IPL 2019 Qualifier 1: ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવી મુંબઈ ફાઇનલમાં
મુંબઈ ઈન્ડિયન્સે ક્વોલિફાયર-1માં શાનદાર પ્રદર્શન કરતા ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે મુંબઈએ હૈદરાબાદમાં રમાનારા પ્રથમ ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. તો ચેન્નઈ સુપર કિંગ્સને ફાઇનલમાં પહોંચવા માટે બીજી તક મળશે.
Trending Photos
ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ના પ્રથમ ક્વોલિફાયરમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે પરાજય આપીને 12 મેએ હૈદરાબાદમાં રમાનારી ફાઇનલ માટેની ટિકિટ મેળવી લીધી છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સને ફાઇનલમાં પહોંચવા માટે વધુ એક તક મળશે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાનારા એલિમિનેટરની વિજેતા સામે બીજી ક્વોલિફાઇમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટકરાશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 131 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવની અણનમ અડધી સદીની મદદથી 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 132 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. સૂર્યકુમાર યાદવ 54 બોલમાં 10 ચોગ્ગા સાથે 71 રન બનાવી અણનમ રહ્યો હતો.
મુંબઈને પ્રથમ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો અને કેપ્ટન રોહિત શર્મા 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેને દીપક ચહરે LBW કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ હરભજન સિંહે મુંબઈને બીજો ઝટકો આપ્યો હતો. તેણે ડી કોકને 8 રનના વ્યક્તિગત સ્કોર પર ફાફ ડુ પ્લેસિસના હાથે કેચ કરાવ્યો હતો.
ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશને ત્રીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે પોતાની અડધી સદી પૂરી કરી હતી. ચેન્નઈની ટીમને ઈનિંગની 14મી ઓવરમાં ઇમરાન તાહિરે બે સફળતા અપાવી હતી. તેણે પહેલા ઇશાન કિશન (28)ને બોલ્ડ કર્યો હતો. ઇશાન કિશને 31 બોલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ઇશાન કિશનને આઉટ કર્યાં બાદ ત્યારપછીના બોલ પર તાહિરે ક્રુણાલ પંડ્યાને કોટ એન્ડ બોલ્ડ કર્યો હતો.
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈની ટીમે મુંબઈને 132 રનનો લક્ષ્ય આપ્યો હતો. ચેન્નઈ માટે અંબાતી રાયડૂએ સૌથી વધુ 42 રન બનાવ્યા હતા, તો કેપ્ટન ધોનીએ અણનમ 37 રનની ઈનિંગ રમી હતી.
ચેન્નઈએ પ્રથમ બેટિંગક કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 131 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી રાહુલ ચહરે બે વિકેટ ઝડપી હતી. આ સિવાય જયંત યાદવ અને ક્રુણાલ પંડ્યાને 1-1 સફળતા મળી હતી.
ચેન્નઈની ખરાબ શરૂઆત
ચેન્નઈની શરૂઆત ખરાબ અને ધીમી રહી હતી. ટીમે પ્રથમ પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવીને માત્ર 32 રન બનાવ્યા હતા. ચેન્નઈની ટીમને ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર ઝટકો લાગ્યો અને ફાફ ડુ પ્લેસિસ 6 રન બનાવી રાહુલ ચહરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ચોથી ઓવરમાં જયંત યાદવે સુરેશ રૈનાને આઉટ કરીને ચેન્નઈનો મોટો ઝટકો આપ્યો હતો. આ શરૂઆતી ઝટકામાંથી ચેન્નઈ બહાર આવે તે પહેલા છઠ્ઠી ઓવરમાં ક્રુણાલ પંડ્યાએ શેન વોટસનને 10 રન પર આઉટ કરીને મુંબઈને ત્રીજી સફળતા અપાવી હતી.
ત્યારબાદ લયમાં દેખાઇ રહેલા મુરલી વિજયને 26 રનના વ્યક્તિગત સ્કોર પર રાહુલ ચહરે ડી કોકના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે