IPL 2019, RCB vs RR: વરસાદને કારણે મેચ રદ્દ, બંન્ને ટીમને મળ્યો 1-1 પોઈન્ટ

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ની 49મી મેચ વરસાદને કારણે રદ્દ કરી દેવામાં આવી છે. આ સાથે આરસીબી સત્તાવાર રીતે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
 

  IPL 2019, RCB vs RR: વરસાદને કારણે મેચ રદ્દ, બંન્ને ટીમને મળ્યો 1-1 પોઈન્ટ

બેંગલોરઃ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ની 49મી મેચ વરસાદને કારણે રદ્દ કરી દેવામાં આવી છે. આ સાથે આરસીબી સત્તાવાર રીતે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. વરસાદને કારણે મેચ રાત્રે 11.26 કલાકે શરૂ કરવામાં આવી હતી. આ મેચ પાંચ-પાંચ ઓવરની કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.  જેમાં પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ 5 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 62 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 3.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 41 રન બનાવી લીધા હતા. ત્યારે ફરી ભારે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે નિર્ધારિત સમય કરતા પણ વધુ સમય વેડફાઇ જવાને કારણે અમ્પાયરે મેચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ રદ્દ થતાં આરબીસીની આ સિઝનમાં સફર સમાપ્ત થઈ ગઈ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સની સફર પણ લગભગ સમાપ્ત થવાને આરે છે. આરસીબીના 13 મેચમાં 9 પોઈન્ટ છે. જ્યારે રાજસ્થાનના 13 મેચમાં 11 મેચ છે. મેચ રદ્દ થવાને કારણે બંન્ને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો છે. 

આરસીબીની ઈનિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલુરૂની ટીમે નિર્ધારિત 5 ઓવરમાં 7 વિકેટ ગુમાવને 62 રન બનાવ્યા હતા. શરૂઆતમાં આવેલા કોહલીએ 3 સિક્સ અને 1 ચોગ્ગાની મદદથી 7 બોલ પર ધમાકેદાર 25 રન બનાવ્યા અને બીજી ઓવરમાં શ્રેયસ ગોપાલના બોલ પર બાઉન્ડ્રી પર આઉટ થયો હતો. 

ત્યાર પછીના બોલ પર ડિવિલિયર્સ પણ કેચ આઉટ થઈ ગયો હતો. તેણે 4 બોલમાં 10 રન બનાવ્યા હતા. ત્યારબાદ ગોપાલે સ્ટોઇનિસને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી હતી. આ સિઝનની આ બીજી હેટ્રિક છે. આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબના સેમ કરને દિલ્હી કેપિટલ્સ સામે હેટ્રિક ઝડપી હતી. સ્ટોઇનિસ શૂન્ય પર આઉટ થયો હતો. 

ત્રીજી ઓવરમાં રિયાન પરાગે બેંગલુરૂને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે ગુરકીરત સિંહને 6 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. ત્યારબાદ પાર્થિવ પટેલ પણ 8 રન બનાવી ઉનડકટનો શિકાર બન્યો હતો. અંતિમ ઓવરમાં હેનરિક ક્લાસેન (6)  અને પવન નેગી (4) રન બનાવી આઉટ થયા હતા. આ બંન્નેને ઓશાને થોમસે આઉટ કર્યાં હતા. 

રાજસ્થાન તરફથી શ્રેયસ ગોપાલે 12 રન આપીને 3, થોમસે 6 રન આપીને બે તથા ઉનડકટ અને પરાગે એક-એક વિકેટ ઝડપી હતી. 

બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલા આઈપીએલના એક મહત્વના મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે આરસીબી સામે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ વરસાદ શરૂ થવાને કારણે મેચ શરૂ થવામાં વાર લાગી હતી. ભારે વરસાદને કારણે અંતે 11.26 કલાકે મેચ શરૂ થઈ હતી. આ મેચ પાંચ-પાંચ ઓવરની કરવામાં આવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news