અમેરિકામાં નોકરી છોડી ઉધાર પૈસા લઈને ભારતમાં કંપની શરૂ કરી, આજે છે 10 હજાર કરોડના માલિક

Success Story: IIT-JEE પાસ કરીને દેશપાંડેએ IIT ખડગપુરમાં પ્રવેશ લીધો. HPમાંથી છ મહિનામાં જ રાજીનામું આપીને 1990માં ભારત પરત આવી ગયા. જો કે તેમની પાસે એટલા પૈસા ન હતા કે પોતાની કંપની શરૂ કરી શકે.
 

અમેરિકામાં નોકરી છોડી ઉધાર પૈસા લઈને ભારતમાં કંપની શરૂ કરી, આજે છે 10 હજાર કરોડના માલિક

Anand Deshpande: વ્યક્તિ પોતાની મહેનત, આવડત અને સાહસ ખેડવાની ક્ષમતાના બળે ગમે તે હાંસલ કરી શકે છે. આપણી આસપાસ એવી ઘણી વ્યક્તિઓ હોય છે, જેમણે આમ કરી દેખાડ્યું છે. ત્યારે આજે વાત કરીએ જાણીતી ટેકનોલોજી કંપની પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેશપાંડેની. IIT ખડગપુરના વિદ્યાર્થી રહી ચૂકેલા દેશપાંડે યુએસએની ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ પણ થયા છે. અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા બાદ તેમને હોલેટ પેકાર્ડ (HP)માં સારી નોકરી પણ મળી. જો કે શરૂઆતથી જ, તેઓ નોકરી કરવા માગતા નહતા. 

છ મહિનામાં જ તેઓ કંપનીમાંથી રાજીનામું આપીને 1990માં ભારત પરત આવી ગયા. જો કે તેમની પાસે એટલા પૈસા ન હતા કે પોતાની કંપની શરૂ કરી શકે. તેમણે પોતાની બચત અને પરિવાર તેમજ મિત્રો પાસેથી પૈસા ઉધાર લઈને 2 લાખ રૂપિયા ઉભા કર્યા અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સનો પાયો નાંખ્યો. આજે આ જ કંપનીની માર્કેટ વેલ્યુ 36 હજાર કરોડ રૂપિયા છે. આનંદ દેશપાંડેની નેટવર્થ આજે 10,600 કરોડ રૂપિયા છે. 

NDAની પરીક્ષા પાસ કરી
મહારાષ્ટ્રના અકોલામાં જન્મેલા આનંદ દેશપાંડેના પિતા ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં એન્જિનિયર હતા. તેઓ મધ્યપ્રદેશના ભોપાલમાં ફરજ પર હતા. દેશપાંડેનું બાળપણ ભોપાલની ભેલ ટાઉનશીપમાં જ વીત્યું, તેમણે શાળાનું શિક્ષણ ભોપાલમાં જ મેળવ્યું. શાળા પછી, તેમણે નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. જો કે NDAમાં જોડાવાની જગ્યાએ તેમણે IIT-JEE પાસ કરીને IIT ખડગપુરમાં પ્રવેશ લીધો. IITમાં પાસ થયા બાદ  ઉચ્ચ શિક્ષણ માટે તેમણે અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો.

જાતે કોડિંગ કરતા હતા દેશપાંડે
ફોર્બ્સ મેગેઝીનને આપેલા એક ઈન્ટરવ્યુમાં દેશપાંડેએ કહ્યું હતું કે તે પોતાને પ્રોગ્રામર માને છે. તેમને કોડિંગ કરવું ઘણું ગમે છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સની સ્થાપના પછી ત્રણ-ચાર વર્ષ સુધી તેઓ પોતે કોડ લખતા રહ્યા. જો કે એક સમસ્યા એ હતી કે કંપનીમાં કર્મચારીઓ ટકતા ન હતા. તેનું મુખ્ય કારણ એ હતું કે તેમને લાંબા ગાળે પર્સિસ્ટન્ટમાં પોતાનું ભવિષ્ય દેખાતું નહોતું. જેને જોતાં દેશપાંડેએ પોતાને કંપનીના સીઈઓની ભૂમિકામાં વધુ ઢાળવાનું નક્કી કર્યું.

કંપનીની સ્થાપનાના 10 વર્ષ પછી ફંડિંગ મળ્યું
કંપનીને તેની સ્થાપનાના 10 વર્ષ બાદ 2000માં પ્રથમ વખત ભંડોળ મળ્યું હતું. ઇન્ટેલ કેપિટલે કંપનીને 10 લાખ ડોલર આપ્યા હતા. 2005માં કંપનીને નોર્વેસ્ટ વેન્ચર્સ પાર્ટનર્સ અને ગેબ્રિયલ વેન્ચર્સ પાસેથી 20 મિલિયન ડોલરનું ભંડોળ મળ્યું. 2010માં, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સનો IPO આવ્યો અને કંપની શેરબજારમાં લિસ્ટેડ થઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news