ગૌતમ અદાણી ખરીદશે આ સિમેન્ટ કંપની! વાત વહેતી થયા બાદ વધી ગયા આ શેરના ભાવ
Orient Cement Ltd Share Price: ફરી એકવાર અદાણી ગ્રૂપનું નામ ચર્ચામાં આવ્યું છે. આ વખતે અદાણી ગ્રૂપની એક કંપનીના શેરના ભાવ ફરી આસમાને પહોંચ્યા છે. અદાણી ગ્રુપ સિમેન્ટ બિઝનેસનો વ્યાપ વધારવા પર સતત કામ કરી રહ્યું છે. તાજેતરમાં, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે જર્મનીની હાઇડલબર્ગ મટિરિયલ્સ ખરીદવાની રેસમાં ત્રણ દિગ્ગજો સામેલ છે. જો કે આ ડીલ અંગે અદાણી ગ્રુપ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
નવીનતમ અપડેટમાં, ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સીકે બિરલાએ ઓરિએન્ટ સિમેન્ટમાં તેનો પ્રમોટર હિસ્સો વેચવા માટે ગૌતમ અદાણીનો સંપર્ક કર્યો છે. આ પછી ઓરિએન્ટ સિમેન્ટના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ગૌતમ અદાણીની કંપનીના શેર ખરીદવાની અફવા બાદ ઓરિએન્ટ સિમેન્ટના શેર 52 સપ્તાહના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.
મંગળવારે આ શેર રૂ. 189.30ના સ્તરે બંધ થયો હતો. પરંતુ બુધવારે સવારે તે લગભગ 6 રૂપિયાના વધારા સાથે 195 રૂપિયા પર ખુલ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન શેર રૂ. 216.35ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, આ પછી પ્રોફિટ બુકિંગને કારણે શેર થોડો નીચે આવ્યો હતો અને બપોરે 12 વાગ્યાની આસપાસ રૂ. 209ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
ETએ દાવો કર્યો હતો કે સીકે બિરલાએ અન્ય સ્થાનિક ખેલાડીઓની પ્રારંભિક ઓફરોને નકારી કાઢ્યા બાદ ગૌતમ અદાણીનો સંપર્ક કર્યો હતો. અહેવાલ મુજબ, અદાણી જૂથ માટે સંભવિત સોદા અંગે ચર્ચા કરવા માટે બંને પક્ષોના વરિષ્ઠ મેનેજમેન્ટે બેઠક કરી છે.
તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપ પહેલાથી જ દેશમાં બીજા નંબરનું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક છે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝના તાજેતરના સંપાદન પછી, તેમની કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વધીને 110 MTPA થઈ ગઈ છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી અદાણી સાથે સીકે બિરલાની વાતચીત ચાલી રહી હતી. ટ્રેન્ડલાઈન ડેટા અનુસાર, સપ્ટેમ્બર 2023 ક્વાર્ટર સુધી, પ્રમોટરે કંપનીમાં લગભગ 37.9% હિસ્સો રાખ્યો હતો.
Trending Photos