IPL 2019: આરસીબીએ પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું, કિંગ્સ ઈલેવન પંજાબને 8 વિકેટે આપ્યો પરાજય
ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ના 28માં મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે એબી ડિવિલિયર્સ અને કેપ્ટન વિરા કોહલીની શાનદાર અડધી સદીની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબને 8 વિકેટે પરાજય આપીને આ સિઝનમાં પોતાનો પ્રથમ વિજય મેળવ્યો છે.
Trending Photos
મોહાલીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ના 28માં મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે એબી ડિવિલિયર્સ અને કેપ્ટન વિરા કોહલીની શાનદાર અડધી સદીની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબને 8 વિકેટે પરાજય આપીને આ સિઝનમાં પોતાનો પ્રથમ વિજય મેળવ્યો છે. બેંગલોરે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. કિંગ્સ ઈલેવન પંજાબે ક્રિગ ગેલ (99*)ની મદદથી 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 173 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 19.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 174 રન બનાવી આ મેચ પોતાના નામે કરી લીધો હતો. આરબીસીની આ સિઝનમાં પ્રથમ જીત છે. સતત છ પરાજય બાદ આરસીબીએ પ્રથમ વિજય મેળવ્યો છે. વિરાટ કોહલી 53 બોલમાં 67 રન બનાવી આઉટ થયો હતો. એબી ડિવિલિયર્સ 38 બોલમાં 59 રન બનાવી અણનમ અને સ્ટોઇનિસ 16 બોલમાં 28 રન બનાવી અણનમ રહ્યો હતો.
પંજાબની ઈનિંગમાં ગેલ છવાયો
ક્રિસ ગેલના 64 બોલ પર અણનમ 99 રનની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ વિરુદ્ધ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. ગેલે પોતાની આ ઈનિંગ દરમિયાન 10 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય પંજાબનો કોઈપણ બેટ્સમેન 20 રનને પાર કરવામાં અસફળ રહ્યાં હતા. ગેલ પણ ભાગ્યશાળી રહ્યો હતો. જ્યારે તેનું ખાતું પણ ખુલ્યું નહતું ત્યારે તેની વિરુદ્ધ LBWની વિશ્વસનીય અપીલને ઠુકરાવી દેવામાં આવી અને બેંગલોરે રિવ્યૂ ન લઈને ભૂલ કરી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ તેનો આસાન કેચ છોડ્યો હતો. સુરેશ રૈના (2013) બાદ ગેલ બીજો બેટ્સમેન છે જે આઈપીએલમાં 99 રન બનાવી અણનમ રહ્યો છે.
ગેલે પોતાની ઈનિંગ દરમિયાન કેએલ રાહુલ (18)ની સાથે પ્રથમ વિકેટ માટે 66 અને મનદીપ સિંહ (અણનમ 18)ની સાથે પાંચમી વિકેટ માટે 60 રનની અટૂટ ભાગીદારી કરી હતી. બેંગલોરના બોલરોમાં વિશેષકરીને યુજવેન્દ્ર ચહલ (33 રન આપીને 2 વિકેટ), મોઇન અલી (19 રન એક વિકેટ) અને નવદીપ સૈની (ચાર ઓવરમાં 23 રન)ની પ્રશંસા કરવી પડશે જેણે વચ્ચેની સાત ઓવરમાં માત્ર 42 રન આપીને ગેલની હાજરી છતાં પંજાબને વિશાળ સ્કોર બનાવતા રોક્યું હતું. ગેલે શરૂઆતમાં આક્રમક બેટિંગ કરી હતી.
ગેલે મોહમ્મદ સિરાજ (54 રન આપીને 1 વિકેટ) પર આક્રમણ કહ્યું હતું. પાવરપ્લેની અંતિમ ઓવરમાં કોહલીએ સિરાજને બોલ સોંપ્યો હતો. ગેલે તેની ઓવરમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 24 રન ફટકારીને સ્કોર 60 પર પહોંચાડી દીધો હતો. ચહલ પાવરપ્લે બાદ બોલિંગ કરવા આવ્યો હતો. બીજીતરફ ઓપનિંગ બેટ્સમેન રાહુલ સિક્સ ફટકારીને તેનું સ્વાગત કર્યું અને ત્યારબાદ લાંબો શોટ રમવાથી ચુકી ગયો અને બાકીનું કામ વિકેટકીપર પાર્થિવ પટેલે પૂરુ કર્યું હતું. રાહુલની જગ્યા લેવા ઉતરેલ મયંક અગ્રવાલ (15) પણ ચહલની આગામી ઓવરમાં સિક્સ ફટકાર્યા બાદ બોલ્ડ થઈ ગયો હતો.
સરફરાઝ (15)ને સિરાજે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ મોઇન અલીએ સૈમ કરન (1)ને આઉટ કર્યો હતો. વચ્ચેની ઓવરમાં ગેલે ધીમી બેટિંગ કરી હતી. આ વચ્ચે જ્યારે તે 83 રને હતો ત્યારે કોહલીએ તેનો આસાન કેચ છોડ્યો હતો. ગેલને સદી માટે છેલ્લા બોલ પર સિક્સની જરૂર હતી પરંતુ સિરાજના બોલ પર તે બાઉન્ડ્રી ફટકારી શક્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે