Rathyatra 2023: ભક્તો કેમ આખું વર્ષ જોતા હોય છે મગ, કાકડી અને જાંબુના પ્રસાદની રાહ? જાણો કારણ

Jagannath Rathyatra Prasad: અષાઢી બીજના દિવસે ભારતભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. ત્યારે આજે વાત કરીશું ભગવાન જગન્નાથની રથયાત્રામાં આપવામાં આવતી પ્રસાદીની. ભગવાનને કઈ પ્રસાદી ગમે છે અને કંઈ પ્રસાદીથી ભક્તોનું સ્વાસ્થ્ય સારું રહે તેવી માન્યતા છે, તેના વિશે જાણીશું. આ વખતે રથયાત્રામાં ભક્તોને 3000 કિલોથી વધુ મગ, 700 કિલોથી વધુ જાંબુ-કેરી, 500 કિલોથી વધુ કાકડી, અઢી લાખથી વધારે ઉપર્ણનો પ્રસાદ આપવામાં આવશે.

Rathyatra 2023: ભક્તો કેમ આખું વર્ષ જોતા હોય છે મગ, કાકડી અને જાંબુના પ્રસાદની રાહ? જાણો કારણ

Rathyatra 2023: રથયાત્રા એટલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને લાડ લડાવવાનો અવસર. અને ભગવાનને લાડ લડાવવામાં ભક્તો કોઈ કસર નથી છોડતા. ભગવાન માટે 56 ભોગ તૈયાર કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ભગવાનને ખીચડી સૌથી પ્રિય છે? 56 ભોગ પહેલા પણ ભગવાનને ખીચડી ધરાવવામાં આવે છે. જેની પાછળ એક ખાસ કહાની છે. જેને લગતી તમામ માહિતી સાથે નો આર્ટિકલ ઝી24કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર તમે વાંચી શકશો. અહીં વાત કરીશું ભગવાનને અપાતા અન્ય પ્રસાદ વિશે. જીહાં. ખીચડી તો ભગવાનને પ્રિય છે, પણ શું તમે જાણો છો કે રથાયાત્રામાં મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ કેમ આપવામાં આવે છે? એની પાછળ છે ખાસ કારણ....

કહેવાય છેકે, વર્ષના 364 દિવસ ભક્તો ભગવાનના દર્શને જતા હોય છે, ભક્તો ભગવાનના દ્વારે જતા હોય છે. પણ વર્ષનો આ એક દિવસ એટલેકે, અષાઢી બીજનો દિવસ, રથયાત્રાનો દિવસ, આ દિવસે ખુબ ભગવાન સામે ચાલીને ભક્તોના દર્શન માટે નીકળી છે. એક પ્રકારે ભગવાન ભક્તોને દર્શન આપે છે અને પોતે પણ ભક્તોના દર્શન કરે છે. ભારતમાં મુખ્યત્વે બે જગ્યાએ સૌથી મોટી રથયાત્રા નીકળે છે. એક ઓડ઼િશાના જગન્નાથપુરીની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતના અમદાવાદ શહેરમાં વર્ષોથી પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની રથયાત્રા કાઢવામાં આવે છે. જગન્નાથ પુરી અને અમદાવાદમાં ખૂબ જ મોટી રથાયાત્રા નીકળે છે. આ સિવાય પણ દેશભરમાં અનેક સ્થળે નાની મોટી રથયાત્રા નીકળતી હોય છે.

રથયાત્રામાં પ્રસાદીનું છે વિશેષ મહત્ત્વઃ
ભગવાન જગન્નાથની રથયાત્રામાં પ્રસાદનું ખાસ મહત્વ હોય છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથની નગરયાત્રા એટલે કે રથયાત્રા દરમિયાન જાંબુ અને મગનો પ્રસાદ (Prasad) આપવામાં આવે છે. દર વર્ષે રથયાત્રા દરમિયાન હજારો કિલો મગ, કાકડી અને જાબુંનો પ્રસાદ વહેંચવામાં આવે છે. આ પ્રસાદનું એક આગવું મહત્વ છે. આની પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને ખાસ પ્રસાદ ચઢાવવામાં આવે છે. સાથે જ ભાઇ બલરામ અને બહેનને પણ ભોગ ચઢાવવામાં આવે છે. એવી પણ માન્યતા છેકે, જે પણ ભગવાન જગન્નાથની રથાયાત્રાના મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ ખાય છે તેનું સ્વાસ્થ્ય આખું વર્ષ સારું રહે છે. ભગવાનની પ્રસાદીને કારણે તે નિરોગી રહે છે.

આ વખતે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે. ત્યારે પ્રસાદીની વાત કરવામાં આવે તો, આ વખતે 3000 કિલોથી વધારે મગ, 700 કિલોથી વધારે જાંબુ-કેરી, 500 કિલોથી વધારે કાકડી, લગભગ અઢી લાખથી વધારે ઉપર્ણનો પ્રસાદ આપવામાં આવશે. દર વર્ષે આજ રીતે પ્રસાદીની પણ તૈયારી કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાનને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવે છે. એ સાથે જ ભગવાનને સૌથી પ્રિય એવી ખિચડીનો પ્રસાદ પણ ભગવાનને ધરાવાય છે. જોકે, અમદાવાદવાસીઓ જેટલી આતુરતાથી રથયાત્રાની રાહ જોતા હોય છે, એટલી જ આતુરતાથી તેના પ્રસાદની પણ રાહ જોતા હોય છે. તો એક સવાલ એ પણ છે કે, દર વર્ષે રથયાત્રા દરમિયાન મગ, જાંબુ અને કાકડીનો જ પ્રસાદ કેમ આપવામાં આવે છે.

ભક્તોને કેમ અપાય છે મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ?

મગ-
બીમાર વ્યક્તિને પણ ઊભા કરવાની તાકાત મગમાં હોય છે. મગ પ્રોટીનથી તો ભરપૂર હોય જ છે, સાથે-સાથે તેમાં વિટામિન એ, બી, ડી અને ઈ ની સાથે-સાથે ખનીજ તત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત રથયાત્રામાં ફણગાવેલા મગનો પ્રસાદ આપવામાં આવે છે. ફણગાવેલ મગ ખાવાથી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. રથયાત્રામાં ભક્તો રથ સાથે લગભગ 14 કિમીનું અંતર કાપતા હોવાથી તેમને વારંવાર ભૂખ નથી લાગતી તેમજ મગ તેમના શરીરમાં એનર્જી બૂસ્ટરનું કામ કરે છે.

કાકડી-
રથયાત્રા ચોમાસાની શરૂઆતમાં નીકળે છે, આ સમયે હવામાં ભેજ વધારે હોવાના કારણે પરસેવો બહું વળે છે, જેના કારણે રથયાત્રામાં ભાગ લેનાર લોકોને અશક્તિનો અનુભવ થઈ શકે છે. કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને અન્ય પોષકતત્વો હોવાના કારણે કાકડી ખાવાથી ડિહાઇડ્રેશન થવાની શક્યતા ઘટી જાય છે અને આખા દિવસ દરમિયાન તાજગીનો અનુભવ થાય છે.

જાંબુ-
જાંબુ ચોમાસાનું ફળ ગણાય છે અને રથયાત્રા પણ ચોમાસાની શરૂઆતમાં જ યોજાય છે. જાંબુમાં 80% ભાગ પાણી હોય છે, જેથી રથયાત્રામાં લાંબા સમય સુધી ચાલતાં ડિહાઈડ્રેશનની સમસ્યા નથી રહેતી. આ ઉપરાંત જાંબુમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જેથી ભેજવાળા ગરમ વાતાવરણમાં પણ શરીરમાં શક્તિનો સંચાર થાય છે. આ ઉપરાંત ચોમાસામાં વાઈરસજન્ય રોગોનું સંક્રમણ વધી જાય છે અને જાંબુના સેવનથી વાઈરસથી થતા રોગોમાં પણ શરીરને રક્ષણ મળે છે. તો પથરી અને કિડનીની સમસ્યાઓ પણ સૌથી વધારે ચોમાસામાં જ જોવા મળે છે અને આ ઋતુમાં જાંબુના સેવનથી કિડનીના દર્દીઓને ઘણો ફાયદો મળે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news