી બેંગલોરની ટીમ 160થી વધુ રન કરવામાં સફળ રહી હતી. એબીએ 30 બોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. શિવમ દુબે 7 રન બનાવી રનઆઉટ થયો હતો. 

હૈદરાબાદ તરફથી ટી નટરાજન, વિજય શંકર અને અભિષેક શર્માએ એક-એક વિકેટ ઝડપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news