આખરે તમામ ક્રિકેટરોના ડોપિંગ (NADA) ટેસ્ટ માટે રાજી થયું BCCI

ભારતીય ક્રિકેટ બોર્ડ વર્ષોથી ચાલી રહેલી તકરારને સમાપ્ત કરતા રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (નાડા)ની હેઠળ આવવા માટે તૈયાર થઈ ગયું છે. 

આખરે તમામ ક્રિકેટરોના ડોપિંગ (NADA) ટેસ્ટ માટે રાજી થયું BCCI

નવી દિલ્હીઃ વર્ષો સુધી હા-ના કર્યા બાદ અંતે ભારતીય ક્રિકેટ બોર્ડ રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (નાડા)ની હેઠળ આવવા તૈયાર થઈ ગયું છે. રમત સચિવ રાધેશ્યામ જુલાનિયાએ શુક્રવારે આ જાણકારી આપી છે. બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી સાથે શુક્રવારે મુલાકાત બાદ જુલાનિયાએ કહ્યું કે, બોર્ડે લેખિતમાં આપ્યું છે કે તે નાડાની ડોપિંગ વિરોધી નીતિનું પાલન કરશે. 

તેમણે કહ્યું, 'હવે તમામ ક્રિકેટરોનો ટેસ્ટ નાડા કરશે.' તેમણે કહ્યું, 'બીસીસીઆઈએ અમારી સામે ત્રણ મુદ્દા રાખ્યા, જેમાં ડોપ ટેસ્ટ કિટ્સની ગુણવત્તા, પેથોલોજીસ્ટની ક્ષમતા અને નમૂના એકત્રિત કરવાની પ્રક્રિયા સામેલ હતી.' તેમણે કહ્યું, અમે તેને ખાતરી આપી કે તેને તેની જરૂરીયાત મુજબ સુવિધાઓ આપવામાં આવશે, પરંતુ તેનો ચાર્જ લાગશે. બીસીસીઆઈ બીજાથી અલગ નથી. 

સીઈઓએ કર્યું સમર્થન
બીજી તરફ, બોર્ડના સીઈઓ રાહુલ જોહરીએ આ વાતને સમર્થન આપ્યું છે. તેમણે એએનઆઈને જણાવ્યું, હા, હવે બીસીસીઆઈ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADa)ની બેઠળ આવશે. બીસીસીઆઈ નાડાના તમામ નિયમોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. 

કેમ કરતું હતું બીસીસીઆઈ ઇનકાર
અત્યાર સુધી બીસીસીઆઈ નાડાની હેઠળ આવવા માટે ઇનકાર કરતું હતું. તેનો દાવો હતો કે તે સ્વતંત્ર એકમ છે, કોઈ રાષ્ટ્રીય રમત મહાસંઘ નહીં અને સરકાર પાસે ફંડ લેતું નથી. રમત મંત્રાલયે સતત કહ્યું કે, તેણે નાડાની અંતર્ગત આવવું પડશે. તેણે હાલમાં દક્ષિણ આફ્રિકા-એ અને મહિલા ટીમોના પ્રવાસની મંજૂરી રોકી દીધી હતી, જેથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બીસીસીઆઈ પર નાડાની હેઠળ આવવા માટે દબાવ વધશે અને થયું પણ તે રીતે. 

શું છે ડોપ? 
તે શક્તિ વધારનાર પદાર્થ જેને ખાવાથી કોઈપણ ખેલાડીની તાકાત એકદમ વધી જાય. આ શોર્ટકટના માધ્યમથી તે મેદાનમાં પોતાના વિરોધી ખેલાડીઓને પાછળ છોડી શકે છે. 

કેમ થાય છે ડોપિંગ?
કોઈપણ ખેલાડી લિક્વિડ ફોર્મમાં ઇંજેક્શનના માધ્યમથી કે પ્રતિબંધિત પાઉડર ખાઈને કે તેને પાણીમાં ઘોળીને લઈ શકે છે. તેને ખાવા-પીવાની વસ્તુમાં ભેળવીને પણ લઈ શકાય છે. 

શું હોય છે ડોપ ટેસ્ટ?
શક્તિ વધારનાર દવાઓના ઉપયોગને પકડવા માટે ડોપ ટેસ્ટ કરવામાં આવે છે. કોઈપણ ખેલાડીનો કોઈપણ સમયે ડોપ ટેસ્ટ કરવામાં આવી શકે છે. કોઈપણ ઈવેન્ટ પહેલા કે ટ્રેનિંગ કેમ્પ દરમિયાન ડોપ ટેસ્ટમાં ખેલાડીઓનું યૂરિન લેવામાં આવે છે. આ ટેસ્ટ નાડા (નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી) કે વાડા (વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી) તરફથી કરાવવામાં આવે છે. તેમાં ખેલાડીઓના યૂરિનને વાડા કે નાડાની ખાસ લેબમાં ટેસ્ટ કરવામાં આવે છે. નાડાની લેબ દિલ્હીમાં અને વાડાની લેબ્સ દુનિયામાં ઘણી જગ્યાઓ પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news