U19 CWC: ભારતની યુવા ટીમે કર્યો કમાલ, રોમાંચક મેચમાં આફ્રિકાને હરાવી વિશ્વકપની ફાઈનલમાં કર્યો પ્રવેશ

IND vs SA: કેપ્ટન ઉદય સહારણ અને સચિન ધાસની દમદાર બેટિંગની મદદથી ભારતીય અન્ડર 19 ટીમે વિશ્વકપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું છે. 

U19 CWC: ભારતની યુવા ટીમે કર્યો કમાલ, રોમાંચક મેચમાં આફ્રિકાને હરાવી વિશ્વકપની ફાઈનલમાં કર્યો પ્રવેશ

નવી દિલ્હીઃ ભારતીય અન્ડર-19 ટીમે શાનદાર પ્રદર્શન કરતા સેમીફાઈનલમાં આફ્રિકાને હરાવી વિશ્વકપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમ અન્ડર-19 વિશ્વકપની સૌથી સફળ ટીમ છે અને પાંચ વખત ટ્રોફી જીતી છે. ભારતે સેમીફાઈનલમાં રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાને 2 વિકેટે હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 244 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 48.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

ઉદય સહારણ અને સચિન ધાસની શાનદાર બેટિંગ
ભારતીય ટીમ માટે કેપ્ટન ઉદય સહારણ અને સચિન ધાસે દમદાર બેટિંગ કરી હતી. બંનેએ શરૂઆતી ઝટકા બાદ પાંચમી વિકેટ માટે 171 રનની ભાગીદારી કરી ટીમની વાપસી કરાવી હતી. ટીમ ઈન્ડિયાએ એક સમયે માત્ર 32 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સચિન ધાસે 95 બોલમાં 11 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 96 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન ઉદય સહારણ 124 બોલમાં 6 ચોગ્ગા સાથે 81 રન બનાવી આઉટ થયો હતો. 

ભારતીય ટીમની ખરાબ શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગના પ્રથમ બોલ પર આદર્શ સિંહ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 8 રન હતો તો શાનદાર ફોર્મમાં રહેલો મુશીર ખાન 4 રન બનાવી આઉટ થયો હતો. અર્શિન કુલકર્ણી માત્ર 12 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે પ્રિયાંશુ મોલિયા પણ 5 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 32 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. 

બોલિંગમાં ગુજરાતી ખેલાડી છવાયો
ભારત તરફથી બોલિંગમાં વડોદરાના રાજ લિંબાણીએ 9 ઓવરમાં 60 રન આપી સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય મુશીર ખાનને બે સફળતા મળી હતી. જ્યારે નમન તિવારી અને સૌમ્ય પાન્ડેને એક-એક સફળતા મળી હતી. આફ્રિકા તરફથી પ્રિટોરિયસે સૌથી વધુ 76 રન ફટકાર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news