IND vs SL: આઈપીએલમાં સારા પ્રદર્શનનું મળ્યું ઈનામ, હવે ટીમ ઈન્ડિયામાં ધૂમ મચાવવા તૈયાર ચેતન સાકરિયા

ભાવનગરના યુવા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. આગામી મહિને શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમમાં ચેતન સાકરિયાને સામેલ કરવામાં આવ્યો છે. 

IND vs SL: આઈપીએલમાં સારા પ્રદર્શનનું મળ્યું ઈનામ, હવે ટીમ ઈન્ડિયામાં ધૂમ મચાવવા તૈયાર ચેતન સાકરિયા

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (bcci) એ આગામી મહિને શ્રીલંકા સામે વનડે અને ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસ માટે કુલ 20 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી ચોંકાવનારૂ નામ ભાવનગરના યુવા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાનું છે. ચેતન સાકરિયાએ આ વર્ષે પ્રથમ વખત આઈપીએલમાં પર્દાપણ કરનાર રાજસ્થાન રોયલ્સ વતી સારૂ પ્રદર્શન કર્યુ હતું, તેનું તેને ઈનામ મળ્યું છે. 

આઈપીએલમાં ચેતનનું પ્રદર્શન
ભાવનગરના યુવા બોલરે આઈપીએલ-2021ની 7 મેચમાં કુલ 7 વિકેટ પોતાના નામે કરી હતી. આ યુવા બોલરે પોતાના પ્રદર્શનથી અનેક લોકોને પ્રભાવિત કર્યા હતા. હવે ટીમ ઈન્ડિયામાં પણ તેની પસંદગી થઈ છે. ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ વતી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. ચેતને આઈપીએલના પર્દાપણ મેચમાં જ 31 રન આપી ત્રણ વિકેટ ગુમાવી હતી. રાજસ્થાને તેને ઓક્શનમાં 1.20 કરોડ રૂપિયા આપી ખરીદ્યો હતો. 

એક મહિના પહેલા થયું હતુ પિતાનું નિધન
ખુબ ગરીબ પરિવારમાંથી આવતા ચેતન સાકરિયાએ અનેક સંઘર્ષ બાદ ક્રિકેટમાં પોતાનું કરિયર બનાવ્યું હતું. 9 મેએ જ ચેતન સાકરિયાના પિતા કાનજીભાઈનું કોરોનાથી નિધન થયુ હતું. ચેતન આઈપીએલના પૈસાથી તેના પિતાની સારવાર કરાવવા ઈચ્છતો હતો. પરંતુ તે પહેલા જ પિતાનું નિધન થઈ ગયું હતું. 

ચેતને એક વર્ષમાં ભાઈ અને પિતાને ગુમાવ્યા 
જોકે, એક વર્ષમાં ક્રિકેટર ચેતન સાંકરિયાના પરિવાર પર આવેલું આ બીજુ મોટું સંકટ છે. 15 જાન્યુઆરીના રોજ ચેતન સાંકરિયાના નાના ભાઈ રાહુલનું અવસાન થયું હતું. તે સમયે ચેતન સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટ રમી રહ્યો હતો, જેની જાણ ચેતનને કરવામાં આવી ના હતી. પરંતુ તે જ્યારે ભાવનગર ઘરે પરત ફર્યો ત્યારે આ અંગેની જાણ થઇ હતી. ભાઈના અવસાનથી દુઃખનો માહોલ પરિવારમાં હતો. જેના બાદ ચેતનની આઈપીએલમાં પસંદગી થઈ હતી. પરંતુ આઈપીએલ શરૂ થયા બાદ જ તેના પિતા કોરોનાના સપડાયા હતા. તેથી તેણે આઈપીએલનો પગાર પણ પોતાના પરિવારને મોકલી  આપ્યો હતો. 

સંઘર્ષપૂર્ણ રહી છે ચેતનની સફર
ચેતન ૧૩ વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમતો અને ભાવનગરની સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબમાં નિયમિત કોચિંગ પણ લેતો હતો. સિનિયર ખેલાડીઓ પાસેથી કોચિંગ લઇ તેને ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ અને ત્યારબાદ રણજી ટ્રોફી, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી, વગરેમાં શાનદાર પ્રદર્શન કરી પસંદગીકારોની નજર પોતાના તરફ ખેંચી હતી. વર્ષ 2020 ની આઈપીએલમાં આરસીબીની ટીમનો નેટ બોલર હતો. તેણે ગ્લેન મેકગ્રાથ જેવા ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પાસેથી તાલીમ મેળવી પોતાની બોલિંગની ધાર તેજ કરી હતી અને જેના શાનદાર દેખાવનું ફળ તેને આ આઈપીએલમાં મળ્યું છે. 

શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમ
શિખર ધવન (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઇસ કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઈશાન કિશન, સંજૂ સેમસન, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહલ, કૃષ્ણપા ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news