INS A vs NZ A: ભારત-એનો ત્રીજી મેચમાં 5 રને પરાજય, સિરીઝ પણ ગુમાવી

ભારત-એ ટીમે અંતિમ નવ બોલમાં ચાર વિકેટ ગુમાવવાને કારણે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચમાં રવિવારે અહીં  ન્યૂઝીલેન્ડ એ સામે પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 
 

INS A vs NZ A: ભારત-એનો ત્રીજી મેચમાં 5 રને પરાજય, સિરીઝ પણ ગુમાવી

ક્રાઇસ્ટચર્ચઃ ભારત-એ ટીમે અંતિમ નવ બોલમાં ચાર વિકેટ ગુમાવવાને કારણે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચમાં રવિવારે અહીં  ન્યૂઝીલેન્ડ એ સામે પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને સિરીઝ જીતવા માટે 271 રનની જરૂર હતી. ભારત એને અંતિમ ઓવરમાં સાત રનની જરૂર હતી અને તેની બે વિકેટ બાકી હતી પરંતુ વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન (અણનમ 71)એ પ્રથમ બોલ રમ્યા બાદ બીજા બોલ પર એક રન લઈ લીધો હતો. 

તેનો આ નિર્ણય મોંઘો પડ્યો કારણ કે ફાસ્ટ બોલર કાઇલ જૈમીસન (49 રન આપી 4 વિકેટ)એ સંદીપ વોરિયર અને ઇશાન પોરેલને સતત બે બોલ પર આઉટ કરીને બે બોલ બાકી રહેતા ન્યૂઝીલેન્ડને જીત અપાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડ-એએ માર્ક ચેપમેનના અણનમ 110 રનની મદદથી પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટ પર 270 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 49.4 ઓવરમાં 265 રન બનાવી આઉટ થઈ ગઈ અને આ રીતે ન્યૂઝીલેન્ડ એએ ત્રણ મેચોની સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી. 

ભારત-એ ટીમે 49મી ઓવરમાં અક્ષય પટેલ (32) અને રાહુલ ચહર (0)ની વિકેટ ગુમાવી હતી. આ બંન્નેને સ્પિનર અજાજ પટેલે આઉટ કર્યાં હતા. આ રીતે ન્યૂઝીલેન્ડની ટીમ મહત્વપૂર્ણ સમયે સારી રમત દર્શાવવામાં સફળ રહી હતી. પૃથ્વી શો (55) અને રુતુરાજ ગાયકવાડે પ્રથમ વિકેટ માટે 79 રનની ભાગીદારી કરીને ભારતને સારી શરૂઆત અપાવી હતી. કેપ્ટન મયંક અગ્રવાલ (22) સારી શરૂઆતને મોટી ઈનિંગમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો હતો. 

આ સિવાય માત્ર કિશન અને અક્ષરે સંઘર્ષપૂર્ણ રીતે બોલરોનો સામનો કર્યો હતો. સૂર્યકુમાર યાદવ (5) અને વિજય શંકર (19) વધુ સમય સુધી ટકી ન શક્યા. ન્યૂઝીલેન્ડના સ્પિનરો અજાજ પટેલ (44 રન આપીને 3) અને રચિત રવિન્દ્રા (43 રન આપીને 2)એ ભારતના મધ્ય અને નિચલા ક્રમને નુકસાન પહોંચાડ્યું હતું. 

એક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 4 વિકેટ પર 68 અને છ વિકેટ પર 105 રન હતો પરંચુ ચેપમેન અને ટોડ એસ્ટલ (56)એ સાતમી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી જેથી કીવી ટીમ પડકારજનક સ્કોર બનાવવામાં સફળ રહી હતી. આ બંન્ને ટીમો વચ્ચે બે બિન સત્તાવાર ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે જે 30 જાન્યુઆરીથી ક્રાઇસ્ટચર્ચમાં શરૂ થશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news