CWC 2019 Semi Final: ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી ઈંગ્લેન્ડ 1992 બાદ વિશ્વકપ ફાઇનલમાં

આઈસીસી વિશ્વકપની બીજી સેમિફાઇનલમાં બોલરોના દમદબાભેર દેખાવ બાદ બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનની મદદથી યજમાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

CWC 2019 Semi Final: ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી ઈંગ્લેન્ડ 1992 બાદ વિશ્વકપ ફાઇનલમાં

બર્મિંઘમ: આઈસીસી વિશ્વકપ-2019ની બીજી સેમિફાઇનલ મેચમાં ટાઇટલની પ્રબળ દાવેદાર યજમાન ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે પરાજય આપીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે 14 જુલાઈએ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ જંગ રમાશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 223 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 32.1 ઓવરમાં 2 વિકેટે 226 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેસન રોયે સૌથી વધુ 85 રન બનાવ્યા હતા. આ સાથે ઈંગ્લેન્ડ 1992 બાદ આઈસીસી વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને પ્રથમવાર હરાવવામાં સફળ રહ્યું છે. તો ઈંગ્લેન્ડ 1992 બાદ વિશ્વકપ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. તો ટૂર્નામેન્ટમાંથી ટેબલ ટોપ બે ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા બહાર થઈ ગયા છે. 

જેસન રોયની તોફાની બેટિંગ
ઈંગ્લેન્ડને ઓપનિંગ જોડી જેસન રોય તથા બેયરસ્ટોએ તોફાની શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 124 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને મિશેલ સ્ટાર્કે તોડી અને બેયરસ્ટોને 34 રન પર LBW આઉટ કર્યો હતો. જેસન રોય 85 રન બનાવી પેટ કમિન્સના બોલ પર આઉટ થયો હતો. તેણે 65 બોલનો સામનો કરતા 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. રોયનો નિર્ણય વિવાદાસ્પદ રહ્યો હતો કારણ કે કુમાર ધર્મસેનાએ કમિન્સને આઉટ આપ્યા બાદ ત્રીજા અમ્પાયરને નિર્ણય લેવા માટે ઇશારો કર્યો હતો. ઈંગ્લેન્ડ પાસે રિવ્યૂ નહતું અને તેથી તેને મદદ ન મળી શકી. જેસને અમ્પાયરના નિર્ણયનો વિરોધ કર્યો પરંતુ અંતે તેણે મેદાન છોડીને બહાર જવું પડ્યું હતું. ઇયોન મોર્ગન 45 અને જો રૂટ 49 રન બનાવી અણનમ રહ્યાં હતા. 

વિશ્વકપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમવાર પરાજય
ઓસ્ટ્રેલિયાની ટીમ આ પહેલા 1975, 1987, 1996, 1999, 2003, 2007 અને 2015ના વિશ્વકપના સેમિફાઇનલમાં પહોંચી હતી અને દર વખતે તે ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. તેનો સેમિફાઇનલમાં જીતનો રેકોર્ડ 100 ટકા હતો. પરંતુ આજે ઈંગ્લેન્ડે તેને પરાજય આપીને આ રેકોર્ડ પર બ્રેક લગાવી દીધી છે. આમ ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત વિશ્વ કપની સેમિફાઇનલ મેચમાં હાર્યું છે. 

ઓસ્ટ્રેલિયા વિશ્વ કપમાં 20 વર્ષ બાદ સેમિફાઇનલમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવ સ્મિથે 85 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદે 3-3 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વ કપ ઈતિહાસમાં 20 વર્ષ બાદ સેમિફાઇનલમાં ઓલઆઉટ થઈ છે. છેલ્લે 1999મા આફ્રિકા વિરુદ્ધ પૂરી ટીમ ઓલઆઉટ થઈ હતી. 

સ્મિથ અને કેરી વચ્ચે સદીની ભાગીદારી
સ્મિથે પોતાની  31મી અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી અડધી સદી ફટકારી હતી. તેણે એલેક્સ કેરીની સાથે ચોથી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી હતી. કેરીએ 46 રન બનાવ્યા હતા. સ્ટાર્કે 29 રનનું યોદગાન આપ્યું હતું. તેણે સ્મિથની સાથે આઠમી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. 

આર્ચરના બોલ પર ઈજાગ્રસ્ત થયો કેરી
કેરી આઠમી ઓવરના અંતિમ બોલ પર ઈજાગ્રસ્ત થયો હતો. આર્ચરનો શોર્ટ બોલ કેરીના જડબામાં લાગ્યો હતો. તેનું હેલમેટ હવામાં ઉડી ગયું હતું. કેરીએ મોઢા પર પટ્ટી લગાવી પરંતુ લોહી નિકળી રહ્યું હતું. ત્યારબાદ 12મી ઓવરમાં મોટી પટ્ટી બાંધવામાં આવી હતી. 

કેપ્ટન ફિન્ચ શૂન્ય પર આઉટ
કેપ્ટન ફિન્ચ બીજી ઓવરના પ્રથમ બોલ પર શૂન્ય રન બનાવી આઉટ થયો હચો. તેને જોફ્રા આર્ચરે LBW આઉટ કર્યો હતો. ફિન્ચ બાદ વોર્નર 9 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. વોક્સના બોલ પર બેયરસ્ટોએ તેનો કેચ લીધો હતો. પીટર હૈંડ્સકોમ્બ 4 રન બનાવી વોક્સની ઓવરમાં બોલ્ડ થયો હતો. 

સ્ટોઇનિસ બીજા બોલ પર આઉટ
માર્કસ સ્ટોઇનિસ પણ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલ (22)ને જોફ્રાએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. પેટ કમિન્સ (6)ને આદિલ રાશિદે આઉટ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news