INDvsAUs: વિરાટની સદી, ધોનીના અનુભવથી એડિલેડમાં ભારતનો 6 વિકેટે વિજય
ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતા બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે પરાજય આપીને ત્રણ મેચોની વનડે સિરીઝ 1-1થી બરોબર કરી લીધી છે. સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ 15 જાન્યુઆરીએ મેલબોર્નમાં રમાશે.
Trending Photos
એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની વનડે શ્રેણીની બીજી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવીને શ્રેણીમાં 1-1ની બરોબરી કરી લીધી છે. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 103 રન બનાવ્યા હતા. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ અણનમ 55 રન ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો. તેની સાથે દિનેશ કાર્તિક 25 રન બનાવી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટે 298 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 299 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે 49.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. છેલ્લી 2 ઓવરમાં ભારતને જીતવા માટે 16 રનની જરૂર હતી. ધોની અને કાર્તિકે ચાર બોલ બાકી રાખીને ભારતને વિજય અપાવ્યો હતો.
299 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનર શિખર ધવન અને રોહિત શર્માએ ઝડપી શરૂઆત અપાવી, પરંતુ તે જાળવવામાં નિષ્ફળ રહ્યાં હતા. શિખર ધવનના રૂપમાં ભારતને પ્રથમ ઝટકો લાગ્યો હતો. તે 32 રન બનાવી જેસન બેહરેનડોર્ફના બોલ પર ઉસ્માન ખ્વાજાને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ રોહિત અને કેપ્ટન વિરાટે 54 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીએ ભારતનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. રોહિત આક્રમક જણાતો હતો. તેણે સ્ટોઇનિસના બોલ પર પૂલ શોટ રમીને સિક્સ ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ બાઉન્ડ્રી પર હૈંડ્સકોમ્બના હાથે કેચઆઉટ થઈ ગયો હતો. તેણે 52 બોલમાં 2 ફોર અને 2 સિક્સ ફટકારી હતી.
ત્યારબાદ રાયડૂ અને વિરાટે ત્રીજી વિકેટ માટે 59 રન જોડ્યા હતા. આ દરમિયાન વિરાટે કરિયરની 49મી અડધી સદી પૂરી કરી હતી. ટીમનો સ્કોર 150ને પાર થયો ત્યારબાદ રાયડૂ મેક્સવેલના હાથે સ્ટોઇનિસને કેચ આપી બેઠો હતો. તેણે 36 બોલનો સામનો કરતા 24 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગનો રોમાંચ
આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમે શોન માર્શ શાનદાર સદી (131) અને મેક્સવેલ (48)ની આક્રમક ઈનિંગની મદદથી 50 ઓવરમાં 9 વિકેટ પર 298 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે 299 રન બનાવવાના છે. માર્શે 123 બોલમાં 11 ફોર અને 3 સિક્સ ફટકારી, જ્યારે મેક્સવેલે 37 બોલનો સામનો કરતા 5 ફોર અને એક સિક્સ ફટકારી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે સૌથી વધુ 4 વિકેટ લીધી, જ્યારે શમીને ત્રણ સફળતા મળી હતી. જાડેજાને પણ એક વિકેટ મળી હતી. આ મેચમાં પર્દાપણ કરનાર મોહમ્મદ સિરાજ સૌથી મોંઘો સાહિત થયો હતો. તેણે 10 ઓવરમાં 76 રન આપ્યા, જ્યારે કુલદીપ યાદવે 10 ઓવરમાં 66 રન આપ્યા હતા. બંન્નેને એકપણ સફળતા ન મળી.
ભુવનેશ્વરે આપ્યો પ્રથમ ઝટકો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યજમાન ટીમની શરૂઆત ધીમી રહી હતી. ઓસ્ટ્રેલિયાના 7મી ઓવરના અંતિમ બોલ પર કેપ્ટનના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ભુવનેશ્વર કુમારે ફિન્ચને અંદર આવતા બોલ પર બોલ્ડ કરીને પેવેલિયન મોકલી આપ્યો હતો. તેણે 19 બોલમાં 6 રન બનાવ્યા હતા.
26 રન પર પડી બીજી વિકેટ
ઓસ્ટ્રેલિયાની ઈનિંગની આઠમી ઓવરમાં શમીએ એલેક્સ કેરીની આઉટ કરીને ઓસિને બીજો ઝટકો આપ્યો હતો. કેરીએ 27 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને શોન માર્શે બાજી સંભાળતા ટીમનો સ્કોર 50ને પાર પહોંચાડ્યો હતો. પરંતુ ઝડપથી રન લેવાના પ્રયાસમાં જાડેજાના શાનદાર થ્રો દ્વારા ખ્વાજા રનઆઉટ થયો હતો. તેણે 23 બોલમાં 21 રન બનાવ્યા હતા. ખ્વાજા અને માર્શ વચ્ચે ત્રીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી થઈ હતી.
ચોથી વિકેટના રૂપમાં હૈંડ્સકોમ્બ આઉટ થયો હતો. તે 20 રન બનાવી જાડેજાના બોલ પર ધોનીના હાથે સ્ટંપ્સ આઉટ થયો હતો. તેણે 22 બોલનો સામનો કરતા 2 બાઉન્ડ્રી ફટકારી હચી. તેના અને માર્શ વચ્ચે 52 રનની ભાગીદારી થઈ હતી. ત્યારબાદ માર્કસ સ્ટોઇનિસ અને શોન માર્શે 5મી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. આ પાર્ટનરશિપને શમીએ તોડી હતી. તેણે માર્કસ સ્ટોઇનિસને 29 રનના વ્યક્તિગત સ્કોર પર ધોનીના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. સ્ટોઇનિસે 36 બોલમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
ત્યારબાદ ધોની અને વિરાટે શાનદાર બેટિંગ કરીને ભારતનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. ભારતની ઈનિંગની 43મી ઓવરમાં વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 39મી સદી પૂરી કરી હતી.
શોન માર્શની સાતમી સદી
એક તરફ નિયમિત અંતરે વિકેટ પડતી રહી, તો બીજી તરફ શોન માર્શે શાનદાર રીતે ભારતીય બોલરોનો સામનો કર્યો હતો. તેણે 108 બોલમાં વનડે કરિયરની સાતમી સદી પૂરી કરી હતી. છેલ્લા 8 મેચોમાં આ તેની ચોથી સદી છે. નવા બેટ્સમેન મેક્સવેલે આ દરમિયાન માર્શનો સાથ આપ્યો અને છઠ્ઠી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરતા ટીમનો સ્કોર 250ને પાર પહોંચાડી દીધો હતો.
જ્યાં માર્શે સદી પૂરી કર્યા બાદ ઝડપ પકડી તો મેક્સવેલે આક્રમક બેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ માર્શ અને મેક્સવેલ 48મી ઓવરમાં આઉટ થઈ ગયા હતા. ભુવીએ મેક્સવેલને કાર્તિકના હાથે કેચઆઉટ કરાવ્યો તો માર્શ જાડેજાના હાથે કેચઆઉટ થયો હતો. મેક્સવેલે 37 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 48 રન બનાવ્યા હતા. માર્શે 123 બોલમાં 11 ફોર અને 3 સિક્સની મદદથી 131 રન બનાવ્યા હતા. ત્યારબાદ રિચર્ડસન 2 અને સિડલ 1 રન બનાવી આઉટ થયા હતા.
છેલ્લી ઓવરોમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને મોટો સ્કોર કરતા રોક્યું હતું. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ત્રણ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી હતી.
ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 45 રન આપીને ચાર તથા શમીએ 58 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તો એક સફળતા જાડેજાને મળી હતી. પર્દાપણ મેચમાં મોહમ્મદ સિરાજ મોંઘો સાબિત થયો અને 10 ઓવરમાં 76 રન આપ્યા હતા.
મહત્વનું છે કે, ભારત સિરીઝના પ્રથમ મેચમાં રોહિતની સદી છતાં 34 રનથી હારી ગયું હતું. ઓસ્ટ્રેલિયન ટીમ પાસે સિરીઝમાં 1-0ની લીડ છે. ભારતે સિરીઝ જાળવી રાખવા માટે કોઈપણ ભોગે જીત જરૂરી છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અંબાતી રાયડૂ, એમએસ ધોની, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયન ટીમઃ એરોન ફિન્ચ, એલેક્સ કેરી, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડ્સકોમ્બ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, નાથન લાયન, પિટર સીડલ, જુયો રિચર્ડસ્ન, જોસન બેહરનડ્રોફ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે