IPL 2020: દેવદત્ત પડિક્કલે પર્દાપણ મેચમાં ફટકારી તોફાની અડધી સદી, RCB માટે બનાવ્યો રેકોર્ડ


હૈદરાબાદ વિરુદ્ધ 36 બોલમાં 8 ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારનાર દેવદત પડિક્કલે 140થી વધુની સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવ્યા હતા. 

 IPL 2020: દેવદત્ત પડિક્કલે પર્દાપણ મેચમાં ફટકારી તોફાની અડધી સદી,  RCB માટે બનાવ્યો રેકોર્ડ

નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોંઘી ટી20 લીગ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું મંચ હોય અને પર્દાપણ મેચમાં અડધી સદી, આ કોઈ સપનાથી ઓછું હશે નહીં. આ સપનું સાકાર થયું છે કેરલના યુવા ક્રિકેટર દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal)નું જેણે સોમવારે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) માટે પર્દાપણ કર્યું છે. પડિક્કલ માટે પર્દાપણ શાનદાર રહ્યું અને તેણે દમદાર ઈનિંગ રમી હતી. 

આઈપીએલ 2020ની ત્રીજી મેચમાં આરસીબીની સાથે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ હતી. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. તેવામાં આરસીબીએ ઓપનર તરીકે 20 વર્ષીય પડિક્કલને અનુભવી એરોન ફિન્ચ સાથે મોકલ્યો હતો. પડિક્કલે ટીમ મેનેજમેન્ટને નિરાશ ન થવા દીધું. માત્ર 36 બોલમાં દેવદતે પોતાની આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. આ સાથે તેણે ઘણા રેકોર્ડ આરસીબી માટે બનાવી લીધા છે. 

હૈદરાબાદ વિરુદ્ધ 36 બોલમાં 8 ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારનાર દેવદત પડિક્કલે 140થી વધુની સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવ્યા હતા. તે શંકરની ઓવરમાં આઉટ થયો હતો. પડિક્કલે આઉટ થતા પહેલાં 42 બોલમાં 56 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા સામેલ છે. અડધી સદી બાદ તેની સ્ટ્રાઇક રેટ ઘટી ગઈ હતી. તમે જાણીને ચોંકી જશો કે આઈપીએલમાં આરસીબી માટે પર્દાપણ કરતા તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. 

પડિક્કલે વર્ષ 2018મા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પર્દાપણ કર્યુ હતુ. પ્રથમ ઈનિંગમાં તે સાત રન બનાવી આઉટ થયો તો બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. મહારાષ્ટ્ર વિરુદ્ધ તે 77 રન બનાવી આઉટ થયો હતો. લિસ્ટ એ એટલે કે ઘરેલૂ વનડે ક્રિકેટમાં પાછલા વર્ષે તેણે ઝારખંડ સામે પર્દાપણ કરતા 53 રન બનાવ્યા હતા. તો હવે આઈપીએલમાં પર્દાપણ કરીનને 56 રન ફટકાર્યા છે. તે જ્યાં પ્રોફેશનલ ક્રિકેટમાં રમ્યો છે, પર્દાપણ મેચમાં જરૂર અડધી સદી ફટકારી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news