Photos: સાઈબેરિયા, યુરોપ, મોંગોલિયાથી આવ્યા ‘આ’ વિદેશી મહેમાનો, ચાર મહિના ગુજરાતમાં રોકાશે

 શિયાળાની શરૂઆત થતાં જ ગીર સોમનાથ જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતા પક્ષી પ્રેમીઓમાં આનંદ છવાયો છે. ગીર સોમનાથ જિલ્લા સોડવ, ઝાલાનાં, વડોદરા અને બરડા બંધારો અને દીવ પાસે અહેમદપુર માંડવી વિદેશી પક્ષીઓનું આશિયાનું બન્યું છે.

રજની કોટેચા/ઉના : શિયાળાની શરૂઆત થતાં જ ગીર સોમનાથ જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતા પક્ષી પ્રેમીઓમાં આનંદ છવાયો છે. ગીર સોમનાથ જિલ્લા સોડવ, ઝાલાનાં, વડોદરા અને બરડા બંધારો અને દીવ પાસે અહેમદપુર માંડવી વિદેશી પક્ષીઓનું આશિયાનું બન્યું છે.

1/7
image

દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાનાં દરિયા કાંઠે આવી પહોંચ્યા છે. ખાસ કરીને કોડીનાર અને દીવ નજીકના સોડવ બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે. હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યાં છે. 

2/7
image

આ વર્ષે અંદાજે 60 પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે. સાઈબેરિયા અને મધ્ય યુરોપના મોંગોલિયા સહિતના દેશોમાંથી આવેલા પક્ષીઓ અહી ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે તેવું પક્ષીપ્રેમ દિનેશગીરી ગોસ્વામીએ જણાવ્યુ હતું.

3/7
image

દર વર્ષે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓની અંદાજે 60 પ્રજાતિ અહી વેકેશન ગાળવા માટે આવે છે. જેમાં પેલિકન, ફ્લેમિંગો, કુંજ, કોમન ક્રુ અને સોલવર સહિતની અલગ અલગ પ્રજાતિનાં પક્ષિઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિદેશથી આવનારી કુંજ ગુજરાતમાં થતી મગફળીના પાક લણવા સમયે આવે છે. તેમજ પેલિકન અને ફ્લેમિન્ગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓનો શિકાર કરી આનંદ લૂંટે છે.

4/7
image

હજારોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓ આવે છે. ત્યારે પક્ષી પ્રેમીઓની માંગ છે કે લોકો દૂર દૂરથી અહી સિંહ દર્શન માટે આવે છે, ત્યારે આ વિસ્તારમાં પક્ષી અભ્યારણ પણ બને તો એક પર્યટન સ્થળ વધુ વિકસિત થશે.

5/7
image

આમ જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લાનાં મોટા ભાગે તળાવ અને દરિયા કિનારે વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. આવા મુખ્ય વિસ્તારને સરકાર વિકસિત કરે તેવી પક્ષીપ્રેમીઓમાં માંગ ઉઠી છે. આ યાયાવર પક્ષીઓ હજારો માઇલનું અંતર કાપી અહીં શિયાળો ગાળવા આવે છે. સાઈબેરિયામાં આ સમયે તમામ નદીઓ અને તળાવ બરફમાં ફેરવાઈ જતા હોય અને ત્યાં ઠંડીનો પારો માઈનસમાં જતો હોય છે, જેથી આ પક્ષીઓ શિયાળામાં ભારતમાં આવે છે. 

6/7
image

આ પક્ષીઓ ચાર માસના રોકાણ દરમિયાન પોતાના માળા બનાવી ઈંડા પણ મૂકે છે. કેટલાક પક્ષીઓ ગીર સોમનાથનાં આ વેટલેન્ડને પોતાનું કાયમી વતન બનાવી બારેમાસ વસવાટ પણ કરે છે. આ વખતે ગુજરાતમાં ચોમાસુ નબળું રહ્યું છે. તો સામે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ સારો થતા ગીર સોમનાથનાં તમામ તળાવો અને બંધારાઓ પાણીથી ભરેલા છે. 

7/7
image

નળ સરોવરમાં આ વખતે પૂરતું પાણી ન હોવાને કારણે આ યાયાવર પક્ષીઓએ ગીર સોમનાથ જિલ્લાની વાટ પકડી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાનાં આ બંધારાઓને પક્ષી અભ્યારણ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ પક્ષી પ્રેમીઓ કરી રહ્યા છે. સાથે સી ઝેડ જાહેર કર્યા બાદ પણ અહેમદપુર નજીક કુદરતી બનેલ તળાવમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યા છે, તે પંખી માટે ખતરાની ઘંટી છે. ત્યારે આ બાંધકામોને બંધ કરવા હાઇકોર્ટમાં પણ નેચર પ્રેમી પહોંચ્યા છે.