બાબર આઝમે વિરાટ કોહલી, હાશિમ અમલા, ડેવિડ વોર્નર બધાને પછાડ્યા, બનાવી નાંખ્યો આ વર્લ્ડ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા સામે લાહોર વન-ડેમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે 83 બોલમાં 114 રનની ઈનિંગ્સ રમતાં પોતાની ટીમને જીત અપાવી. આ સદીની સાથે બાબરે અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.

બાબર આઝમે વિરાટ કોહલી, હાશિમ અમલા, ડેવિડ વોર્નર બધાને પછાડ્યા, બનાવી નાંખ્યો આ વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્લી: પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ અત્યારે ફૂલ ફોર્મમાં છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝની બીજી વન-ડેમાં આક્રમક બેટિંગ રમતાં સદી ફટકારી અને પોતાની ટીમને જીત અપાવી. તેની સાથે જ ત્રણ વન-ડેની સિરીઝમાં બંને ટીમ 1-1ની બરોબરી પર આવી ગઈ છે. મેચમાં બાબર આઝમે 83 બોલમાં 114 રનની ઈનિંગ્સ રમતાં ટીમને જીત અપાવી. આ સદીની સાથે બાબરે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે સૌથી ઝડપી 83 ઈનિંગ્સમાં 15 વન-ડે સદી ફટકારનારો ક્રિકેટર બની ગયો છે.

બાબરે તોડ્યો અમલા, કોહલીનો રેકોર્ડ:
બાબરે આ મામલે ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, સાઉથ આફ્રિકાના હાશિમ અમલા અને ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધા છે. આ પહેલાં હાશિમ અમલા 86 ને કોહલીએ 106 વન-ડે ઈનિંગ્સમાં 15 સદી ફટકારી હતી. તેની સાથે જ બાબર 100થી ઓછી વન-ડે રમીને 15 સદી ફટકારનારો બીજો ક્રિકેટર બની ગયો છે.

સૌથી ઝડપી 15 વન-ડે સદી ફટકારવાનો રેકોર્ડ:
1. બાબર આઝમ, પાકિસ્તાન - 83 વન-ડે

2. હાશિમ અમલા, સાઉથ આફ્રિકા - 86 વન-ડે

3. વિરાટ કોહલી, ભારત - 106 વન-ડે

4. ડેવિડ વોર્નર, ઓસ્ટ્રેલિયા - 108 વન-ડે

5. શિખર ધવન, ભારત - 108 વન-ડે

કેપ્ટન તરીકે બનાવ્યો મોટો રેકોર્ડ:
બાબર આઝમે કેપ્ટન તરીકે ચોથી સદી ફટકારી છે. તે વન-ડેમાં સૌથી વધારે સદી ફટકારનારો પાકિસ્તાની કેપ્ટન બની ગયો છે. આ મામલામાં બાબરે અઝહર અલીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. તેણે કેપ્ટન તરીકે 3 સદી ફટકારી હતી. જ્યારે ઈન્ઝમામ ઉલ હક અને શાહિદ આફ્રિદીએ કેપ્ટન તરીકે 2-2 વન-ડે સદી ફટકારી હતી.

બાબરે મોહમ્મદ યૂસુફની બરોબરી કરી:
પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે વન-ડે ફોર્મેટમાં સૌથી વધુ 15 સદી ફટકારવાના મામલામાં પૂર્વ પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ યૂસુફની બરોબરી કરી લીધી છે. 16મી સદી ફટકારતાં જ બાબર યૂસુફને પાછળ છોડી દેશે અને બીજા નંબરે આવી જશે. પાકિસ્તાની ખેલાડીઓમાં સૌથી વધારે વન-ડે સદી ફટકારવાનો રેકોર્ડ સઈદ અનવરના નામે છે. જેણે 20 સદી ફટકારી હતી.

પાકિસ્તાને પોતાનો સૌથી મોટો ટારગેટ ચેઝ કર્યો:
લાહોર વન-ડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 8 વિકેટે 348 રનનો સ્કોર બનાવ્યો હતો. આ ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાનમાં અત્યાર સુધીનો સૌથી મોટો વન-ડે સ્કોર રહ્યો. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન બેન મેકડરમોટે પોતાની કારકિર્દીની પહેલી સદી ફટકારી. પોતાની ચોથી વન-ડે મેચ રમી રહેલા મેકડરમોટે 108 બોલમાં 10 ફોર અને 4 સિક્સની મદદથી 104 રનની ઈનિંગ્સ રમી. જવાબમાં પાકિસ્તાની ટીમે 49 ઓવરમાં 4 વિકેટે 349 રન બનાવીને જીત હાંસલ કરી. આ રીતે પાકિસ્તાને વન-ડેમાં અત્યાક સુધીનો પોતાનો સૌથી મોટો ટારગેટ ચેઝ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે 114 અને ઈમામ ઉલ હકે 106 રનની આક્રમક ઈનિંગ્સ રમી. બાબરે 83 બોલમાં 11 ફોર અને એક સિક્સ ફટકારી. જ્યારે ઈમામે 97 બોલનો સામનો કરતાં 6 ફોર અને 3 સિક્સ ફટકારી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news