IPL 2021: ચેન્નઈ સુપર કિંગ્સને મળી સતત પાંચમી જીત, હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું

આ જીત સાથે ધોનીની ટીમ 10 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે હૈદરાબાદ માટે મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ ગઈ છે. હૈદરાબાદે છ મેચ રમી છે અને તેનો આ પાંચમો પરાજય છે. 
 

IPL 2021: ચેન્નઈ સુપર કિંગ્સને મળી સતત પાંચમી જીત, હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સે રુતુરાજ ગાયકવાડ (75) અને ફાફ ડુ પ્લેસિસ (56) ની શાનદાર અડધી સદીની મદદથી અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 22મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે પરાજય આપી સતત પાંચમી જીત મેળવી છે. આ જીત સાથે ધોનીની ટીમ 10 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે હૈદરાબાદ માટે મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ ગઈ છે. હૈદરાબાદે છ મેચ રમી છે અને તેનો આ પાંચમો પરાજય છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 171 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈએ 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

ફાફ ડુ પ્લેસિસ અને રુતુરાજ ગાયકવાડની શાનદાર ભાગીદારી
હૈદરાબાદે આપેલા 172 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને ફાફ ડુ પ્લેસિસ અને યુવા બેટ્સમેન રુતુરાજ ગાયકવાડે સારી શરૂઆત અપાવી હતી. બન્નેએ પ્રથમ છ ઓવરમાં 50 રન જોડી દીધા હતા. પાવરપ્લે બાદ રુતુરાજે વધુ આક્રમક વલણ અપનાવ્યુ હતું. આ યુવા બેટ્સમેન પોતાના આઈપીએલ કરિયરની પાંચમી અડધી સદી ફટકારી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી હતી. રુતુરાજ ગાયકવાડ 44 બોલમાં 12 ચોગ્ગા સાથે 75 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. ફાફ 38 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 56 રન બનાવી રાશિદની ઓવરમાં આઉટ થયો હતો. 

મોઇન અલી 8 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 15 રન બનાવી રાશિદની ઓવરમાં કેદારના હાથે કેચઆઉટ થયો હતો. અંતમાં જાડેજા 7 અને રૈના 17 રન બનાવી અણનમ રહ્યા હતા. હૈદરાબાદ માટે રાશિદ ખાને ત્રણ વિકેટ ઝડપી હતી. 

સનરાઇઝર્સ હૈદરાબાદની ધીમી શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને ચોથી ઓવરમાં જોની બેયરસ્ટોના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. બેયરસ્ટો (7)ને સેમ કરને આઉટ કર્યો હતો. ટીમે પાવરપ્લેમાં 1 વિકેટે માત્ર 39 રન બનાવ્યા હતા. 

વોર્નર-મનીષ પાંડેની ધીમી બેટિંગ
22 રન પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ડેવિડ વોર્નર અને મનીષ પાંડેએ બીજી વિકેટ માટે 102 રનની ભાગીદારી કરી હતી. વોર્નર આજે પોતાના અંદાજ કરતા ધીમે રમતો જોવા મળ્યો હતો. ડેવિડ વોર્નરે આઈપીએલ કરિયરની 50મી અડધી સદી ફટકારી હતી. તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન છે. વોર્નર 55 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 57 રન બનાવ્યા લુંગી એન્ગિડીનો શિકાર બન્યો હતો. મનીષ પાંડે 46 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 61 રનનું યોગદાન આપ્યુ હતું. તે પણ એન્ગિડીનો શિકાર બન્યો હતો. 

અંતિમ ઓવરોમાં કેન વિલિયમસન અને કેદારની શાનદાર બેટિંગ
એક સમયે હૈદરાબાદની ટીમ 150 પર પણ માંડ પહોંચી શકશે તેમ લાગી રહ્યુ હતું. પરંતુ કેન વિલિયમસન 10 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 26 અને કેદાર જાધવ 4 બોલમાં 12 રનની મદદથી ટીમ 171 રન બનાવવામાં સફળ રહી હતી. ચેન્નઈ તરફથી એન્ગિડીએ બે તથા સેમ કરને એક વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news