IND vs PAK: ભારત 266 રન બનાવી ઓલઆઉટ, ઈશાન કિશન અને હાર્દિકની શાનદાર ઈનિંગ, આફ્રિદીની 4 વિકેટ
Asia Cup 2023: એશિયા કપના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમ 266 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ખરાબ શરૂઆત બાદ ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ ટીમની ઈનિંગ સંભાળી હતી. આ બે સિવાય કોઈ ભારતીય બેટર મોટી ઈનિંગ રમી શક્યા નહીં.
Trending Photos
કેન્ડીઃ એશિયા કપ-2023ના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને જીતવા માટે 267 રનનો લક્ષ્ય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ભારતીય ટીમ 48.4 ઓવરમાં 266 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી હાર્દિક પંડ્યા (87) અને ઈશાન કિશન (82) એ અડધી સદી ફટકારી છે. જ્યારે પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય નસીમ શાહ અને હારિસ રઉફને ત્રણ-ત્રણ વિકેટ મળી હતી.
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 11 રન બનાવી શાહીન શાહ આફ્રિદીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શાહીને વિરાટ કોહલી (4) ને બોલ્ડ કરી ભારતને મોટો ઝટકો આપ્યો હતો. લાંબા સમય બાદ વાપસી કરી રહેલો શ્રેયસ અય્યર માત્ર 14 રન બનાવી આઉટ થયો હતો. શુભમન ગિલ 32 બોલમાં માત્ર 10 રન બનાવી રઉફનો શિકાર બન્યો હતો.
ઈશાન કિશન અને હાર્દિકે સંભાળી ઈનિંગ
એક સમયે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી અને માત્ર 66 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ ટીમને સંભાળી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરી હતી. ઈશાન કિશન 81 બોલમાં 9 ચોગ્ગા અને બે સિક્સ સાથે 82 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે હાર્દિક પંડ્યાએ 90 બોલમાં 7 ચોગ્ગા અને એક સિક્સ સાથે 97 રન બનાવ્યા હતા.
પાકિસ્તાનના ફાસ્ટ બોલર છવાયા
રવીન્દ્ર જાડેજા 14, શાર્દુલ ઠાકુર 3, કુલદીપ યાદવ 4 રન બનાવી આઉટ થયા હતા. જસપ્રીત બુમરાહે 16 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ 10 ઓવરમાં 2 મેડન સાથે 35 રન આપી ચાર વિકેટ લીધી હતી. આ સિવાય નસીમ શાહે 8.5 ઓવરમાં 36 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. જ્યારે હારિસ રઉફે 9 ઓવરમાં 58 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે