PBKS vs SRH: આશુતોષ-શશાંકે દિલ જીત્યા પણ મેચ જીતી ગયું હૈદરાબાદ, પંજાબનો રને પરાજય

IPL 2024: શશાંક અને આશુતોષ શર્માએ અંતિમ ઓવરમાં કમાલની બેટિંગ કરી છતાં પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 2 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદે ટૂર્નામેન્ટમાં પોતાની ત્રીજી જીત મેળવી છે. 
 

PBKS vs SRH: આશુતોષ-શશાંકે દિલ જીત્યા પણ મેચ જીતી ગયું હૈદરાબાદ, પંજાબનો રને પરાજય

મોહાલીઃ સનરાઇઝર્સ હૈદરાબાદે છેલ્લા બોલ સુધી રોમાંચક બનેલી મેચમાં પંજાબ કિંગ્સને 2 રને પરાજય આપ્યો છે. પંજાબ કિંગ્સને અંતિમ ઓવરમાં જીત માટે 29 રનની જરૂર હતી. શશાંક સિંહ અને આશુતોષ શર્માએ જયદેવ ઉનડકટની ઓવરમાં 26 રન ફટકારી દીધા હતા. પરંતુ અંતમાં પંજાબે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 6 વિકેટે 180 રન બનાવી શક્યું હતું. 

પાવરપ્લેમાં હૈદરાબાદની શાનદાર બોલિંગ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને પણ શરૂઆતી ઝટકા લાગ્યા હતા. જોની બેયરસ્ટો (0) ને કમિન્સે બોલ્ડ કર્યો હતો. શિખર ધવન (14) ભુવનેશ્વરની ઓવરમાં ક્લાસેનના શાનદાર સ્ટમ્પિંગ દ્વારા આઉટ થયો હતો. પ્રભસિમરન સિંહ 4 રન બનાવી આઉટ થયો હતો. પંજાબ કિંગ્સે 20 રનમાં શરૂઆતી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. 

સેમ કરને 22 બોલમાં બે ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા. સિકંદર રઝા પણ 28 રન બનાવી આઉટ થયો હતો. રઝાએ 22 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે જીતેશ શર્મા 11 બોલમાં 19 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. પંજાબની ટીમ માટે એક સમયે લક્ષ્ય મુશ્કેલ લાગી રહ્યો હતો. પરંતુ અંતિમ ઓવરોમાં શશાંક સિંહ અને આશુતોષ શર્માએ ધમાલ મચાવી હતી. શશાંક 25 બોલમાં 6 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 49 રન તો આશુતોષ 15 બોલમાં 3 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 33 રન બનાવી અણનમ રહ્યો હતો. 

હૈદરાબાદની ખરાબ શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. ટ્રેવિસ હેડ 15 બોલમાં 4 ચોગ્ગા સાથે 21 રન બનાવી અર્શદીપનો શિકાર બન્યો હતો. ત્યારબાદ એડન માર્કરમ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. અભિષેક શર્મા પણ માત્ર 16 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. હૈદરાબાદે 39 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. 

યુવા બેટર નિતિશ રેડ્ડીની શાનદાર અડધી સદી
સંકટમાં ફસાયેલી હૈદરાબાદને નિતિશ રેડ્ડીએ શાનદાર બેટિંગ કરી મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. નિશિત રેડ્ડીએ આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. રેડ્ડીએ 37 બોલમાં 4 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 64 રન બનાવ્યા હતા. તેણે અબ્દુલ સમદ સાથે છઠ્ઠી વિકેટ માટે 50 રનની ભાગીદારી પણ કરી હતી. 

રાહુલ ત્રિપાઠી 11 રન બનાવી આઉટ થયો હતો. હેનરિક ક્લાસેન પણ માત્ર 9 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. અબ્દુલ સમદે 12 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 25 રન બનાવ્યા હતા. શાહબાઝ અહમદ 14 રન બનાવી અણનમ રહ્યો હતો. કમિન્સ 3 અને ભુવનેશ્વર છ રન બનાવી પેવેલિયન પરત ફર્યાં હતા. 

પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી. અર્શદીપે 4 ઓવરમાં 29 રન આપી ચાર સફળતા મેળવી હતી. આ સિવાય સેમ કરન અને હર્ષલ પટેલને બે-બે તથા રબાડાને એક વિકેટ મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news