INDvsNZ: ગણતંત્ર દિવસ પર ટીમ ઈન્ડિયાનો ધમાકેદાર વિજય, કીવીને 90 રને હરાવ્યું

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે મેચમાં વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 324 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 234 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

 INDvsNZ: ગણતંત્ર દિવસ પર ટીમ ઈન્ડિયાનો ધમાકેદાર વિજય, કીવીને 90 રને હરાવ્યું

માઉન્ટ માઉનગેઈઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વનડે શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 90 રને પરાજય આપીને પાંચ મેચોની વનડે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 324 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 325 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 40.2 ઓવરમાં 234 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી 87 રન ફટકારનાર રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારત તરફથી કુલદીપ યાદવે 10 ઓવરમાં 45 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય ચહલ, ભુવીને બે-બે તથા શમી અને જાધવને એક-એક સફળતા મળી હતી. શ્રેણીની ત્રીજી વનડે આ મેદાન પર 28 જાન્યુઆરીએ રમાશે. 

325 રનના પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની પાંચમી ઓવરમાં માર્ટિન ગુપ્ટિલ (15) ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. ગુપ્ટિલે 16 બોલનો સામનો કરતા બે બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યારબાદ કેપ્ટન કેન વિલિયમસન મેદાનમાં આવ્યો હતો. તેણે આક્રમક શરૂઆત કરી હતી. શમીની ઓવરમાં બે સિક્સ અને એક બાઉન્ડ્રી ફટકારી હતી. પરંતુ તેજ ઓવરમાં શમીએ કેનને બોલ્ડ કરીને ટીમ ઈન્ડિયાને બીજી સફળતા અપાવી હતી. કેને 11 બોલમાં 20 રન ફટકાર્યા હતા. 

10 ઓવર બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ચહલને બોલ આપ્યો હતો. ઈનિંગની 15મી ઓવરમાં ચહલે મુનરોને LBW આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. ન્યૂઝીલેન્ડ 84ના સ્કોર પર પોતાની ત્રીજી વિકેટ ગુમાવી હતી. અનુભવી બેટ્મસેન રોસ ટેલર પણ કેદાર જાધવની બોલિંગમાં ધોની દ્વારા સ્ટપિંગ આઉટ થયો હતો. ત્યારે કીવીનો સ્કોર 100 રન હતો. 

ટેલર આઉટ થયા બાદ ટોમ લાથમ અને નિકોલ્સે પાંચમી વિકેટ માટે 36 રન જોડ્યા હતા. ટોમ લાથમ (34) કુલદીપનો શિકાર બન્યો હતો. તેણે 32 બોલમાં 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. કોલિન ડિ ગ્રાન્ડહોમ (3)ને પણ કુલદીપે પોતાનો શિકાર બનાવ્યો હતો. નિકોલ્સને પણ કુલદીપે શમીના હાથે કેચ કરાવીને કીવીને આઠમો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ઈશ સોઢી (0) રન પર કુલદીપનો શિકાર બન્યો હતો. એક સમયે કુલદીપ હેટ્રિક પર હતો પરંતુ ફર્ગ્યુસને હેટ્રિક ટાળી હતી. અંતમાં ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલે અડધી સદી ફટકારતા ન્યૂઝીલેન્ડની ટીમ 200થી વધુ રન બનાવવામાં સફળ રહી હતી. બ્રેસવેલ અને ફર્ગ્યુસને નવી વિકેટ માટે 68 રન જોડ્યા હતા. બ્રેસવેલ (57)ને ભુવનેશ્વરે આઉટ કર્યો હતો. તેણે 46 બોલમાં 5 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. અંતમાં ફર્ગ્યુસન (12)ને ચહલે આઉટ કરીને ભારતને ભવ્ય વિજય અપાવ્યો હતો. 

ભારતની ઈનિંગનો રોમાંચ
ભારત તરફતી રોહિત શર્મા અને શિખર ધવને ઈનિંગની શરૂઆત કરી હતી. બંન્નેએ 18 ઓવરમાં ભારતનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો. રોહિતે સિક્સ ફટકારીને 62 બોલમાં પોતાના કરિયરની 38મી અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ શિખર ધવને પણ ઈનિંગની 21મી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ માટે ધવને 53 બોલનો સામનો કર્યો હતો. આ ધવનના વનડે કરિયરની 27મી અડધી સદી છે. આ બંન્નેએ 25મી ઓવરમાં ભારતનો સ્કોર 150ને પાર પહોંચાડી દીધો હતો. ઈનિંગની 26મી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે ન્યૂઝીલેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. શિખર ધવન 66 રન બનાવી આઉટ થયો હતો. તેણે 67 બોલનો સામનો કરતા 9 ચોગ્ગા ફટકાર્યા હતા. 

ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો હતો. વિરાટ અને રોહિતે બીજી વિકેટ માટે 18 રન જોડ્યા હતા. ઈનિંગની 30મી ઓવરમાં રોહિત શર્માને લોકી ફર્ગ્યુસને ગ્રાન્ડહોમના હાથે કેચ કરાવીને કીવી ટીમને બીજી સફળતા અપાવી હતી. રોહિત 96 બોલમાં 87 રન બનાવી આઉટ થયો હતો. તેણે 9 ફોર અને ત્રણ સિક્સ ફટકારી હતી. ત્યારબાદ રાયડૂ અને કોહલીએ ભારતનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. 

કેપ્ટન વિરાટ કોહલી અને અંબાતી રાયડૂએ ત્રીજી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. વિરાટ કોહલી સતત બીજી મેચમાં અડધી સદી ચુકી ગયો હતો. તેને બોલ્ટે પોતાનો શિકાર બનાવ્યો હતો. વિરાટે 45 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. વિરાટ આઉટ થયા બાદ ધોની અને રાયડૂએ ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. ઈનિંગની 46મી ઓવરમાં અંબાતી રાયડૂ 49 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે 47 રન બનાવી આઉટ થયો હતો. અંતમાં મહેન્દ્ર સિંહ ધોની 33 બોલમાં પાંચ ફોર અને એક સિક્સ સાથે 48 રન બનાવી અણનમ રહ્યો હતો. તો કેદાર જાધવે 10 બોલમાં 22 રન ફટકાર્યા હતા.  

પ્રથમ વનડે 8 વિકેટે જીતીને ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. આ મેચમાં ભારતે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમમાં બે ફેરફાર થયા છે. સોઢી સેન્ટનરના સ્થાને આવ્યો છે, જ્યારે ગ્રાન્ડહોમે ટિમ સાઉથીની જગ્યા લીધી છે. 

— BCCI (@BCCI) January 26, 2019

ભારતઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અંબાતી રાયડૂ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, વિજય શંકર, કુલદીપ યાદવ, ચહલ, શમી, ભુવનેશ્વર કુમાર. 

ન્યૂઝીલેન્ડઃ કેન લિલિયમસન, માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, રોસ ટેલર, ટોમ લાથમ, હેનરી નિકોલ્સ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, ડગ બ્રાસવેલ, ટ્રેન્ટ બોલ્ટ, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news