સમગ્ર દેશમાં PLI રોકાણમાં ગુજરાતનો દબદબો! સોલાર પીવી સેક્ટરમાં મેળવી અનોખી સિદ્ધિ
CRISIL રિપોર્ટમાં વિશ્લેષણ કરાયેલાં 9 ક્ષેત્રો હેઠળ, ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટકને અંદાજિત PLI CAPEX નો આશરે 72 ટકા લાભ મળશે. સોલાર પીવી સેક્ટરમાં ગુજરાતનો હિસ્સો દેશની કુલ પ્રતિબદ્ધ PLI એસેટ્સના 76% છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: દેશમાં સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી PLI (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ) યોજના સંબંધિત એક રિસર્ચ રિપોર્ટમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો પ્રકાશમાં આવી છે. CRISIL માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસ (MI&A) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના એક અહેવાલ પ્રમાણે PLI (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ) યોજના હેઠળ ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટક CAPEXના સૌથી મોટા હિસ્સેદાર હશે.
CRISIL એ પોતાના આ રિપોર્ટમાં 14 મુખ્ય ક્ષેત્રોમાંથી 9નું વિશ્લેષણ કર્યું છે. આ નવ મુખ્ય ક્ષેત્રોમાં ACC બેટરી, સોલાર પીવી, ટેક્સટાઈલ સેક્ટર, મોબાઈલ, ફૂડ પ્રોસેસિંગ, ટેલિકોમ્યુનિકેશન, ગુડ્સ, આઈટી હાર્ડવેર અને મેડિકલ ડિવાઈસ સેક્ટરનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં PLI (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ) યોજના હેઠળ સમગ્ર દેશમાં ₹2.8 લાખ કરોડનું રોકાણ આકર્ષિત થવાનો અંદાજ છે.
ગુજરાત ભારતમાં અત્યાર સુધીમાં થયેલા અંદાજિત PLI CAPEX ના 28% આકર્ષિત કરશે
CRISILના સંશોધન મુજબ, ભારતમાં અત્યારસુધીમાં થયેલા અંદાજિત PLI CAPEX ₹2.8 લાખ કરોડના 28% એટલે કે ₹36,000 કરોડથી વધુનું રોકાણ એકલા ગુજરાતમાં આકર્ષિત થવાનો અંદાજ છે. ગુજરાતમાં થનારા આ PLI રોકાણમાંથી ₹9,000 કરોડ એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (ACC) બેટરી સેક્ટર, ₹24,000 કરોડ સોલર PV સેક્ટર, ₹3,000 કરોડ ટેક્સટાઈલ સેક્ટર અને ₹500 કરોડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
જોકે, તમિલનાડુ આ કેટેગરીમાં પ્રથમ સ્થાને છે, જ્યાં કુલ PLI CAPEX ના એક તૃતીયાંશ એટલે કે ₹42,000 કરોડથી વધુ રોકાણ થવાનો અંદાજ છે. ગુજરાત 28% એટલે કે ₹36,000 કરોડથી વધુ અંદાજિત રોકાણ સાથે બીજા સ્થાને છે અને 11 ટકા એટલે કે ₹14,000 કરોડના અંદાજિત રોકાણ સાથે આ શ્રેણીમાં કર્ણાટક ત્રીજા સ્થાને છે. અન્ય તમામ ભારતીય રાજ્યો, એટલે કે કુલ 25 રાજ્યોની વાત કરવામાં આવે તો, આ રાજ્યોને આ 9 ક્ષેત્રોમાં PLI તરફથી ફક્ત 28 ટકા અથવા ₹36,000 કરોડનું અંદાજિત રોકાણ મળશે.
સોલાર પીવી ક્ષેત્રમાં અંદાજિત PLI CAPEXમાં ગુજરાતનો હિસ્સો 76% રહેવાનો અંદાજ
દેશમાં સોલાર પીવી સેક્ટરમાં થયેલા અંદાજિત PLI CAPEXમાં ગુજરાતનો હિસ્સો 76% એટલે કે ₹24,000 કરોડથી વધુ રહેવાનો અંદાજ છે, જ્યારે બાકીના 24 ટકા આંધ્ર પ્રદેશને મળવાનો અંદાજ છે. આ નવ ક્ષેત્રોમાં, ACC બેટરીમાં રોકાણ ક્ષમતાનો અંદાજ સૌથી વધુ છે, જે ₹52,000 કરોડ છે. આ અંદાજિત રોકાણ ક્ષમતાનો સૌથી વધુ લાભ તમિલનાડુને થઈ શકે છે, જે 67 ટકા એટલે કે ₹35,000 કરોડ છે, જ્યારે ગુજરાત અને કર્ણાટકને ACC બેટરી સેક્ટરમાં 17 ટકા એટલે કે લગભગ ₹9,000 કરોડ મળવાનો અંદાજ છે.
CRISIL MI&Aના ડાયરેક્ટર-રિસર્ચ હેતલ ગાંધીએ PLI યોજના પરના એમના રિસર્ચ રિપોર્ટમાં ગુજરાતના આંકડાઓ વિશે જણાવ્યું હતું કે, “અમારો અંદાજ છે કે ભારતમાં PLI યોજના અંતર્ગત CAPEX હાલમાં ₹2.8 લાખ કરોડ છે. તેમાંથી ₹1.4 લાખ કરોડ માટે લોકેશન પણ ફાઇનલ થઈ ચૂક્યા છે. તેમાંથી લગભગ 30% રોકાણ ગુજરાતમાં થવાની અપેક્ષા છે, અને ત્યારબાદ તમિલનાડુ અને કર્ણાટકમાં રોકાણ થવાની અપેક્ષા છે. મોટાભાગના PLI ક્ષેત્રોને વીજળીની વધુ આવશ્યકતા હશે, અને ગુજરાત છેલ્લા બે દાયકાઓથી એક એનર્જી સરપ્લસ રાજ્ય તરીકે પોતાની ઓળખ ધરાવે છે, એટલે ગુજરાત PLI ક્ષેત્રોના ઝડપી વિકાસમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, ઓછો વીજળી ખર્ચ, શ્રેષ્ઠ ઇન્ફ્રા લોજિસ્ટિક્સ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા, વગેરે કેટલાક મુખ્ય કારણો છે જેના લીધે PLI ક્ષેત્રોના લીડર્સે ગુજરાતને પસંદ કરવાનો નિર્ણય કર્યો છે.”
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વર્તમાન સમયની ઔદ્યોગિક માંગને અનુરૂપ સતત પોતાની નીતિઓ બનાવી રહ્યું છે અને તમામ પ્રકારના જરૂરી વહીવટી ફેરફારો પણ કરી રહ્યું છે. સાથેસાથે કંપનીઓને આકર્ષક પ્રોત્સાહનો પણ આપી રહ્યું છે. ઉપરોક્ત આંકડાઓ ભૂપેન્દ્ર પટેલની નીતિઓની સફળતા તરફ નિર્દેશ કરે છે. તેથી જ એમ કહી શકાય કે CRISIL ના આ રિપોર્ટ મુજબ કેન્દ્રની PLI યોજના હેઠળ રોકાણ હાંસલ કરવામાં ગુજરાત દેશના બાકી રાજ્યોની તુલનામાં ઘણું આગળ નીકળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે