લો કરો વાત! સોલા પોલીસ સ્ટેશનમાંથી ભાગ્યો આરોપી, અધિકારીઓ ઉંઘતા ઝડપાયા!

સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવ બન્યો છે. 21 વર્ષીય મેહુલ નટવરભાઈ પરમાર નામના ગુનેગારની સોલા પોલીસે 10 જુલાઈએ અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી હતી અને 15 મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

લો કરો વાત! સોલા પોલીસ સ્ટેશનમાંથી ભાગ્યો આરોપી, અધિકારીઓ ઉંઘતા ઝડપાયા!

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી અપહરણ અને દુષ્કર્મના ગુનામાં સોલા પોલીસે ઝડપાયેલો આરોપી ફરાર થઇ જતા સોલા પોલીસ દોડતી થઇ ગઈ છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવ બન્યો છે. 21 વર્ષીય મેહુલ નટવરભાઈ પરમાર નામના ગુનેગારની સોલા પોલીસે 10 જુલાઈએ અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી હતી અને 15 મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપી સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હોય તેની તપાસ ચાલતી હતી. 

તે દરમિયાન શનિવારે વહેલી સવારે આઠ વાગે આસપાસ મેહુલ પરમાર લોકઅપમાં હતો અને તેણે પીએસઓ ને લોકઅપ ની અંદરનું ટોયલેટ બ્લોક થઈ ગયો હોવાનું જણાવતા ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ તેને લોકઅપમાંથી બહાર કાઢી પોલીસ કર્મીઓના ટોયલેટમાં કુદરતી આઝાદ માટે મોકલ્યો હતો. ત્યાં દસ મિનિટ સુધી તે બહાર ન આવતા પોલીસને શંકા જતા દરવાજો ખોલીને જોતા મેહુલ પરમાર બારીની ગ્રીલ તોડીને ફરાર થઈ ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું. 

ફરજ પર હાજર પોલીસકર્મીએ આ બનાવ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતા પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ગુનામાં ઝડપાયેલા આરોપી સામે ગત જુન મહિનામાં એક ગુનો નોંધાયો હતો. જેમાં તે સગીર વયની યુવતીને ભગાડીને લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે મામલે સોલા હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી વસ્ત્રાલ વિસ્તારમાં બાંધકામની સાઈટ ઉપર હોવાની માહિતીના આધારે ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બનતાની સાથે જ પોલીસે આરોપીને પકડવા અલગ-અલગ દિશામાં શોધખોળ હાથ ધરી છે.

મહત્વનું છે કે થોડાક સમય પહેલા ખાડિયાના કુખ્યાત મર્ડરનો આરોપી મોન્ટુ નામદારની પણ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાની ઘટના સામે આવી હતી. જોકે તે કેસમાં પોલીસકર્મીઓની સંડોવણી હોવાથી પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. પરંતુ આ કેસમાં પ્રાથમિક તપાસમાં ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓની બેદરકારી હોય તેવું સામે ન આવ્યું હતું. છતાં પણ સોલા પોલીસે આરોપી સામે વધુ એક ગુનો દાખલ કરી તેની અલગ અલગ ત્રણ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આરોપી પોલીસની ગીરફ્તમાં ક્યારે આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news