T20 WC 2022: ભારત માટે 2011 તો પાક માટે 1992, આ વખતે વિશ્વકપમાં કોનો સંયોગ પડશે ભારે

ICC T20 World Cup 2022: એશિયાની બે ટીમો ભારત અને પાકિસ્તાન આઈસીસી ટી20 વિશ્વકપના સેમીફાઇનલમાં પહોંચી ચુકી છે. સેમીફાઇનલમાં ભારતની ટીમનો સામનો ઈંગ્લેન્ડ તો પાકિસ્તાનનો ન્યૂઝીલેન્ડ સામે થશે. પાકિસ્તાનની આ સફરમાં ભાગ્યનું કનેક્શન જોરદાર છે. 

T20 WC 2022: ભારત માટે 2011 તો પાક માટે 1992, આ વખતે વિશ્વકપમાં કોનો સંયોગ પડશે ભારે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની ટીમો ટી20 વિશ્વકપ 2022ના સેમીફાઇનલમાં પહોંચી ચુકી છે. સેમીફાઇનલમાં ભારતની ટીમનો સામનો ઈંગ્લેન્ડ તો પાકિસ્તાનનો ન્યૂઝીલેન્ડ સામે થશે. આમ તો પાકિસ્તાનને આ સફરમાં નસીબનો મોટો સાથ મળ્યો છે. તો પાકિસ્તાની ટીમના લચર પ્રદર્શનમાં પણ 1992 વનડે વિશ્વકપનો સંયોગ શોધવા લાગ્યા છે. બીજી તરફ ભારતીય ટીમનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે અને તેના સમર્થકો પણ સંયોગોમાં રસ દાખવી રહ્યાં છે. ભારતીય સમર્થક ટીમની સફરને 2011ના વનડે વિશ્વકપ સાથે જોડવા લાગ્યા છે. આખરે શું છે 1992 અને 2011નો સંયોગ... જુઓ.....

ભારતનો સંયોગ
સૌથી પહેલાં ભારતીય ટીમની વાત કરીએ. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા આ ટી20 વિશ્વકપમાં ભારતના મિશનની શરૂઆત પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર જીતથી થઈ હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાની મેચ સિવાય ભારતે અહીં દરેક મેચ જીતી છે. વાત કરીએ 2011ની તો તે વર્ષે વનડે વિશ્વકપમાં ભારતે આફ્રિકા સામે મેચ ગુમાવી હતી. આ વર્ષે ટી20 વિશ્વકપમાં પણ તે જોવા મળ્યું છે. ત્યારે પણ આફ્રિકા સામે હારીને ભારતે દરેક મેચ જીતી અને ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. હવે ભારતીય ફેન્સ તે સંયોગની વાત કરી રહ્યાં છે. આ સિવાય કેટલાક અન્ય રસપ્રદ સંયોગ પણ છે. 2011માં ભારતે પાકિસ્તાન અને નેધરલેન્ડને હરાવ્યું હતું, તો આ વર્ષે પણ બંને ટીમ સાથે ભારતે જીત મેળવી છે. આ સિવાય 2011ના વનડે વિશ્વકપમાં આયર્લેન્ડે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું અને 2022માં પણ આયર્લેન્ડે ઈંગ્લેન્ડને પરાજય આપ્યો છે. 

આવો છે પાકિસ્તાનનો સંયોગ
તો પાકિસ્તાન ક્રિકેટ પ્રશંસકો પાસે સંયોગોનું લાંબુ લિસ્ટ છે. તે પ્રમાણે 1992નો વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો અને આ વિશ્વકપ પણ ત્યાં રમાઈ રહ્યો છે. વર્ષ 1992માં પણ પાકિસ્તાનની ટીમ રાઉન્ડ રોબિન મેચમાં ભારત સામે હારી ગઈ હતી. આ વખતે પણ ભારત સામે પાકિસ્તાનનો પરાજય થયો હતો. આ સિવાય 1992ના વિશ્વકપમાં પાકિસ્તાનની ટીમે સૌથી ઓછા 9 પોઈન્ટ્સ સાથે સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ટી20 વિશ્વકપમાં પણ આ જોવા મળ્યું છે. સેમીફાઇનલમાં પહોંચનારી ચારેય ટીમોમાં સૌથી ઓછા 6 પોઈન્ટ પાકિસ્તાનના છે. કેટલાક ફેન્સનું કહેવું છે કે 1992ના કેપ્ટન ઇમરાન ખાનના નામના બધા આલ્ફાબેટ્સને ભેગા કરી 9 નંબર આવતો હતો, તો બાબર આઝમના નામના બધા આલ્ફાબેટ્સને ગણવા પર 9 આવે છે. આ સિવાય તે વર્ષે યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમ સેમીફાઇનલમાં પહોંચી નહોતી. આ વખતે પણ ઓસ્ટ્રેલિયાની ટીમ સેમીમાં નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને વિશ્વકપ 1992ના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું અને આ વખતે તેનો મુકાબલો કીવી ટીમ સામે છે. માત્ર એટલું જ નહીં પાકિસ્તાને ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, પરંતુ આ સંયોગ પર મહોર લગાવવા માટે હજુ ભારત અને ઈંગ્લેન્ડની મેચ રમાવાની બાકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news