IND vs ZIM: યશસ્વી-ગિલના વાવાઝોડામાં ઉડી ગયું ઝિમ્બાબ્વે, ભારતનો 10 વિકેટે વિજય

યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે 156 રનની ભાગીદારી કરી ભારતને ઝિમ્બાબ્વે સામે 10 વિકેટે જીત અપાવી છે. ભારતે આ જીત સાથે સિરીઝ પણ કબજે કરી છે. હવે બંને ટીમો વચ્ચે આવતીકાલે સિરીઝની છેલ્લી અને પાંચમી ટી20 મેચ રમાશે. 

IND vs ZIM: યશસ્વી-ગિલના વાવાઝોડામાં ઉડી ગયું ઝિમ્બાબ્વે, ભારતનો 10 વિકેટે વિજય

હરારેઃ ભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામે ચોથી ટી20 મેચમાં 10 વિકેટે શાનદાર જીત મેળવી છે. આ જીત સાથે ભારતે પાંચ મેચની સિરીઝમાં 3-1ની લીડ મેળવી લીધી છે. ભારત માટે યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન શુભમન ગિલે શાદનાર બેટિંગ કરી હતી. યજમાન ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 152 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 15.2 ઓવરમાં 156 રન બનાવી 10 વિકેટે જીત મેળવી હતી. 

ગિલ અને યશસ્વીની કમાલની બેટિંગ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે યશસ્વી જયસ્વાલે શરૂઆતથી આક્રમક બેટિંગ કરી હતી. બંને ખેલાડીઓએ પાવરપ્લેમાં 61 રન ફટકારી દીધા હતા. બંનેએ પોતપોતાની અડધી સદી પણ ફટકારી હતી. યશસ્વી જયસ્વાલ 53 બોલમાં 13 ચોગ્ગા અને બે સિક્સ સાથે 93 રન બનાવી અણનમ રહ્યો હતો. તો ગિલ 39 બોલમાં 6 ચોગ્ગા અને બે સિક્સ સાથે 58 રન બનાવી અણનમ રહ્યો હતો. 

ઝિમ્બાબ્વેને મળી શાનદાર શરૂઆત
ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસલી મધેવેરે અને તાદિવાનાશે મારૂમનીએ ઝિમ્બાબ્વેને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ 8 ઓવરમાં 58 રનની ભાગીદારી કરી હતી. પરંતુ નવમી ઓવરમાં અભિષેક શર્માએ પોતાના કરિયરની પ્રથમ વિકેટ લઈ મારૂમાનીને 32 રનના સ્કોર પર પેવેલિયન પરત મોકલ્યો હતો. ત્યારબાદ મધેવેરે પણ મોટો શોટ રમવાના ચક્કરમાં 25 રન બનાવી આઉટ થયો હતો. 

An unbeaten opening partnership between Captain Shubman Gill (58*) & Yashasvi Jaiswal (93*) seals the series for #TeamIndia with one match to go!

— BCCI (@BCCI) July 13, 2024

રઝા-માયર્સે ઈનિંગ સંભાળી
મિડલ ઓવરોમાં ઝિમ્બાબ્વે માટે સિકંદર રઝાએ એક છેડો સંભાળ્યો હતો. તેણે બ્રાયન બેનેટ સાથે 25 રનની ભાગીદારી કરી, પરંતુ ત્યારબાદ યજમાન ટીમનો ધબડકો થયો હતો. ટીમનો સ્કોર એક સમયે 2 વિકેટ પર 92 રન હતો, પરંતુ આગામી ચાર રનની અંદર ઝિમ્બાબ્વેએ બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સિકંદર રઝા અને ડિયોન માયર્સે 45 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન સિકંદર રઝા 28 બોલમાં 2 ચોગ્ગા અને ત્રણ સિક્સની મદદથી 46 રન બનાવી આઉટ થયો હતો. 

ડેથ ઓવરમાં ભારતની શાનદાર વાપસી
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાની વિકેટ પડ્યા બાદ કોઈ બેટર સારો સ્કોર કરી શક્યો નહીં. તુષાર દેશપાંડેએ રઝાને આઉટ કરી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ વિકેટ ઝડપી હતી. ઈનિંગના છેલ્લા નવ બોલમાં ભારતે ત્રણ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી ખલીલ અહમદને સૌથી વધુ 2 વિકેટ મળી હતી. તો તુષાર દેશપાંડે, વોશિંગટન સુંદર, અભિશેક શર્મા અને શિવમ દુબેને એક-એક સફળતા મળી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news