આઈપીએલ 2019: 3 ભારતીય ખેલાડીઓ જેના માટે સિઝન બની શકે છે છેલ્લી

આઈપીએલની 12મી સિઝનમાં હવે ચાર મહિનાથી ઓછો સમય બાકી છે અને થોડા સમય પહેલા ઘણી ટીમોએ ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. કેટલાક ખેલાડીઓ રિલીઝ થયા તો કેટલાક ટીમ સાથે જોડાયેલા છે

હવે આગામી દિવસોમાં હરાજી થવાની છે, ત્યારે જોવાનું રહેશે કે, કઈ ફ્રેન્ચાઇઝી આ રિલીઝ ખેલાડીઓને પોતાની  ટીમમાં સામેલ કરે છે. આઈપીએલ હરાજી 2018માં વિભિન્ન ટીમોએ ઘણા અનુભવી ભારતીય ક્રિકેટરોને ખરીદ્યા  હતા. તેમાંથી કેટલાકે સારૂ પ્રદર્શન કર્યું  તો કેટલાક ખેલાડીઓને નિરાશ કર્યા હતા. તેવામાં આવનારી સિઝન  આઈપીએલ ટીમનું પ્રતિનિધિત્વ કરનારા કેટલાક અનુભવી ભારતીય ખેલાડીઓની અંતિમ સિઝન હોય શકે છે.  તેવામાં 3 અનુભવી ખેલાડીઓ પર નજર કરીએ જે લગભગ 2019માં પોતાની છેલ્લી આઈપીએલ સિઝન હોય. 

યુવરાજ સિંહ

1/3
image

યુવરાજ સિંહ વર્તમાનમાં પોતાના કરિયરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં તે નેશનલ  ટીમમાં પણ નથી અને આ સાથે કિંગ્સૃ11 પંજાબે પણ તેને રિલીઝ કરી દીધો છે. આ વર્ષે તેની આઈપીએલની  સિઝન ખરાબ રહી હતી. તેણે 6 મેચમાં માત્ર 65 રન બનાવ્યા હતા. તેની એવરેજ પણ માત્ર 10.83ની રહી હતી.  ખરાબ ફોર્મને કારણે તેણે ઘણા મેચમાં બહાર પણ બેસવુ પડ્યું હતું. 

આ વખતે યુવરાજ સિંહનું નામ હરાજીમાં જશે અને તે જોવાનું રહેશે કે તેને કોઈ ખરીદદાર મળે છે કે નહીં. આ સાથે ઉંમર અને ફિટનેસની સાથે-સાથે યુવરાજે આવનારી સિઝનમાં સારૂ પ્રદર્શન કરવાની જરૂર રહેશે કારણ કે, આ સિઝન તેના ક્રિકેટર કરિયરનું ભાગ્ય નક્કી કરશે.   

ગૌતમ ગંભીર

2/3
image

ગૌતમ ગંભીરને શાનદાર ટી-20 ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. ગંભીરે આઈપીએલમાં બેટ્સમેન અને કેપ્ટન તરીકે મોટી સફળતાઓ હાસિલ કરી છે. 2011મા કોલકત્તા નાઇટ રાઇડર્સમાં ગયા પહેલા તે દિલ્હીનો ઓપનિંગ બેટ્સમેન હતો અને તે દિલ્હી તરફથી 2008-2010 સુધી રમ્યો હતો. 

ગંભીરે 2011થી 2017 સુધી કોલકત્તા નાઇટ રાઇડર્સનું નેતૃત્વ કર્યું અને બે વખત આઈપીએલનું ટાઇટલ (2012-2014) જીત્યું. આઈપીએલ 2018ની હરાજીમાં ગંભીરને દિલ્હીએ ખરીદ્યો હતો. તે આગામી સિઝન માટે હરાજીમાં મોટા અનુભવ સાથે જશે અને તે જોવાનું રહ્યું કે, આ અનુભવી ખેલાડીને કોણ ખરીદે છે. કે આઈપીએલ 2019માં તેને કોઈ ખરીદદાર નહીં મળે. તેવામાં આ સિઝન તેની અંતિમ સિઝન બની રહેશે.   

હરભજન સિંહ

3/3
image

આઈપીએલની શરૂઆત બાદ હરભજન સિંહ મુંબઈ ઈન્ડિયન્સના શાનદાર ખેલાડીઓમાંથી એક હતો. આ ઓફ સ્પિનરે આઈપીએલની તમામ સિઝનમાં 134 વિકેટ ઝડપી છે અને તે એક મેચ વિનર રહ્યો છે. આઈપીએલ 2017માં હરભજને મુંબઈ માટે 11 મેચમાં માત્ર 8 વિકેટ ઝડપી હતી, જે ખૂબ નિરાશાજનક પ્રદર્શન હતું. 

તે આઈપીએલની ગત સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે હરભજન ફ્રન્ટ લાઇન સ્પિનર હતો. ચેન્નઈ સુપર કિંગ્સ માટે 12 આઈપીએલ મેચોમાં હરભજને 38.37ની એવરેજથી માત્ર 7 વિકેટ ઝડપી હતી. આ બોલરને ચેન્નઈએ તેની ટીમમાં યથાવત રાખ્યો છે. 

પરંતુ અનુભવી ખેલાડી માટે આ ડૂ-ઓર-ડાઈ સિઝન હશે, કારણ કે એક ખરાબ સિઝન તેને ઈન્ડિય પ્રીમિયર લીગમાંથી હંમેશા માટે બહાર કરી શકે છે.