મોરારીબાપુના ચિત્રકુટ ધામમાં થઈ કલાકારોની વંદના, 13 કલાસાધકોને નવાજવામાં આવ્યા
Moraribapu Awards To Artists : હનુમાન જંયતીએ કથાકાર મોરારીબાપુ દ્વારા 13 કલાકારોને સન્માનિત કરાયા...
Trending Photos
Bhavngar News ભાવનગર : મોરારીબાપુના મહુવાના તલગાજરડા ચિત્રકૂટધામ ખાતે હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ કલા સાધકોને સન્માન એવોર્ડ અર્પણ કરાયા હતા. મોરારિબાપુ વર્ષોથી હનુમંત જન્મોત્સવ પ્રસંગે અલગ અલગ વિદ્યા સાધકોની વંદના કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે આ પ્રસંગે મોરારિબાપુના હસ્તે વિવિધ ક્ષેત્રના 13 કલાકાર મહાનુભાવોની સન્માન વંદના થઈ હતી. આ વર્ષે અભિનેતા જેકી શ્રોફને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે, મારી દૃષ્ટિએ કોઈપણ કલાકાર એ માત્ર કલાકાર નહિ તે વિદ્યાના સાધક છે. તેઓએ હનુમાનજીના વિવિધ સ્વરૂપોનો ઉલ્લેખ કરી પોતે કોઈ પદ નહિ, પાદુકાના ઉપાસક હોવાનું જણાવ્યું હતું. આ સન્માન સમારોહમાં ચિત્રકૂટધામ ખાતે હનુમાનજીની આરતી વંદના સાથે સુંદરકાંડ પાઠ યોજાયા હતા.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે કથાકાર મોરારીબાપુ દ્વારા હનુમંત એવોર્ડ આપવામા આવે છે. જેમાં કલા ક્ષેત્રના લોકોને નવાજવામાં આવે છે. આ એવોર્ડમાં રંગભૂમિ હોય કે પછી નાટક કે પછી ફિલ્મ ક્ષેત્રે, ટીવી સીરીયલ તેમજ તમામ પ્રકારના વાદકોને એવોર્ડ આપવામાં આવે છે.
જેકી શ્રોફને ન્દી ચિત્રપટ નટરાજ સન્માન
સંજય ઓઝાને અવિનાશ વ્યાસ સન્માન
વૃંદાવન સોલંકીને કૈલાસ લલિતકલા સન્માન
અજીત ઠાકોરને વાચસ્પતિ સંસ્કૃત સન્માન
નિરંજના વોરાને ભામતી સંસ્કૃત સન્માન
સ્વર્ગસ્થ કિશનભાઈ ગોરડિયાને સદ્દભાવના સન્માન
ચંપકભાઈ ગોડિયાને ભવાઈ નટરાજ સન્માન
અમિત દિવેટિયાને ગુજરાતી રંગમંચ નાટક નટરાજ સન્માન
સુનીલ લહેરીને હિન્દી શ્રેણી નટરાજ સન્માન
વિદુષી રમા વૈદ્યનાથનને ભરતનાટ્યમ નૃત્ય હનુમંત સન્માન
ઉસ્તાદ ફઝલ કુરેશીને તબલાં તાલવાદ્ય હનુમંત સન્માન
પંડિત રાહુલ શર્માને સંતુર શાસ્ત્રીય વાદ્યસંગીત હનુમંત સન્માન
પંડિત ઉદય ભવાલકરને શાસ્ત્રીય ગાયન હનુમંત સન્માન
આ તમામ કલાકારોને આ વર્ષે હનુમાન જયંતી પર સન્માનિત કરાયા હતા. આ સમારોહમાં વિદુષી રમા વૈદ્યનાથન દ્વારા ભરતનાટ્યમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તો હનુમંત જન્મોત્સવ અને સંગીત તથા સન્માન સમારોહમાં વિવિધ ક્ષેત્રના કલાકાર વિદ્વાનો અને મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે