NEET UG: નીટ પેપર લીક ફક્ત પટણા-હજારીબાગ પુરતું સીમિત, વ્યવસ્થાગત ખામી નથી-સુપ્રીમ કોર્ટ
NEET UG Exam: નીટ યુજીમાં પેપર લીકના આરોપો બાદ પણ સુપ્રીમ કોર્ટે આખરે પરીક્ષા રદ કેમ ન કરી? જેના પર સુપ્રીમ કોર્ટે વિસ્તારપૂર્વક આજે જણાવ્યું. કોર્ટે કહ્યું કે આ મામલે કોઈ વ્યવસ્થાગત ખામી જણાઈ નથી
Trending Photos
નીટ યુજીમાં પેપર લીકના આરોપો બાદ પણ સુપ્રીમ કોર્ટે આખરે પરીક્ષા રદ કેમ ન કરી? જેના પર સુપ્રીમ કોર્ટે વિસ્તારપૂર્વક આજે જણાવ્યું. કોર્ટે કહ્યું કે આ મામલે કોઈ વ્યવસ્થાગત ખામી જણાઈ નથી. આવામાં તેને રદ કરવાથી એ લાખો વિદ્યાર્થીઓના હિત જોખમાઈ જાત જેમણે પરીક્ષા આપી હતી. આ ઉપરાંત પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓના મનોબળ ઉપર પણ વિપરિત અસર પડત.
કોર્ટે કહ્યું કે સમગ્ર તપાસથી જાણવા મળે છે કે પેપર લીક પટણા અને હજારીબાગ સુધી જ સિમિત હતું. જેવા દાવા થઈ રહ્યા હતા તેવી તેની વ્યાપક અસર નહતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે અમારા ચુકાદામાં એનટીએની તમામ ખામીઓ પર વાત કરી છે. અમે વિદ્યાર્થી હિતમાં એનટીએની ખામીઓને નજરઅંદાજ કરી શકીએ નહીં. બેન્ચે કહ્યું કે કેન્દ્ર સરકારે નીટ પરીક્ષાની તમામ ખામીઓ આ વર્ષે દૂર કરવી જોઈએ જેથી કરીને આવું ફરીથી ન થાય. આ સાથે જ કોર્ટે ઈસરોના પૂર્વ ચીફ કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી કમિટીને રિપોર્ટ સોંપવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો. દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓના આયોજનમાં કયા સુધારા કરવા જોઈએ તેના પર સૂચનો આપવા માટે આ પેનલની રચના કરાઈ છે.
આ કમિટી એનટીએના કામકાજની પણ સમીક્ષા કરશે અને પરીક્ષાઓમાં સુધારાની ભલામણ કરશે. આ દરમિયાન કોર્ટે એનટીએને પણ શિખામણ આપી. બેન્ચે કહ્યું કે અમે નીટૃયુજીની પરીક્ષાને રદ કરી નથી પરંતુ ખામીઓ દૂર કરવી પડશે. અત્રે જણાવવાનું કે ગુરુવારે જ નીટ યુજી પેપર લીક કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ આ મામલે 13 લોકોને આરોપી બનાવ્યા છે.
તપાસ ચાલુ, આ પહેલી ચાર્જશીટ- સીબીઆઈ
સીબીઆઈએ કહ્યું કે આ પ્રાથમિક ચાર્જશીટ છે અને અમે હજુ આગળ તપાસ કરી રહ્યા છીએ. પેપર લીક કેસમાં સીબીઆઈએ કુલ 6 એફઆઈઆર દાખલ કરી છે. પટણાથી લઈને હજારી બાગ સુધીના આરોપીઓને દબોચવામાં આવ્યા છે. નીટ યુજી પરીક્ષાનું આયોજન એનટીએ કરે છે. આ પરીક્ષાના આધારે જ એમબીબીએસ, બીડીએસ, આયુષ અને અન્ય મેડિકલ કોર્સિસમાં પ્રવેશ મળે છે. આ વર્ષે દેશના 571 શહેરોના 4750 સેન્ટર્સમાં 5 મેના રોજ પરીક્ષાનું આયોજન થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે