IND vs ENG: ડે-નાઇટ ટેસ્ટમાં ભારત મજબૂત, ઈંગ્લેન્ડ 112 રન સામે ઈન્ડિયા 99/3

ENG vs IND 3rd test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે મજબૂત પકડ બનાવી લીધી છે. ઈંગ્લેન્ડને 112 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 3 વિકેટે 99 રન બનાવી લીધા છે.  

IND vs ENG: ડે-નાઇટ ટેસ્ટમાં ભારત મજબૂત, ઈંગ્લેન્ડ 112 રન સામે ઈન્ડિયા 99/3

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ (INDIA vs ENGLEND) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં શરૂ થયેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ત્રીજી ડે-નાઇટ ટેસ્ટમાં ભારતે મજબૂત શરૂઆત કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારતે પ્રથમ દિવસના અંતે 3 વિકેટે 99 રન બનાવી લીધા છે. દિવસના અંતે રોહિત શર્મા 57 અને રહાણે 1 રન બનાવી ક્રીઝ પર છે. ભારત હજુ ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગના સ્કોર કરતા 13 રન પાછળ છે. 

ભારતની ઈનિંગ
ઈંગ્લેન્ડની ટીમ 112 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારત માટે રોહિત શર્મા અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. બન્નેએ ધીમી પરંતુ મક્કમ શરૂઆત કરતા 33 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ જોફ્રા આર્ચરે ગિલ (11)ને કેચઆઉટ કરાવી ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. ચેતેશ્વર પૂજારા (0) રન બનાવી જેક લીચની ઓવરમાં LBW આઉટ થયો હતો. 

રોહિત શર્માની અડધી સદી
ભારત તરફથી રોહિત શર્માએ દમદાર બેટિંગ કરી હતી. રોહિતે 63 બોલમાં 8 ચોગ્ગા સાથે પોતાના 50 રન પૂરા કર્યા હતા. રોહિતના ટેસ્ટ કરિયરની આ 12મી અડધી સદી છે. રોહિતે વિરાટ કોહલી સાથે મળી ત્રીજી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 98 રન હતો ત્યારે વિરાટ કોહલી (27)ને જેક લીચે બોલ્ડ કરીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. 

ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ, ક્રાઉલીની અડધી સદી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં ઈશાંત શર્માએ ડોમિનિક સિબલીને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. સિબલી ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. ત્યારબાદ ઈંગ્લેન્ડને 27 રનના સ્કોર પર બીજો ઝટકો જોની બેયરસ્ટો (0)ના રૂપમાં લાગ્યો હતો. તેને અક્ષર પટેલે LBW આઉટ કર્યો હતો. 

ઝેક ક્રાઉલી અને કેપ્ટન જો રૂટે 47 રનની ભાગીદારી કરી ટીમને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો. બન્નેએ ટીમનો સ્કોર 74 રન પર પહોંચાડી દીધો હતો. ત્યારબાદ આર અશ્વિને જો રૂટ (17) ને LBW આઉટ કરી ભારતને મોટી સફળતા અપાવી હતી. ઈંગ્લેન્ડને ચોથો ઝટકો ઝેક ક્રાઉલીના રૂપમાં લાગ્યો હતો. ક્રાઉલીએ શાનદાર બેટિંગ કરતા 84 બોલમાં 10 ચોગ્ગા સાથે 53 રન બનાવ્યા હતા. 

ઈંગ્લેન્ડને ઓલી પોપ (1)ના રૂપમાં પાંચમો, બેન સ્ટોક્સ (6)ના રૂપમાં છઠ્ઠો અને જોફ્રા આર્ચર (11)ના રૂપમાં સાતમો ઝટકો લાગ્યો હતો. વિકેટકીપર બેન ફોકસ 12 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો હતો. આ સિવાય જેક લીચ 3 અને બ્રોડ 3 રન બનાવી આઉટ થયા હતા. 

અક્ષર પટેલની છ વિકેટ
અમદાવાદમાં પોતાના હોમગ્રાઉન્ડમાં રમી રહેલા અક્ષર પટેલે દમદાર પ્રદર્શન કરતા ટેસ્ટ કરિયરમાં બીજીવાર પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી. તેણે 21.4 ઓવરમાં 38 રન આપીને છ વિકેટ ઝડપી હતી. આ સિવાય આર અશ્વિને 16 ઓવરમાં 26 રન આપીને ત્રણ અને ઈશાંત શર્માએ એક વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news