IPL 2021 DC vs CSK: પ્રથમ મેચમાં ધવન-પૃથ્વી શો છવાયા, દિલ્હીની વિજય સાથે શરૂઆત

IPL 14: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે ધમાકેદાર રીતે શરૂઆત કરી છે. રિષભ પંતની આગેવાનીમાં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. 
 

IPL 2021 DC vs CSK: પ્રથમ મેચમાં ધવન-પૃથ્વી શો છવાયા, દિલ્હીની વિજય સાથે શરૂઆત

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે શિખર ધવન (85) અને પૃથ્વી શો (72)ની શાનદાર અડધી સદીની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરી છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 188 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 18.4 ઓવરમાં 3 વિકેટે 190 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. પ્રથમ મેચમાં કેપ્ટનશિપ કરી રહેલા પંચે ચોગ્ગો ફટકારી ટીમને જીત અપાવી હતી. 

દિલ્હીને પૃથ્વી શો અને શિખર ધવને અપાવી દમદાર શરૂઆત
ચેન્નઈએ આપેલા 189 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ધમાકેદાર રહી હતી. બન્ને ઓપનર શિખર ધવન અને પૃથ્વી શોએ પ્રથમ ઓવરથી આક્રમક બેટિંગ કરી હતી. બન્નેએ પ્રથમ પાવરપ્લેમાં 65 રન જોડી દીધા હતા. દિલ્હીની ટીમે 11મી ઓવરમાં પોતાનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો. 

પૃથ્વી શોએ આઈપીએલ કરિયરની 7મી અડધી સદી ફટકારી હતી. દિલ્હીને 138 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. પૃથ્વી શો 38 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 72 રન બનાવી બ્રાવોનો શિકાર બન્યો હતો. ટીમનો સ્કોર 167 રન હતો ત્યારે શિખર ધવન 85 રન બનાવી શાર્દુલની ઓવરમાં LBW આઉટ થયો હતો. ધવને 54 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

માર્કસ સ્ટોયનિસ 9 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 14 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો.  રિષભ પંત 15 રન બનાવી અણનમ રહ્યો હતો. ચેન્નઈ તરફથી શાર્દુલ ઠાકુરને બે તથા બ્રાવોને એક સફળતા મળી હતી. 

ચેન્નઈની ઈનિંગ, રૈનાની અડધી સદી
ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને બીજી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો, જ્યારે ફાફ ડુ પ્લેસિસ શૂન્ય રન પર આવેશ ખાનની ઓવરમાં lbw આઉટ થયો હતો. ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર બીજો ઓપનર ઋતુરાજ ગાયકવાડ પણ આઉટ થઈ ગયો હતો. તેને 5 રનના વ્યક્તિગત સ્કોર પર ક્રિસ વોક્સે ધવનના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્રીજી વિકેટ મોઇન અલીના રૂપમાં પડી. અલી અશ્વિનની ઓવરમાં 36 રન બનાવી આઉટ થયો હતો. 

સુરેશ રૈનાએ 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. દિલ્હીને ચોથી સફળતા અંબાતી રાયડૂના રૂપમાં મળી હતી. રાયડૂ 23 રન બનાવી આઉટ થયો હતો. રૈના 54 રન બનાવી રનઆઉટ થયો હતો. કેપ્ટન એમએસ ધોની બે બોલનો સામનો કરી શૂન્ય રન પર આવેશ ખાનની ઓવરમાં બોલ્ડ થયો હતો. સેમ કરન 15 બોલમાં આક્રમક 34 રન બનાવી ઈનિંગના અંતિમ બોલ પર આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા 17 બોલમાં ત્રણ ચોગ્ગા સરાથે 26 રન બનાવી અણનમ રહ્યો હતો. 

દિલ્હી તરફથી આવેશ ખાને 4 ઓવરમાં 23 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ક્રિસ વોક્સે 18 રન આપી બે સફળતા મેળવી હતી. આર અશ્વિન અને ટોમ કરનને એક-એક વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news