જસપ્રીત બુમરાહનો જવાબ નહીં, વન-ડેમાં બન્યો નંબર વન બોલર, રેન્કિંગમાં બધાને પાછળ છોડ્યા
ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે ઓવલ વન-ડેમાં 6 વિકેટ ઝડપી. જ્યારે પેસર મોહમ્મદ શમીએ 3 વિકેટ ખેરવી. જેના કારણે વન-ડે રેન્કિંગમાં બંને બોલરને બમ્પર ફાયદો થયો છે.
Trending Photos
લંડન: ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ માટે સોનેરી દિવસ બનીને આવ્યો. કેમ કે બે વર્ષ પછી બુમરાહ વન-ડેમાં દુનિયાનો નંબર વન બોલર બની ગયો છે. આ મામલામાં તેણે બીજા બોલર્સને પાછળ છોડી દીધા છે. બુમરાહને આ ફાયદો ઈંગ્લેન્ડ સામે ઓવલ વન-ડેમાં શાનદાર પ્રદર્શન બદલ થયો છે.
ઈંગ્લેન્ડ સામે ઝડપી 6 વિકેટ:
જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે પહેલી વન-ડેમાં 7.2 ઓવરમાં 3 મેઈડન ઓવર સાથે માત્ર 19 રન આપ્યા હતા. અને ઈંગ્લેન્ડની ટીમની મહત્વની 6 વિકેટો ખેરવી હતી. જેમાં જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, લિયામ લિંવિગસ્ટોન, ડેવિડ વિલી અને બ્રેડન કાર્સેનો સમાવેશ થાય છે.
આઈસીસી રેન્કિંગમાં ફાયદો થયો:
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બુધવારે વન-ડે ખેલાડીઓના રેન્કિંગ જાહેર કર્યા. જેમાં જસપ્રીત બુમરાહ 718 પોઈન્ટની સાથે નંબર વન બોલર બની ગયો છે. ઈંગ્લેન્ડ સામે કરેલા શાનદાર પ્રદર્શનનો તેને બહુ મોટો ફાયદો થયો અને તે છઠ્ઠા નંબરથી પહેલા નંબર પર આવી ગયો.
2 વર્ષ પછી નંબર વન બોલર બન્યો:
જસપ્રીત બુમરાહ બે વર્ષ પછી ફરીથી ટોપ પર પહોંચ્યો છે. તેની પહેલાં તેણે ફેબ્રુઆરી 2020માં નંબર-1નો તાજ ગુમાવ્યો હતો. ત્યારે ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટે તેને નંબર વન પરથી હટાવ્યો હતો. તે સમયે બુમરાહ 730 દિવસ સુધી નંબર વન રહ્યો હતો. આ સિદ્ધિ મેળવનારો તે પહેલો ભારતીય છે. બુમરાહ ટી-20 ઈન્ટરનેશનલમાં પણ નંબર-1 બોલર રહી ચૂક્યો છે. જોકે તે આ રેન્કિંગમાં 28મા ક્રમે છે. ટેસ્ટમાં પણ બુમરાહ પોતાની કારકિર્દીના શ્રેષ્ઠ એટલે કે ત્રીજા નંબરે છે. બુમરાહ કપિલ દેવ પછી બીજો ભારતીય ઝડપી બોલર છે. જે વન-ડેમાં નંબર વન બન્યો છે. જો ઓવરઓલ વાત કરીએ તો બુમરાહ અને કપિલ દેવ સિવાય મનિંદર સિંહ, અનિલ કુંબલે અને રવીન્દ્ર જાડેજા પણ દુનિયાના નંબર વન બોલર રહી ચૂક્યા છે.
શમીને ફાયદો, જાડેજાને નુકસાન:
ઈંગ્લેન્ડ સામે ઓવલ વન-ડેમાં ઝડપી બોલર મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી. તેનો ફાયદો તેને રેન્કિંગમાં પણ થયો છે. શમીએ 4 ક્રમનો કૂદકો મારતાં હવે તે 23મા ક્રમે આવી ગયો છે. તે સિવાય સ્પિનર રવીન્દ્ર જાડેજાને 6 ક્રમનું નુકસાન થયું છે. હવે તે 40મા નંબરે પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે