INDvsAUS: પાકિસ્તાની મૂળના 'પાયલોટે' ભારત સામે ફરી ફટકારી સદી, વિશ્વકપની ટિકિટ પાક્કી

ઉસ્માન ખ્વાજા ઓસ્ટ્રેલિયાનો પ્રથમ મુસ્લિમ ક્રિકેટર છે. તેનો જન્મ ઇસ્લામાબાદમાં થયો છે. તેણે દિલ્હી વનડેમાં સદી ફટકારી છે. 
 

 INDvsAUS: પાકિસ્તાની મૂળના 'પાયલોટે' ભારત સામે ફરી ફટકારી સદી, વિશ્વકપની ટિકિટ પાક્કી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજાએ ભારત વિરુદ્ધ પાંચમાં વનડેમાં સદી ફટકારીને ન માત્ર પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી, પરંતુ વિશ્વકપ માટે પણ પોતાનો દાવો મજબૂત કરી લીધો છે. ખ્વાજાની પાંચ મેચોની સિરીઝમાં આ બીજી સદી છે. તે આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે વનડે સિરીઝના પાંચ મેચોમાં ક્રમશઃ 50, 38, 104, 91 અને 100 રનની ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારત બાદ પાકિસ્તાન વિરુદ્ધ વનડે સિરીઝ રમવાની છે. 

32 વર્ષીય ખ્વાજા પાકિસ્તાન મૂળનો ક્રિકેટર છે. તે ઓસ્ટ્રેલિયાની ટીમમાં જગ્યા બનાવવા માટે પ્રયત્ન કરતો રહે છે. તેનો આ સંઘર્ષ ભારતના પ્રવાસ પર રંગ લાવ્યો અને તેણે સિરીઝમાં 383 રન બનાવ્યા છે. આ સાથે ઓસ્ટ્રેલિયા માટે પાંચ મેચોની સિરીઝમાં બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. તે માત્ર ત્રણ રનથી ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડવાથી ચુકી ગયો છે. ડેવિડ વોર્નરે વર્ષ 2016માં આફ્રિકા વિરુદ્ધ પાંચ મેચોની સિરીઝમાં 386 રન બનાવ્યા છે. 

ઇસ્લામાબાદમાં જન્મેલા ખ્વાજાની સફળતાએ વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયાની આશા વધારી દીધી છે. ખ્વાજા એવો ખેલાડી છે, જે ન માત્ર ઓપનિંગ કરે છે પરંતુ નંબર-3 અને 4ની ભૂમિકામાં પણ ફિટ થઈ જાય છે. તેનાથી ઓસ્ટ્રેલિયાને બહુવિકલ્પીય ખેલાડી મળી ગયો છે, જેણે વિપરીત સ્થિતિમાં સારી રમત રમી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં હજુ સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરને હજુ વાપસી કરવાની છે. આ માટે ટોપ ઓર્ડરમાં દરેક જગ્યા માટે આકરી સ્પર્ધા છે. ખ્વાજાનું હાલ આ મુકાબલામાં પલડુ ભારે છે. 

ઉસ્માન ખ્વાજા ઓસ્ટ્રેલિયાનો પ્રથમ મુસ્લિમ ક્રિકેટર છે. ખ્વાજા જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર પાકિસ્તાનથી ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો. તેણે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કર્યો અને ક્રિકેટમાં પણ કરિયર બનાવ્યું. ખ્વાજાની પાસે કોમર્સિયલ પાયલોટનું લાઇસન્સ પણ છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરતા પહેલા એવિએશનમાં અભ્યાસ કર્યો છે. ઉસ્માન ખ્વાજાએ 2011માં એશિઝ સિરીઝમાં પર્દાપણ કર્યું હતું. રિકી પોન્ટિંગ ઈજાગ્રસ્ત થતા તેને ટીમમાં સ્થાન મળ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news