IND vs SL: ભારતનો ફાઈનલમાં પહોંચવાનો દરવાજો બંધ! શ્રીલંકા સામે 6 વિકેટે મળી હાર

એશિયા કપ 2022 (Asia Cup 2022) ના સુપર-4 મુકાબલામાં ભારતે પાકિસ્તાન બાદ શ્રીલંકા સામે પણ હારનો સામનો કરવો પડ્યો છે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં શ્રીલંકાએ ભારતને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ હાર સાથે ભારતની ફાઇનલમાં પહોંચવાની સંભાવના લગભગ સમાપ્ત થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે રોહિત શર્માની શાનદાર અડધી સદીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

IND vs SL: ભારતનો ફાઈનલમાં પહોંચવાનો દરવાજો બંધ! શ્રીલંકા સામે 6 વિકેટે મળી હાર

દુબઈઃ India vs Srilanka: એશિયા કપ 2022 (Asia Cup 2022) ના સુપર-4 મુકાબલામાં ભારતે પાકિસ્તાન બાદ શ્રીલંકા સામે પણ હારનો સામનો કરવો પડ્યો છે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં શ્રીલંકાએ ભારતને 6 વિકેટે પરાજય આપ્યો છે. આ હાર સાથે ભારતની ફાઇનલમાં પહોંચવાની સંભાવના લગભગ સમાપ્ત થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે રોહિત શર્માની શાનદાર અડધી સદીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

શ્રીલંકાની વિસ્ફોટક શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત સારી રહી હતી. પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે ભારતીય બોલરો પર હુમલો કર્યો હતો. પાવરપ્લેમાં શ્રીલંકાએ વિના વિકેટે 57 રન ફટકારી દીધા હતા. પાવરપ્લે બાદ પણ બંને બેટરોએ દરેક ઓવરમાં એક-એક બાઉન્ડ્રી ફટકારી હતી. 

ચહલે એક ઓવરમાં બે વિકેટ ઝડપી
એક સમયે ભારતીય ટીમ મુશ્કેલીમાં લાગી રહી હતી. ત્યારે શ્રીલંકાને પ્રથમ ઝટકો ચહલે આપ્યો હતો. શ્રીલંકાએ 97 રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. પથુમ નિસાંકા 37 બોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 52 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ચહલે એજ ઓવરમાં ચરિથ અસલંકાને શૂન્ય રને આઉટ કરી ભારતને બીજી સફળતા અરાવી હતી. 

કુસલ મેન્ડિસની અડધી સદી
શ્રીલંકાના બીજા ઓપનર કુસલ મેન્ડિસે પણ અડધી સદી ફટકારી હતી. કુસલ મેન્ડિસ 37 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 57 રન બનાવી આઉટ થયો હતો. મેન્ડિસને ચહલે LBW આઉટ કર્યો હતો. તો ડી ગુનાથિલાકા 7 બોલમાં માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. 

ભાનુકા અને શનાકાની વિજયી ભાગીદારી
સારી શરૂઆત બાદ શ્રીલંકાએ 110 રન પર ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ કેપ્ટન દાસુન શનાકા અને ભાનુકા રાજપક્ષેએ 34 બોલમાં 64 રનની ભાગીદારી કરી શ્રીલંકાને જીત અપાવી હતી. શનાકાએ 18 બોલમાં 4 ચોગ્ગા અને એક સિક્સ સાથે અણનમ 33 અને રાજપક્ષેએ 17 બોલમાં બે સિક્સ સાથે 25 રન બનાવ્યા હતા. ભારત તરફથી ચહલે ત્રણ અને અશ્વિને એક વિકેટ ઝડપી હતી. 

ભારતની ખરાબ શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતને બીજી ઓવરમાં કેએલ રાહુલ (6)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. રાહુલ તીક્ષણાની ઓવરમાં LBW આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી 4 બોલનો સામનો કરી શૂન્ય પર આઉટ થયો હતો. કોહલીને યુવા ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાએ બોલ્ડ કર્યો હતો. ભારતે પાવરપ્લેમાં 2 વિકેટે 44 રન બનાવ્યા હતા. 

રોહિત શર્માની શાનદાર અડધી સદી
શરૂઆતી ઝટકા બાદ કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. મીડલ ઓવરમાં રોહિત શર્માએ શ્રીલંકાના બોલરો પર વળતો હુમલો કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિત અને સૂર્યકુમારે ત્રીજી વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 41 બોલમાં 4 સિક્સ અને 5 ચોગ્ગા સાથે 72 રન બનાવી કરૂણારત્નેનો શિકાર બન્યો હતો. 

સૂર્યકુમાર યાદવ 29 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 34 રન બનાવી આઉટ થયો હતો. ટીમનો સ્કોર 149 રન હતો ત્યારે હાર્દિક પંડ્યા 13 બોલમાં 1 સિક્સ સાથે 17 રન બનાવી આઉટ થયો હતો. દીપક હુડ્ડા માત્ર 3 રન બનાવી બોલ્ડ થયો હતો. વિકેટકીપર રિષભ પંતે 13 બોલમાં 17 રન ફટકાર્યા હતા. પંત પણ મધુશંકાનો શિકાર બન્યો હતો. અંતમાં આર અશ્વિને 7 બોલમાં અણનમ 15 રન બનાવ્યા હતા. 

શ્રીલંકા તરફથી દિલશાન મધુશંકાએ 4 ઓવરમાં 24 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. આ સિવાય કરૂણારત્ને અને કેપ્ટન શનાકાને બે-બે વિકેટ મળી હતી. એક વિકેટ મહેશ તીક્ષણાને મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news